શેરબજારમાં નરમાઈ યથાવત, સેન્સેક્સ 137 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં નરમાઈ આગળ વધી હતી. ગ્લોબલ માર્કેટના નેગેટિવ રીપોર્ટ પાછળ એફઆઈઆઈ અને તેજીવાળા ખેલાડીઓની વેચવાલી ચાલુ રહી હતી. આજે મેટલ, બેંક, ફાર્મા અને રીયલ્ટી સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 137.10(0.40 ટકા) ઘટી 34,046.94 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 34.50(0.33 ટકા) ઘટી 10,458.35 બંધ થયો હતો.ત્રીજા કવાર્ટરનો જીડીપી ગ્રોથ વધીને 7.2 ટકા જાહેર થયો હતો, જે બીજા કવાર્ટરમાં 6.5 ટકા હતો. જીડીપી વધીને આવ્યો હોવા છતાં માર્કેટમાં તેની નોંધ લેવાઈ ન હતી. તે કારણ ડિસ્કાઉન્ટ થઈ ગયું હતું. સ્ટોક માર્કેટ હજી પીએનબી મહાકૌભાંડની અસર હેઠળ છે. અમેરિકાની ફેડરલ રીઝર્વે વ્યાજ દરમાં વધારાનો સંકેત આપ્યો હતો, જે સમાચાર પાછળ ડાઉ વધુ 381 પોઈન્ટ તૂટી 25,029 બંધ રહ્યો હતો, અને નેસ્ડેક પણ 57 પોઈન્ટ ગબડી 7,273 બંધ હતો. જેની પાછળ આજે એશિયાઈ અને યુરોપના સ્ટોક માર્કેટ ગબડ્યા હતા. પરિણામે ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું. વળી કાલે શુક્રવારે ધૂળેટીની શેરબજારમાં સત્તાવાર રજા આવે છે, જેથી નવી લેવાલીનો તદન અભાવ હતો.

  • બુધવારે એફઆઈઆઈએ રુ.1750 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રુ.1596 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • ડૉલર સામે રુપિયો સવારે 2 પૈસાની નબળાઈ સાથે 65.20 ખુલ્યો હતો.
  • આજે નરમ બજારમાં માત્ર એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં લેવાલીથી મજબૂતી હતી.
  • બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ સહિતના અન્ય સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ જોવા મળી હતી.
  • રોકડાના શેરોમાં પણ વેચવાલીનો દોર હતો. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 101.32 માઈનસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 42.99 ઘટ્યો હતો.
  • ફેબ્રુઆરીમાં ટાટા મોટરનું વેચાણ 33.5 ટકા વધ્યું
  • ફેબ્રુઆરીમાં ટીવીએસ મોટરનું વેચાણ 37 ટકા વધ્યું
  • આઈડીબીઆઈ બેંકના શેરના ભાવમાં 8 ટકાનો ઉછાળો આવ્યો હતો. આઈડીબીઆઈ બેંક એચડીઆઈએલની સંપત્તિ વેચવાની જાહેરાત કરી છે.
  • પીએનબી કૌભાંડ પછી વિદશીમાં રહેલી સરકારી બેંકોની 35 શાખાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, અને ખોટમાં ચાલતી શાખાઓને બંધ કરવાનું કહેવાયું છે.
  • એસબીઆઈ અને પીએનબીએ એમસીએલઆર દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
  • એસબીઆઈએ એમસીએલઆરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે અને પીએનબીએ 0.15 ટકાનો વધારો કર્યો છે.