સીએસડીએસનો રસપ્રદ સર્વેઃ શરુમાં કોંગ્રેસ, અંતિમદોરમાં ભાજપે આ રીતે પલટી બાજી

અમદાવાદ– ગુજરાતમાં ભાજપની સતત છઠ્ઠી સરકાર શપથ લેવા જઇ રહી છે અને પૂરા પ્રયત્ન છતાં કેમ હાર્યાં તેનું આત્મમંથન કોંગ્રેસના નેતાઓ કરવા લાગ્યાં છે તેમાં સીએસડીએસ સર્વેના તારણો ધ્યાને લેવા જેવા છે.

આ સર્વે પ્રમાણે ચૂંટણી પ્રચારના પહેલા દોરમાં કોંગ્રેસે ભાજપ કરતાં લાંબી લીટી તાણી લીધી હતી પરંતુ છેલ્લા દોરમાં આવતાં સુધીમાં ભાજપે નિર્ણાયક સરસાઇ મેળવી લીધી હતી. લગભગ એકસરખા સમયે તૈયારી શરુ કરતાં કોંગ્રેસ તરફથી રાહુલે તો ભાજપ તરફથી પીએમ મોદીએ રાજ્યમાં ધામા નાંખ્યા હતાં.. કોંગ્રેસ ગત ચૂંટણી કરતાં વધુ સક્ષમ આયાતી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી હતી જેના કારણે 22 વર્ષથી સત્તાનશીન ભાજપ માટે પડકાર  ઊભો કરી શકી હતી.

સીએસડીએસના આંકડા પ્રમાણે જોઇ શકાય છે કે પ્રચારના અંતિમ બે સપ્તાહમાં ભાજપે કોંગ્રેસ પર સરસાઇ મેળવવામાં સફળતા મેળવી લીધી હતી. પ્રચાર અભિયાનની શરુઆત પહેલાં 48 ટકા જનતા કોંગ્રેસના પક્ષે હતી અને 46 ટકાએ ભાજપમાં ભરોસો હતો. આ ધોરણે ભાજપને 8 ટકાનું નુકસાન હતું તો કોંગ્રેસને 10 ટકાનો ફાયદો હતો. સર્વેના જણાવ્યાં પ્રમાણે 6 ટકા લોકો અન્ય પક્ષ સાથે પણ જોવા મળ્યાં હતાં.

સર્વે પ્રમાણે પ્રચારના પહેલા તબક્કામાં 100માંથી 42 કોંગ્રેસ અને 47 ભાજપના સમર્થનમાં મતદાન કરવા તૈયાર હતાં. શરુઆતે કોંગ્રેસને જે 7 ટકા મતદારો વધુ સમર્થનનો ફાયદો થઇ રહ્યો હતો તે આખરના બે સપ્તાહમાં જબરજસ્ત રીતે ઘટી ગયો હતો અને મતદાતાઓનું સમર્થન ગુપચૂપ ભાજપ તરફ સરકી ગયું હતું. વરિષ્ઠ કોંગ્રેસી મણિશંકર ઐયરના પીએમ મોદી માટેના અપમાનજનક શબ્દપ્રયોગે ભાજપને ત્યારે લાભ કરાવ્યો જ્યારે મોદીએ પોતાને ગુજરાતનો બેટો ગણાવતાં ગુજરાતની અસ્મિતા સાથે જોડી દીધો. મોટેભાગે કોંગ્રેસના નેતાઓ પણ અંદરખાને માની રહ્યાં છે કે આ કારણે છેલ્લાં સમયમાં ભાજપે સમર્થન વધારી દીધું. છેવટે અંતિમ તબક્કામાં 7 ટકાના વધારા સાથે ભાજપે 100માંથી 53 લોકોને પોતાના તરફે કરી લીધાં હતાં. કોંગ્રેસને નુકસાન ઉઠાવતાં ફક્ત 37 ટકા જનતાનું સમર્થન બાકી રહ્યું જેના કારણે હાર ખમવી પડી.