કોંગ્રેસના પગથિયે પગ મુકી હાર્દિકનો રાજકારણમાં પ્રવેશ

અમદાવાદ- લોકસભા-2019ની ચૂંટણી એકદમ મહત્વ પૂર્ણ છે. ગુજરાતમાં તોડજોડની રાજનીતીની શરુઆત મોટાપાયે શરુ થઇ ગઇ છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બે મોટાપક્ષ ભાજપ-કોંગ્રેસની જોરદાર ટક્કર જોવા મળી. પરંતુ ત્યારબાદ કોંગ્રેસ પક્ષમાંથી ચાલુ ધારાસભ્ય તેમજ ભૂતપૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓએ ભાજપમાં  પક્ષ જોડાવા લાગ્યા છે. જેમાંના કુંવરજી બાવળીયા અને જવાહર ચાવડાને તો પ્રધાન પદ પણ અપાઇ ગયું.

કારણ, હવેની ચૂંટણીમાં સક્ષમ કાર્યકર્તાની સાથે જ્ઞાતિ આધારિત રાજકારણના સમીકરણો વધી ગયા છે. જે હાર્દિક અને એના સાથીદારો પોતાના પાટિદાર સમાજ ને અનામત અપાવવા મજબુતી થી મેદાને ઉતર્યા હતા એમાના ઘણા બધા લોકો ભાજપ-કોગ્રેસ અને અન્ય પક્ષમાં જોડાઇ ગયા. 2019ની લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા જ રાહુલ ગાંધીની હાજરીમાં જનસંકલ્પ સભામાં હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ પહેર્યો. હાર્દિકના કહેવા મુજબ વિશાળ અને સૌથી જૂના ગાંધી, સરદાર, નહેરુની વિચારધારા સાથેના  પક્ષમાં એ જોડાયો છે.

રાજકારણ દ્વારા એ પોતાના અને અન્ય સમાજની સેવા કરવા પ્રયત્ન કરશે.ભારતના સૌથી જૂના અને આઝાદી બાદ વધારે  વર્ષો સુધી સત્તામાં રહેલા કોંગ્રેસ પક્ષની અમદાવાદની કચેરી (જીપીસીસી) ખાતે આજે હાર્દિક પટેલ પહોંચ્યો હતો. પક્ષનો ખેસ પહેરી પહેલી વાર કોંગ્રેસ ઓફિસે પહોંચેલા હાર્દિક પટેલે સભ્ય તરીકેનું ફોર્મ પણ ભર્યું.

સમાજ માટે અનામત આંદોલન થી અનેક વિવાદાસ્પદ પડાવ બાદની હવે હાર્દિક પટેલની રાજકારણની સફર શરુ થઇ ગઇ…
અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