અમદાવાદઃ આ રેતી માફીયા સામે પોલિસ ફરિયાદ, ડ્રોન સર્વેલન્સે કર્યું કામ

અમદાવાદ– થોડાં સમય પહેલાં સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી ડ્રોન સર્વેલન્સ સીસ્ટમે રેતી ચોરી કરતાં તત્વોને ઝડપવાની દિશામાં કામ કરવાનું શરુ કરી દીધું છે. જેને આનુષંગિક કાર્યવાહીમાં ગ્યાસપુર સીમમાંથી રેતી ખનન કરતાં ભવાન રઘુભાઇ ભરવાડ સામે તંત્ર દ્વારા પોલિસ ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રતીકાત્મક ફાઇલ ચિત્ર

આ કેસમાં 2.36 હેક્ટર વિસ્તારમાંથી 6. 25 કરોડના મૂલ્યની અઢી લાખ મેટ્રિક ટન રેતીની ચોરી થઇ હોવાનું જાણવા મળે છે. આ વિસ્તારમાં ગોઠવાયેલી ડ્રોન સર્વેલન્સ સીસ્ટમ દ્વારા આ  રેતી ચોરી ઝડપાઇ હતી.

મળતી માહિતી પ્રમાણે ગ્યાસપુર પાસે સાબરમતીના પટમાં ગેરકાયદે રીતખનન થું હોવાની ફરિયાદને આધારે કલેક્ટરે કાર્યવાહી કરતાં ગેરકાયદે ખનનમાં ઉપયોગમાં લેવાયેલ હીટાચી મશીનના માલિક ભવાન રઘુભાઇ ભરવાડ સામે પોલિસ ફરિયાદ નોંધી છે.

13મી મેએ ગ્યાસપુરના સિટી સર્વે 32, 34માં રેતી ખનન અંગે કલેક્ટરની સૂચનાથી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી ત્યારે ખનન માફીયાઓ ડમ્પરો મૂકી ભાગી ગયાં હતાં. ખાણખનીજ વિભાગ અને વટવા મામલતદારે કાર્યવાહી કરીને હીટાચી મશીનના માલિકની માહિતી મેળવી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  ભવાન રઘુભાઈ ભરવાડ સામે અગાઉ પણ રેતી ચોરીનો ગુનો દાખલ થયેલો છે. કેટલાક દિવસોથી સમગ્ર વિસ્તારમાં તે માટે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું હતું.