દખ્ખણ પછીની લડાઈ પૂરબમાં થવાની છે

ખ્ખણ ભારતમાં થયેલી લડાઈ સજ્જનો વચ્ચેની લડાઈ હતી. ગુજરાતમાં આપણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટોકટની લડાઈ થતી જોઈ, પણ આ વેપારી લડાઈ છે. એક બીજાને ચિત કરી દેવાના, પણ દલિલબાજીથી અને ચાલાકીથી. લાકડીઓ ઊછળે એવું ઓછું બને. પૂર્વમાં થનારી લડાઈ સજ્જનોની લડાઈ નથી રહેવાની. પૂરબમાં થનારી લડાઈ લોહિયાળ બનવાની છે.

તેનો નમૂનો આપણને હાલમાં જ મળી ગયો. કર્ણાટકની કશ્મકશમાં પશ્ચિમ બંગમાં થઈ ગયેલી પંચાયતોની ચૂંટણી તરફ આપણું બહુ ધ્યાન ના ગયું. ત્યાં થયેલી હિંસા તરફ પણ બહુ ધ્યાન ગયું નહોતું. કર્ણાટકની ચૂંટણીના પરિણામો આવ્યા તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પક્ષના ‘વિજય’ બદલ કાર્યકરોનો આભાર માનવા ભાજપના વડામથકે આવ્યા ત્યારે તેમણે પશ્ચિમ બંગમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાને પંચાયતોની ચૂંટણીમાં શું ઘટનાક્રમ થયો તેની નોંધ લેવી પડે તેના એકથી વધારે સૂચિતાર્થો છે. હિંસા બહુ વ્યાપક હતી અને ચિંતાજનક હતી તેથી ઉલ્લેખ થયો હશે. વાત સાચી, પણ આ પહેલીવાર નથી થયું. પશ્ચિમ બંગનો ઇતિહાસ રહ્યો છે ચૂંટણી લોહિયાત થતી રહેવાનો. બાહુબલી શબ્દ હિન્દી પટ્ટા માટે વપરાય છે, પણ તેમાં એક દાદાગીરીનું તત્ત્વ હોય છે, લુખ્ખાગીરીનું તત્ત્વ નથી હોતું. ચાર પાંચ દાયકા પહેલાં ગુજરાત સહિત દેશમાં મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક માથાભારે લોકોની ધાક પ્રમાણે મતદાન થતું હતું. તેમાંથી ધીમે ધીમે આપણે બહાર આવી રહ્યા છીએ, પણ પશ્ચિમ બંગાળમાં એ પક્રીયામાં પાત્રો બદલાયા છે, પણ હિંસાની સામે હિંસા થઈ છે, હિંસા સામે બીજો કોઈ વિકલ્પ અપનાવાની વાત સુધી હજી પક્ષો પહોંચ્યા નથી.

મમતા બેનરજીએ કહ્યું કે આનાથી વધારે ખરાબ હિંસા અમે જોઈ છે અને ડાબેરી શાસન વખતની ગુંડાગીરીનો સામનો કરીને અહીં પહોંચ્યા છીએ. તેમની વાતમાં તથ્ય છે. બહારથી બહુ ભદ્ર દેખાતા ડાબેરી શાસકોએ પશ્ચિમ બંગમાં ગલીએ ગલીએ ગુંડા પાળ્યા હતા. ત્રણ દાયકા સુધી પશ્ચિમ બંગમાં ડાબેરી શાસન ના હટ્યું તેનું કારણ લોકસમર્થન નહિ, પણ આ ગુંડાગીરી પણ હતી. કોઈ એક પક્ષનું શાસન લાંબો સમય રહે ત્યારે શું થાય તેનું આ ભયસ્થાન છે.
મમતા બેનરજીએ કોંગ્રેસમાં રહીને ડાબેરીઓનો સામનો કરવાની કોશિશ કરી હતી, પણ સીધા રસ્તે ડાબેરીઓને પહોંચી શકાય તેમ નહોતું. કેન્દ્રમાં જ્યારે જરૂર પડતી હતી ત્યારે ડાબેરીઓ અને કોંગ્રેસીઓનું ઈલુઈલુ ચાલતું હતું. તેના કારણે મમતાના હાથ હેઠા પડતા હતા. મમતા બેનરજીએ આખરે અલગ પક્ષ કરીને, જરૂર પડી ત્યારે એક તબક્કે ભાજપનો પણ સાથ લઈને રાજ્યમાં ડાબેરીઓની ગુંડાગીરીનો સામનો કરવાનું શરૂ કર્યું હતું.

