મેટ્રોરેલ પ્રોજેકટઃ 6.5 કિ.મી.નો મેટ્રો રૂટ આવતા વર્ષે શરૂ થશે

ગાંધીનગર- નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિકાસકાર્યો માટે જે અંદાજપત્રીય જોગવાઇ કરી હતી, તેમાં ગ્રામ્યસ્તરેથી શહેરીક્ષેત્રે વધુ કામો માટે ખર્ચ કરાયેલા વધુ નાણાંને કારણે પૂરક ખર્ચની માગ કરાઇ છે. આ માગણીઓ બહુમતીથી પસાર કરાઇ હતી.માર્ગ સુવિધા માટે ગ્રામ્યસ્તરે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો હાથ ધરાયાં છે. ઉપરાંત રસ્તાઓ પહોળા કરવા, નવા પુલો નિર્માણ માટે ખર્ચ કરાયો છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિના કારણે સરકારી ઇમારતોને જે નુકશાન થયું છે તેનો પુન:નિર્માણ માટે આ વધારાનું ખર્ચ કરાયું છે. આ બધા આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે વિવિધ કામો હાથ ધર્યા છે.

મેટ્રો રેલમાં ખર્ચ વધવાના કારણોના જવાબ આપતાં તેમણે જણાવ્યું કે, વાહન વ્યવહારની વધુ સરળતા માટે મેટ્રોની સુવિધાના કામની શરૂઆત કરી છે અને આ માટેનું કામ ગ્લોબલ ટેન્ડરથી કરવામાં આવ્યું હોવા છતાં અમુક કંપનીઓના કોર્ટમાં જવાથી સમયનો વધારો થતા વધારાની રકમની જરૂરિયાત ઉભી થઇ છે. આમ છતાં પ્રથમ ચરણનો ૬.૫ કિ.મી.નો મેટ્રોરૂટ આવતા વર્ષે શરૂ થશે. વધારાના નાણાકીય ખર્ચ સંદર્ભે જણાવ્યું કે સાતમા પગાર પંચને લઇ નાણાની ફાળવણી સમયને આધીન કરવાની રહે છે તેમ જ ગત વર્ષે ફિક્સ સમયના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ ઉપરાંત તેમજ કાયમી કરવાના નિર્ણયથી ઉભા થયેલા નાણા ભારણને કારણે પૂરક માગણીઓ અનિવાર્ય છે.

રાજ્ય વિધાનસભા ખાતે આજે રૂ.૬૯૫.૯૮ કરોડની પૂરક માગણીઓ રજૂ કરાઇ હતી. વિધાનસભા ગૃહમાં કુલ રૂ.૧૦,૭૯૬ કરોડની ૫૩ પૂરક માંગણીઓ રજૂ કરી હતી તે પૈકી ૧૦ માગણીઓ ચર્ચા દ્વારા ગૃહમાં પસાર કરાઇ હતી. ૭ માગણીઓ બિનમતપાત્ર હતી અને બાકીની ૩૬ માગણીઓ ગિલોટીનથી રજૂ કરાઇ હતી તે તમામ માગણીઓ ગૃહમાં બહુમતીથી પસાર કરાઇ હતી.