શેરબજારમાં વેચવાલી ચાલુ રહી, સેન્સેક્સ વધુ 113 પોઈન્ટ માઈનસ

અમદાવાદ– શેરબજારમાં શરૂની મજબૂતી બાદ નરમાઈનો દોર યથાવત રહ્યો હતો. અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ 567 પોઈન્ટ ઉછળીને આવ્યો હતો. અને નેસ્ડેક 148 પોઈન્ટ ઊંચકાઈને આવ્યો હતો. જેને પગલે સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. સવારે સામાન્ય સુધારો આવ્યો હતો. પણ આ સુધારો ઝાઝો ટકી શકયો ન હતો. તેજીવાળા ખેલાડીઓ અને એફઆઈઆઈની વેચવાલી ચાલુ રહી હતી. જેથી શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળેથી તૂટ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 113.23(0.33 ટકા) ઘટી 34,082.71 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 21.55(0.21 ટકા) ઘટી 10,476.70 બંધ થયો હતો.રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિ રજૂ કરી, જેમાં વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર કર્યા નથી. જેને પગલે શેરબજારમાં ફરીથી નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. શરૂની મજબૂતી પછી વેચવાલી ચાલુ થઈ હતી. ડાઉ જોન્સ ફ્યુચર 194 પોઈન્ટ અને નેસ્ડેક ફયુચર 43 પોઈન્ટ માઈનસ હતા. તેમજ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતું, આમ પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયા પછી શેરબજારમાં નિરાશા છવાઈ ગઈ છે, અને માર્કેટ સતત ઘટી રહ્યું છે.

  • સ્ટોક માર્કેટનો ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ 3.33 ટકા ઘટી 19.34ના લેવલ પર પહોંચી ગયો હતો.
  • એશિયાઈ સ્ટોક માર્કેટમાં શરૂની મજબૂતી પછી નરમાઈ રહી હતી.
  • બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા
  • આજે બેંક, કેપિટલ ગુડ્ઝ, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓટો, એફએમસીજી, હેલ્થકેર, મેટલ, ઓઈલ, ગેસ અને પીએસયુ સેકટરના શેરોમાં ટેકારૂપી લેવાલી આવી હતી, અને મજબૂતી જોવાઈ હતી.
  • રોકડાના શેરોમાં નીચા મથાળે ટેકારૂપી નવી લેવાલીથી બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 69.65 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 339.56 ઉછળ્યો હતો.