રેસ 3: માફ કરજો, આ રિવ્યુ નહીં લખાય!

ફિલ્મઃ રેસ 3

કલાકારોઃ અનિલ કપૂર, સલમાન ખાન, બોબી દેઓલ, જેક્લીન ફર્નાન્ડિસ, ડેઝી શાહ, સાકીબ સલીમ

મિસડિરેક્શનઃ રેમો ડિ’સોઝા

અવધિઃ આશરે પોણા ત્રણ કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ

માફ કરજો, પણ ‘રેસ-3’નો રિવ્યુ પોસિબલ નથી. બન્યું એવું ‘રેસ-3’ જોવા ગયેલા અમારા રિવ્યુઅર કેતન મિસ્ત્રી ઑફિસ પરત આવ્યા પછી સાવ બાઘાચકવા જેવા થઈ ગયા છે. કંઈ બોલતા-ચાલતા નથી. ડૉક્ટરનું કહેવું છે કે એમ્નેસિયા જેવું લાગે છે. એમ્નેસિયા એટલે સ્મૃતિ જતી રહે તે.

જો કે મોઢા પર પાણી છાટ્યું ને ડૉક્ટરે ટ્રીટમેન્ટ આપી તે પછી એ આટલું બોલી શક્યાઃ

“ઝીરો એન્ટરટેન્મેન્ટ (અમુક સીન કારણવગર કોમિક થઈ ગયા છે)વાળી, પ્રેક્ષકનાં ધૈર્ય-બુદ્ધિની કસોટી કરતી, સેન્સલેસ ‘રેસ-3’ એ  ભાઈની એટલે કે સલમાન ખાનની અત્યાર સુધીની સૌથી ખરાબ, ડિઝાસ્ટર ઈદ-ગિફ્ટ છે. ઝાઝા રસોઈયા રસોઈ બગાડે એ કહેવત પણ ફિલ્મ જોતાં યાદ આવી. આશરે અઢી-પોણાત્રણ કલાક સુધી પરદા પર ચાલેલું થ્રી-ડી ટૉર્ચર જેમતેમ સહન કર્યું, પણ ક્લાઈમેક્સમાં ભાઈએ એટલે કે સલમાન ખાને જે ધમકી ઉચ્ચારી એનાથી બેભાનાવસ્થામાં સરી પડ્યો.

“ધમકી એ કે ‘રેસ 3’ની સિક્વલ પણ આવશે. બસ, ફિલ્મનાં કર્કશ સોંગ્સ (ફિલ્મમાં દસ ગીતકાર ને આઠ સંગીતકાર ને છે છતાં એક પણ ગીતમાં દમ નથી)માંનું એક ‘અલ્લાહ દુહાઈ હૈ ફિર જાન પે બન આઈ હૈ અબ તો તબાહી હૈ’ બબડતો હું થિયેટરમાં બેભાન થઈ ગયો. એ પછી શું બન્યું એ યાદ નથી. કોઈ ભલા માણસે ટિંગાટોળી કરી મને ઑટોરિક્ષામાં ફંગોળ્યો ને હું જેમતેમ ઑફિસ સુધી પહોંચ્યો.”

(જુઓ ‘રેસ 3’નું ટ્રેલર)

httpss://youtu.be/5b-0ncFOVo4