આખરે સત્તા સુધી પહોંચ્યા પછી મમતા બેનરજીએ હવે ગલીએ ગલીએ ગુંડાઓ બદલી નાખ્યા છે. ચૂંટણી વખતે ચારે બાજુ ઝંડાઓ લઈને નહિ, પણ લાકડીઓ લઈને ટેકેદારો ફરતા હતા. સોશ્યલ મીડિયામાં વાયરલ વિડિયોના જમાનામાં પશ્ચિમ બંગની મારામારીના દૃશ્યો અનેક લોકોએ જોયા છે. મમતા બેનરજીને ચિંતા બદનામીની નથી, ચિંતા છે માંડ હાથમાં આવેલી સત્તાને જાળવી રાખવાની. જો પાંચ વર્ષ માટે સત્તાની બહાર રહ્યા તો ગલી ગલીએ રાખેલા ભાડૂતી ગુંડાઓ ભાડા સાથે સામા પક્ષે જતા રહે.

તેથી યેનકેનપ્રકારેણ વિજય મમતા માટે જરૂરી છે. પંચાયતોની ચૂંટણીમાં તેમની એ નીતિ કામ આવી છે. મોટા ભાગની પંચાયતોમાં તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો છે. ભાજપ તેને ત્યાં ચેલેન્જ આપી રહ્યો છે. અનેક જગ્યાએ ભાજપે કોંગ્રેસ અને ડાબેરીઓને દૂર કરીને બીજું સ્થાન મેળવ્યું છે. પણ બીજું સ્થાન ઘણું દૂરનું છે – એ ડિસ્ટન્ટ સેકન્ડ.
કર્ણાટકમાં મત ગણતરી ચાલતી હતી, તેમાં ઇન્ટરવલ પડે તે પહેલાં જ નવો ડ્રામા શરૂ થઈ ગયો હતો. તેની વચ્ચે ગુરુવારે પશ્ચિમ બંગની ચૂંટણીના પરિણામો પણ આવી ગયા. 34 વર્ષ સુધી પકડ જમાવીને બેઠેલા ડાબેરી ફરી બેઠા ના થાય તે માટે મમતાએ પાકો બંદોબસ્ત કર્યો હતો. તેનો ફાયદો ભાજપને મળ્યો છે અને તેને બીજું સ્થાન મળ્યું છે, જ્યારે ડાબેરીઓ અસંખ્યા જગ્યાએ ત્રીજા સ્થાને જતા રહ્યા છે.

તેના કારણે ભાજપ અને મમતા બંને સમજી ગયા છે કે હવે દખ્ખણ પછીની અસલી લડત પૂરબમાં થવાની છે. ઈશાન ભારતમાં ભાજપને સફળતા મળી છે. તેમાં ભાજપને સ્વંયને પણ સફળતા મળી છે અને કોંગ્રેસ વિરોધી પક્ષોને સાથે રાખીને સત્તામાં ભાગીદારી કરવાની પણ તક મળી છે. પરંતુ પશ્ચિમ બંગ હજી બાકી છે અને તેમાં મમતાની સામે ડિસ્ટન્ટ સેકન્ડ નહિ, પણ કટોકટની ટક્કર આપનારા બરોબરિયા તરીકે ભાજપે ઉપસવાનું છે. અહીં કોંગ્રેસમુક્ત ભારતની વાત કરવાની પણ ભાજપને જરૂર નથી, કેમ કે ચોથા કે પાંચમાં સ્થાને આવેલા કોંગ્રેસનું કોઈ વજૂદ હવે પશ્ચિમ બંગમાં રહ્યું નથી. બિહાર અને યુપીમાં નામ માત્રની થોડી બેઠકો આપવા જેટલી પરવા પણ મમતા ના કરે તેવી સ્થિતિ છે.

