પરપ્રાંતીયો પર હુમલા મુદ્દે રાજ્યસરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું

અમદાવાદ- રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં સરકારે અત્યાર સુધીમાં પરપ્રાંતિયો પર થયેલી હિંસા, સરકારે લીધેલા પગલા વગેરે મુદ્દા રજૂ કર્યા હતાં. સાથે જ આગામી સમયમાં હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ બાંહેધરી આપી હતી.

બનાસકાંઠામાં પરપ્રાંતિય શખ્સ દ્વારા બાળકી પર બળાત્કારની ઘટના બાદ રાજ્યમાં કેટલાક લોકોએ પરપ્રાંતિય લોકોને નિશાન બનાવ્યા હતા. આ હિંસા બાદ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઇ હતી. જેમાં સરકાર પાસે ખુલાસા માગ્યા હતાં. આ ખુલાસાના જવાબ રૂપે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સમગ્ર મુદ્દે કાર્યવાહીની આંકડા રજૂ કર્યા હતાં. જેમાં જણાવાયું કે પરપ્રાંતિયો પર થયેલા હુમાલાઓના કેસમાં 63 અલગ અલગ ગુના નોંધાયા છે. કુલ 10 જિલ્લામાં ટોળા દ્વારા હુમલાની ઘટના બની હતી.

આ ઉપરાંત સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી જનક ભાષણ, વિડીયો મુકનારાઓ સામે આઈ.ટી. એક્ટ હેઠળના 10 કેસ કરવામાં આવ્યા છે અને 89 લોકોની ધરપકડ કરાઈ છે.

સરકારે સોગંદનામામાં જણાવ્યું છે કે, પોલીસે ગુનેગારોને ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી કરી છે. રાજ્યમાં શાંતિ ડહોળતા તત્વો સામે પગલા લેવાયા છે. એટલું જ રાજ્ય સરકારે જણાવ્યું રે ગુજરાત રાજ્ય સામે દેશનો કોઇપણ નાગરિક પરપ્રાંતિય નથી. ગુજરાતમાં ધંધા-રોજગારનો તમામને અધિકાર છે. આ અધિકાર રોકનાર સામે કાર્યવાહી કરાશે. તો સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી શાંતિ ડહોળનારાઓ સામે સાયબર ક્રાઇમ હેટળ કાર્યવાહી કરાશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં ઔદ્યોગિક ક્રાંતિમાં નંબર 1 ગણાતા ગુજરાતમાં લાખો માઇગ્રન્ટ્સ વસવાટ કરે છે. દેશના અન્ય રાજ્યો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાંથી લોકો ધંધા રોજગાર માટે ગુજરાતમાં આવ્યા છે.