AMC સંચાલિત સ્કૂલ બોર્ડનો નિર્ણય, બાળકોના વાળ હવે શાળામાં જ કપાશે

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી કોર્પોરેશનની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાળ શાળામાં જ કાપવામાં આવશે તેવો એક પ્રોજેક્ટ આગામી સમયમાં હાથ ધરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર હવે અમદાવાદ સ્કૂલ બોર્ડમાં ભણતા બાળકોના માતાપિતાને હવે તેમના વાળ કપાવવામાં કોઇ ખર્ચ કરવાની જરૂર નહીં પડે. અને તેના ખર્ચ અંગેની ચિંતા પણ કરવાની જરૂર નથી. કારણ કે હવેથી બાળકોને સારુ શિક્ષણ આપવાની સાથે સ્વચ્છતાના ભાગરૂપે શાળામાં જ વાળ પણ કાપી આપવામાં આવશે. પ્રાયોગિક ધોરણે હાલ 51 શાળામાં આ પ્રોજેક્ટનો અમલ કરાવવામાં આવશે.

આ અંગે વધુ વિગત આપતા સ્કૂલ બોર્ડના ચેરમેન પંકજભાઈ ચૌહાણે જણાવ્યું કે, ‘સ્વચ્છતા મશિન અંતર્ગત આ પ્રોજેક્ટ મુકાયો છે. સમગ્ર દેશમાં પ્રથમ અમદાવાદ શહેરમાંથી આની શરૂઆત થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્કૂલ બોર્ડની શાળાઓમાં ભણતા 1 લાખ 24 હજાર વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. વિદ્યાર્થીઓ પોતાની મન ગમતી હેર સ્ટાઇલીંગ કરાવી શકે છે. આ કામ માટે પૂનાની એક એજન્સીની પસંદગી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે સ્કૂલ બોર્ડ બાળકોના હેર કટિંગ પાછળ એક પણ રૂપિયાનો પણ ખર્ચ નહી કરે અને પુનાની આ એજન્સી જ પોતાના ખર્ચે બાળકોના હેર કટ કરશે.

જો કે એએમસી, સ્કૂલ બોર્ડના કોંગ્રેસ સભ્ય ઇલ્યાશ ખુરેશીએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તેમણે આરોપ લગાવતાં કહ્યું છે કે શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ ઉપરાંતની પ્રવૃત્તિ પર વધારે ધ્યાન આપવામાં છે. જેના કારણે ભ્રષ્ટાચાર વધે છે. ઈલ્યાસ ખુરેશીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટથી તેમને પોતાનો ભ્રષ્ટાચાર છાવરવાની જ તક આપવામાં આવી છે.