જોકે કર્ણાટકની ચૂંટણી પછી સ્થિતિ બદલાઈ શકે છે. માયાવતીએ કર્ણાટકમાં જેડી-એસ સાથે ગઠબંધન કર્યું હતું. હાજરી પુરાવવા માટે એક બેઠક પણ બીએસપીને કર્ણાટકમાં મળી છે. તેથી કોંગ્રેસના સમર્થન સાથે સરકાર બને અને ભાજપને દૂર રાખી શકાય તેમાં માયાવતીએ રસ લીધો હતો. તેમની વહારે મમતા આવ્યા હતા અને મમતાએ પણ કર્ણાટકના પરિણામો પછી સરકારની રચનામાં રસ લીધો હતો. જેડી-એસ સાથે વાત કરીને ભૂલથી પણ જેડી-એસ ભાજપ તરફ ના સરકે તે માટે તેમણે પણ પ્રયાસો કર્યા હતા.

આ સંજોગોમાં સ્ટ્રેટેજિક કારણોસર અને જેડી-એસ અને માયાવતી જેવા ત્રીજા મોરચાના સાથીઓના કહેવાથી મમતા થોડી ગણી બેઠકો કોંગ્રેસને આપશે કે કેમ તેની ચર્ચા ચાલશે ખરી. કર્ણાટકમાં એક એક બેઠક અગત્યનું બની હતી તે અનુભવ પરથી બે ત્રણ હજાર મતો ખાતર બેઠકો ગુમાવવી ના પડે તેવી સ્ટ્રેટેજી ત્રીજા મોરચાએ કર્યા સિવાય છુટકો નથી. કોંગ્રેસ પણ અસ્તિત્ત્વનો સવાલ છે તે સમજી ગઈ હોવી જોઈએ.

પશ્ચિમ બંગમાં પંચાયતોની ચૂંટણીના આંકડાં પણ યાદ રાખવા પડશે. કેમ કે પંચાયતોમાં જે પક્ષનો પગ હોય તે લોકસભાની ચૂંટણીમાં પણ ઉપયોગી થાય જ છે. લોકસભાનો માહોલ જુદો હોય છે અને મુદ્દા મહત્ત્વના બનતા હોય છે. સાથોસાથ શહેરી મતોનો પ્રભાવ પણ રહેવાનો છતાં બહુ મોટી સંખ્યામાં પંચાયતોમાં સત્તા હોય તેનો ફાયદો થાય. ગ્રામ પંચાયતોની કુલ 31,814 બેઠકો પર મતદાન થયું હતું. તેમાંથી 20,277 બેઠકો તૃણમૂલ કોંગ્રેસ (ટીસી) જીતી ગઈ છે. તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ 6125 બેઠકોમાંથી 2605 બેઠકો જીતી લીધી હતી. આ આંકડા ફાઇનલ નથી, કેમ કે કેટલીક બેઠકોમાં હજી ગણતરી ચાલી રહી હતી તે પહેલાં ટીસીના ટેકેદારોએ વહેતા કર્યા હતા. આ આંકડાં ટીસીની તરફેણમાં વધવાના છે.

આ ઉપરાંત લગભગ બધી જ 20 જિલ્લા પંચાયતોમાં ટીસીનું શાસન આવે તેવી પૂરી શક્યતા આ લખાય છે ત્યારે દેખાઈ રહી છે. આનો અર્થ એ થયો કે સંપૂર્ણ રાજ્યમાં મમતા બેનરજીના પક્ષનો ઝંડો ફરકી ગયો છે.
હરિફોના જે આંકડાં ટીસીના ટેકેદારો આપ્યા છે, તેમાં ભાજપે ગ્રામ પંચાયતોની 5416 બેઠકો અને તાલુકા પંચાયની 282 બેઠકો જીતી છે.

પુરુલીયા અને ઝારગ્રામ જિલ્લા પંચાયતમાં ભાજપે સારો દેખાવ ક્યો છે અને આ જિલ્લા પંચાયતોમાં તોડફોડ થાય તો ભાજપના હાથમાં કદાચ સત્તા પણ આવે તેમ સ્થાનિક લોકોનું કહેવું છે.

