સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ, મેશ્વો ડેમ ઓવરફ્લો

અમદાવાદઃ રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં 24 કલાકમાં હિંમતનગરમાં સૌથી વધુ આંઠ ઈંચ વરસાદ પડ્યો છે. તો આ સીવાય ભિલોડામાં સાત ઈંચ જેટલો વરસાદ થતા મેશ્વો ડેમ ઓવરફ્લો થઈ જતા નદી કિનારાના 18 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઈડરમાં છ ઈંચ જ્યારે મોડાસા,મેઘરજ અને વિજયનગરમાં ચાર ઈંચ વરસાદ પડયો છે.

તો આ સીવાય હિંમતનગરમાં છેલ્લા 24 કલાકમાં 191 મી.મી જેટલો વરસાદ થયો છે. ભીલોડામાં વધારે વરસાદ પડતાં મેશ્વો જળાશયમાં ૧૮ હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેના કારણે ડેમ ભરાઈ જતાં ઓવરફ્લો થઈ ગયો અને મેશ્વો નદીમાં પુરની શક્યતા જણાતા તંત્રએ નદી કિનારાના ૧૮ ગામોને એલર્ટ કરી દીધા હતા. ભિલોડામાં છેલ્લા ર૪ કલાકમાં છ ઈંચ વરસાદ થતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.

અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં સારા વરસાદને કારણે જિલ્લાની માજુમ અને મેશ્વો નદીના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. શિણોલ પાસે માજુમ નદી પરના પાંચ ગામના વાહનવ્યવહારને અસર પહોંચી છે. અહીં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો મહાદેવગ્રામ-ગોખરવા પાસે મેશ્વો નાદીના કોઝવે પર પાણી ફરી વળવાને કારણે 15 ગામનો વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે. વિદ્યાર્થીઓને શાળામાં જવામાં મુશ્કેલી પડી રહી છે. બંને નદીઓના નીચાણવાળા વિસ્તારમાં આવતા 49 ગામોને હાલ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરતમાં શહેરમાં ગતરાત્રે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો જ્યારે માંડવી, પલસાણા, મહુવા અને બારડોલીમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. તાપી જિલ્લાના ડોલવણમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી, વાંસદા અને ચિખલીમાં પણ પોણો ઇંચ વરસાદ પડયો હતો.

તો આ સાથે જ સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો નોંધાયો છે. અત્યારે હાલ નર્મદા ડેમમાં 33,249 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેમજ 10,445 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.5 મીટરનો વધારો થયો છે. અત્યારે ડેમની સપાટી 127.23 મીટર પર છે. અત્યારે CHPH ના ત્રણ યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. છેલ્લા 1 વર્ષથી બંધ રહેલા RBPH ના ટર્બાઈન ચાલુ કરાશે.