સૌરાષ્ટ્ર ભાજપમાં ઉથલપાથલના અણસાર, ટૂંકસમયમાં નેતાગીરીમાં ફેરફાર

ગાંધીનગર– વિધાનસભા ચૂંટણીમાં સોની અંદર સમેટાઇ જવામાં સૌરાષ્ટ્રમાં મળેલો જાકારો ભાજપને જીતની ખુશીમાં પણ હચમચાવી રહ્યો છે. એકતરફ નવી સરકારની રચના માટે ચર્ચાઓ-નિર્ણયોનો સમય છે ત્યારે પક્ષ નેતાગીરી આ મામલે પણ હરકતમાં હોવાના અહેવાલ છે.

જાણવા મળ્યાં પ્રમાણે આગામી સમયમાં ભાજપના સૌરાષ્ટ્ર માળખાંમાં ધરખમ ફેરફારોની તૈયારી છે. મોરબી, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢમાં ભાજપ ધોવાઇ ગયો છે ત્યારે જનાધાર ગુમાવવાના કારણો તપાસી ટૂંકસમયમાં પગલાં લેવાની રણનીતિ ઘડાઇ છે.

પાટીદાર પ્રભુત્વના મુદ્દાને ધ્યાને લઇને પણ અપેક્ષા કરતાં ઓછું પરિણામ આવતાં આ પંથકના આગેવાનોના સંગઠનમાં ફેરફાર થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ભાજપને ધોબીપછાડ આપી છે ત્યારે મતદારોની નાપસંદગી ખાળવા ડેમેજ કંટ્રોલ કરવા માટે નેતાગીરીનું મંથન કરવામાં આવ્યું છે. જાણવા મળ્યાં પ્રમાણે જામનગર બેઠક પર હારેલાં ભાજપ ઉમેદવાર રાઘવજી પટેલ પક્ષ સમક્ષ પોતાની રજીઆથ કરતાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લા પ્રમુખ ચંદ્રેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખે તેમની વિરુદ્ધ કામ કરી હરાવ્યાં છે.

લોકસભા 2019ની ચૂંટણી માથે ઊભી છે ત્યારે સૌરાષ્ટ્રમાં રુઠેલાં મતદારોને ફરી ભાજપ તરફ વાળવાની કવાયત ભાજપ માટે સીધાં ચઢાણ બની રહેશે.