હવે હરિફ પક્ષોના લોકોએ આપેલા આંકડાં જુઓ એટલે સ્થિતિ વધારે સ્પષ્ટ થશે. ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત ત્રણેયની ચૂંટણી એકસાથે થઈ તેમાં કુલ બેઠકો થઈ 58,692. આમાંથી 34.2 ટકા બેઠકો બિનહરિફ થઈ ગઈ હતી. જીહા, ત્રીજા ભાગની બેઠકો પર ચૂંટણી લડનારો હરિફ જ રહેવા દેવાયો નહોતો. આવી કુલ 20,076 બેઠકો બિનહરિફ થઈ ગઈ. તેમાં સૌથી વધુ સ્વાભાવિક છે કે ગ્રામ પંચાયતોની બેઠકો હોય. ગ્રામ પંચાયતોની કુલ બેઠકો 48,650, તેમાંથી 16,814 બેઠકો બિનહરિફ થઈ ગઈ. તાલુકા પંચાયતની 9,217 બેઠકોમાંથી 3,059 બેઠકો અને જિલ્લા પંચાયતની કુલ 825 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરિફ થઈ ગઈ. જિલ્લા પંચાયતની પણ 25 ટકા બેઠકો લડવા માટે કોઈ હરિફના હોય તે થોડું વધારે પડતું લાગશે.

આ બધી જ બેઠકો માત્ર તૃણમૂલ કોંગ્રેસ માટે બિનહરિફ થઈ તેવું નથી. હજી પણ ઘણા બધા ગામડાંમાં ડાબેરીઓનું વર્ચસ્વ ટકી રહ્યું છે અને ત્યાં અગાઉની જેમ કોઈને ચૂંટણી લડવા દેવાયા નથી. કોના પક્ષમાં કેટલી બિનહરિફ થઈ તેનો આંકડો નથી મળ્યો, પણ સૌથી વધુ બેઠકો ટીસી પાસે આવી છે, તેમાં મોટી સંખ્યામાં બિનહરિફ બેઠકો પણ છે તે અનુમાન કરી શકાય છે.

ચૂંટણી પહેલાં જ ડરાવી ધમકાવીને હરિફોને ચૂપ કરી દેવાય. ઉમેદવારી પત્રક ભરવા આવે તેને માર પડે. તેમના ઉમેરવારી પત્રો ચૂંટણી અધિકારીના હાથમાં આવે તે પહેલાં ખેંચીને ફાડી નાખવામાં આવે તેવા અસંખ્યા બનાવો બન્યા હતા. આમ છતાં મારામારી વચ્ચે પોલીસ રક્ષણ વચ્ચે ઉમેદવારી કરનારાને ચૂંટણી પ્રચાર ના કરવા દેવાય અને પ્રચાર કરીને જતા રહે તે પછી મતદાનના દિવસે તેમના ટેકેદારોને ઘરની બહાર નીકળવા ના દેવાય. ટોળું કરીને ટેકેદારો મતદાન મથકે પહોંચી જાય તો બાદમાં આખી મતપેટી ઊંચકીને તળાવમાં ફેંકી દેવાય એવા બનાવો બન્યા હતા.

પશ્ચિમ બંગમાં પંચાયતોની ચૂંટણીમાં મતદાન દરમિયાન થયેલી હિંસામાં સત્તાવાર રીતે કુલ 12ના મોત થયા હતા. બિનસત્તાવાર આંકડો વધારે છે એવું વિપક્ષ કહી રહ્યો છે.

આ સંજોગમાં કર્ણાટકમાં ભલે સત્તા ના મળે, પણ કોંગ્રેસને નુકસાન કરવાનું હતું તે ભાજપે કર્યું છે. ભાજપ દક્ષિણમાં કર્ણાટકમાં સ્વતંત્ર, આંધ્ર, તેલંગણા અને તામિલનાડુમાં સાથી પક્ષો સાથે હાજર રહેવાનો છે. ત્યાં બાકી રહ્યું રાજ્ય કેરળ, જ્યારે પૂરબમાં બાકી રહ્યું છે મોટું રાજ્ય પશ્ચિમ બંગ. બંને રાજ્યોમાં અલગ અલગ સ્ટ્રેટેજી સાથે ભાજપ સક્રીય છે. બંને રાજ્યોમાં અલગ તરાહની લડત રહેવાની છે. કેરળમાં ડાબેરી વર્ચસ્વ છતાં પશ્ચિમ બંગ કક્ષાની હિંસા નથી. અહીં કર્ણાટકની જેમ મુદ્દા અને વિચારધારાની લડાઈ રહેશે, જ્યારે પશ્ચિમ બંગમાં રાજકીય લડાઇ, વિચારધારાની લડાઇ સાથે અસલી લડાઇ પણ લડાશે. કે પછી પશ્ચિમ બંગ પણ બદલાશે?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]