મંડપ ખોલી રહેલા 5 મજૂરોના વીજ કરંટ લાગવાથી મોત

અમરેલીઃ વડિયા તાલુકાના ભાયાવદર ગામે મકનબાપાના મંદિરે શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા પૂર્ણ થતા મંડપ ખોલવાની કામગીરી કરતા સમયે ઈલેકટ્રીક શોક લાગવાથી પાંચ મજૂરોના કમકમાટીભર્યા મોત થયા છે અને એક મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતી નાજુક છે.

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ભાયાવદર ગામે 17મા ટીરહી મહોત્સવ પ્રસંગે સુપ્રસિદ્ધ કથાકાર અને શિવ ઉપાસક ગીરીબાપુની કથા યોજાઈ હતી. આ કથાનું યજમાન દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ગામેગામથી શીવકથાને સાંભળવા મોટી સંખ્યામાં લોકો નિત્ય આવતા હતા. શિવકથા પૂર્ણ થતા ત્યાં બાંધવામાં આવેલો વિરાટ શમીયાણો સમેટવાની કામગીરી શરૂ થઈ હતી. મંડપ સર્વિસના મજૂરો એક લોખંડના ટેબલ પર ચડીને આ શમિયાણો ખોલી રહ્યા હતા. પરંતુ એક લોખંડનું સ્ટેન્ડ કે જેના સહારે મંડપ બાંધવામાં આવે છે, તે સ્ટેન્ડ ત્યાંથી પસાર થઈ રહેલા 11 કેવીના વાયરને અડકી જતા પાંચ જેટલા મજૂરોને શોટ લાગ્યો હતો અને હેવી લાઈન હોવાથી ગંભીર રીતે કરંટ લાગતા પાંચ જેટલા મજૂરોનું ત્યાંજ મૃત્યું થયું હતું જ્યારે એક મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં હાલ તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.