ફી નિયમન કાયદો યોગ્ય હોવાનો હાઈકોર્ટનો ચૂકાદો, શાળાઓ નફાખોરી કરી શકે નહી

અમદાવાદ- ફી નિયમન કાયદા અંગે ગુજરાત હાઈકોર્ટે આજે બુધવારે ચૂકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાથી શાળા સંચાલકોને ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ફી નિયમન ચૂકાદા પર સ્ટે મૂકવા અંગે ખાનગી શાળાઓ દ્વારા એક માંગણી કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે સરકારને મોટી રાહત આપવામાં આવી છે. હાઈકોર્ટે સમગ્ર મામલે પોતાનો ચૂકાદો આપતાં જણાવ્યું હતું કે ફી અધિનિયમન સમિતિ બંધારણીય છે. બંધારણીય કાયદાનું હનન થયું નથી અને સરકારનું નોટિફિકેશન યોગ્ય છે. હાઈકોર્ટે જણાવ્યું કે ફી નિયમન કાયદો યોગ્ય છે અને શાળાઓ નફાખોરી કરી શકે નહી. તો આ સાથે જ હાઈકોર્ટે જણાવ્યું કે સમગ્ર મામલે 2018થી સુધારા લાગુ થશે.સરકાર હાઈકોર્ટના નિર્ણયનું પાલન કરશેઃ ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા

સમગ્ર મામલે ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે અમે હાઈકોર્ટના આ ચૂકાદાને આવકારીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર હાઈકોર્ટના ચૂકાદાનું પાલન કરશે અને સંચાલકો હવે પોતાની દાદાગીરી નહી ચલાવી શકે. ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ જણાવ્યું કે હાઈકોર્ટનો ચૂકાદો કોંગ્રેસ અને રાહુલ ગાંધીને જવાબ છે અને સાથે જ હાઈકોર્ટના આ ચૂકાદાને તેમણે શિક્ષણ જગત માટે ઐતિહાસિક ચૂકાદો ગણાવ્યો છે.

આજે ઐતિહાસિક દિવસઃ અગ્રસચિવ, સૂનયના તોમર

સમગ્ર મામલે અગ્રસચિવ સુનયના તોમરે પ્રતિક્રિયા આપતા હાઈકોર્ટના આ ચૂકાદાને આવકાર્યો હતો. આજે એક ઐતિહાસિક દિવસ છે, અમે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરીશું અને સાથે જ બધી કાર્યવાહી પૂર્ણ કરીશું. હાઈકોર્ટના ચુકાદા અનુસાર શાળાઓને અમે સમય આપીશું.

દંડની જોગવાઇ

ફી નિર્ધારણ કાયદા મુજબ જો કોઈ શાળા આ કાયદાનો ભંગ કરશે તો તેમની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. જેમ કે જો કોઈ શાળા પ્રથમ વાર આ કાયદાનો ભંગ કરશે તો તેમને રૂ. 5 લાખનો દંડ, બીજી વાર કાયદાનો ભંગ કરે રૂ. 5 લાખથી લઈને રૂ. 10 લાખનો દંડ ત્રીજી વાર શાળાઓ કાયદાનો ભંગ કરે તો શાળાની માન્યતા રદ્દ કરવામાં આવશે અથવા તો તેમને મળેલુ નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ રદ કરવામાં આવશે. ઉપરાંત શાળાઓમાં ચાલતા પ્લેગૃપ, પ્રિ-પ્રાયમરી સ્કુલ, જુનિયર કે સિનિયર કેજીમાં પણ આ કાયદો લાગુ પડશે.

રાજ્યમાં કેટલી છે ખાનગી શાળાઓ

રાજ્યમાં 9,384 ખાનગી શાળાઓ, 3,831 માધ્યમિક શાળાઓ અને 3,032 ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ખાનગી છે. ફી નક્કી કરવા માટે આ બિલ હેઠળ ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચાર વિભાગમાં રહેશે. આ કમિટીની આગેવાની નિવૃત્ત જિલ્લા જજ અથવા તો પ્રિન્સિપાલ સેક્રેટરી કક્ષાના નિવૃત્ત આઈએએસ અધિકારી અથવા તો એડિશનલ ડીજીપી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી કરશે.