ગુજરાત પોલિસ બની ‘પોકેટ કોપ’, ટેક્નોસેવી કર્મીઓ ઝડપથી ઉકેલશે ગુના

ગાંધીનગર- આજના જમાનામાં ટેકનોલોજીમાં પોલિસ કરતાં ગુનાખોરો બે કદમ આગળ હોવાનું સતત સાંભળતા આવ્યાં છીએ ત્યારે આ છવિમાં બદલાવ આવે તેવું ચિત્ર સર્જાઇ ગયું છે. ગુજરાત પોલિસ ટેકનોસેવી બની ગઇ છે, જેમાં પોકેટ કોપ પ્રોજેક્ટ મહત્ત્વની ભૂમિકા ભજવશે.સીએમ રુપાણીએ પોકેટ કોપનું લોન્ચિંગ કરતાં જણાવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ પોલીસ દળમાં થવાથી ગુનેગારોની હિંમત તૂટશે અને ગુનો આચરતાં કાંપશે. ગુજરાત દેશમાં શાંત-સલામત સુરક્ષિત રાજ્ય તરીકે શિરમોર છે તે વધુ ઉન્નત બનશે.

પોકેટ કોપ પ્રોજેકટ અંતર્ગત રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, તપાસ અધિકારી, પી.સી.આર.વેન અને પાસપોર્ટ વેરીફીકેશન કામગીરી સંભાળતા પોલીસ કર્મીઓને ૪૯૦૦ સ્માર્ટ મોબાઇલ ફોન ડેટા કનેકટીવીટી સાથે અપાશે. આ સ્માર્ટ ફોનમાં ૬૮ લાખથી વધુ ગુન્હાહિત રેકર્ડ ધરાવતી વ્યકિતઓ-ગુનેગારોની માહિતી સહિતનો ડેટા બેઇઝ આંગળીના ટેરવે ઉપલબ્ધ થઇ જશે. પોકેટ કોપ વ્‍યવસ્‍થાથી નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન જેવી સેવાઓ ઝડપથી મળશે.

ગુજરાત પોલીસમાં આ વર્ષે ૫,૫૦૦ નવી નિમણૂકો કરાશે. નવી નિમણૂકમાં ધ્યાન રાખવામાં આવ્યું છે કે કર્મીઓ સારો અભ્‍યાસ અને સારી કૂનેહ ધરાવે, ટેકનોસેવી હોય. પોકેટ કોપનો સફળ પ્રયોગ સૌપ્રથમ ગાંધીનગરમાં કરવામાં આવ્‍યો હતો. જેમાં ૨૧૦૦ નાગરિકોના પાસપોર્ટનું સફળ વેરિફિકેશન ઘેરબેઠાં કરવામાં આવ્‍યું છે.

પોકેટ કોપ શું છે?

પાસપોર્ટ વેરીફીકેશન-Passport Verification

આ એપ્લિકેશનની મદદથી પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટની કામગીરી કરતા કર્મચારી અરજદારના ઘરે જઇને આ મોબાઇલ એપ્લીકેશન દ્વારા પોલીસ વેરીફિકેશનની કામગીરી કરવામાં આવશે. જેથી પોલીસ વેરીફિકેશનની કામગીરી ઝડપી બનશે અને પાસપોર્ટ વેરીફીકેશન માટે નાગરિકોને પોલીસ સ્ટેશને આવવાની જરૂર રહેશે નહીં. આમ પાસપોર્ટ વેરીફીકેશનની અરજીઓનો નિકાલ હજુ પણ ઓછા સમયગાળામાં થઈ શકશે.

 ગુનેગાર શોધ –Accused search

અત્યાર સુધી ક્ષેત્રીય કામગીરી કરતા પોલીસ દળને શંકાસ્પદ/ગુનેગાર વ્યક્તિ પકડાય તો તે ખરેખર ગુનેગાર છે કે કેમ તેની ઈગુજકોપના ડેટાના આધારે ચકાસણી માટે પોલીસ સ્ટેશન લઈ જવો પડતો હતો તેને બદલે હવે સ્માર્ટ ફોનમાં રહેલ એપ્લીકેશનનો ઉપયોગ કરી ઈગુજકોપની મદદથી  ગુનેગારોની તમામ માહિતી પોલીસના આંગળીના ટેરવે પ્રાપ્ત થશે. આથી જે-તે સ્થળ પર જ વિગત મેળવીને ખાતરી કરી શકાશે કે  શંકાસ્પદ વ્યક્તિ ગુનેગાર છે કે કેમ? અને ગુનેગાર છે તો કેટલા ગુનાઓમાં સંડોવણી છે અથવા નાસતો ફરતો છે કે કેમ?  આ એપ્લીકેશનથી ગુજરાત પોલીસની કામગીરીમાં અભુતપુર્વ ચોક્કસાઈ, ઝડપ અને અસરકારતા આવશે.   

ખોવાયેલ વ્યક્તિની શોધ-Missing Person search

પોલીસને જ્યારે પણ કોઈ ડેડ બોડી કે કોઈ ખોવાયેલુ બાળક/વ્યક્તિ મળે છે અથવા તે ખોવાયેલ વ્યક્તિ અંગે ફરીયાદ મળે છે ત્યારે સ્થળ ઉપર કોઈ ચકાસણી કરી શકાતી નથી અને પોલીસ સ્ટેશન જઈને ઈગુજકોપ ડેટામાં ચકાસણી કરવી પડે છે. જેમાં વિલંબ થતો હતો, પરંતુ હવે સ્માર્ટ હેન્ડ-હેલ્ડ ડિવાઇસમાં આ એપ્લીકેશન ઉપલબ્ધ થતા જે-તે સ્થળ પરથી જ ઈગુજ્કોપ ડેટાના આધારે ખોવાયેલ વ્યક્તિની/મળી આવેલ ડેડ બોડીની ઓળખ કરી શકાશે, અથવા એક પોલીસ સ્ટેશનમાં ખોવાયેલ વ્યક્તિ રાજયના અન્ય પોલીસ સ્ટેશનમાં મળી આવેલ હોય તો તેની પણ શોધ કરી આવી વ્યક્તિને તેના સગા સંબંધી સાથે તાત્કાલિક સંપર્ક કરાવી શકાશે.

વાહન શોધ-Vehicle search

પોલીસને જ્યારે પણ કોઈ વાહન ખોવાયેલુ છે તેની જાણ થાય છે અથવા રસ્તા પરથી કોઈ બિનવારસી વાહન મળી આવે છે અથવા વાહન ચેકીંગમાં શંકાસ્પદ વાહન મળી આવે છે અથવા વાહન ચોરી કરનાર ગેંગ પાસેથી વાહન મળી આવે છે અથવા હાલમાં ગુનાઓમાં વાહનોનો મહત્તમ ઉપયોગ થાય છે, ત્યારે આ સંજોગોમાં બનાવના નજરે જોનાર સાક્ષીઓ પાસેથી મળેલ વાહનના નંબરની પુર્ણ અથવા અધકચરી માહિતીને આધારે વાહનના માલિક સુધી પહોંચી ગુનેગારોને પકડવા વગેરે કિસ્સાઓમાં ઈગુજકોપની મદદથી પોલીસ સ્ટેશન ખાતે જઈને ચકાસણી કરવામાં ઘણો સમય વ્યતીત થાય છે આનો લાભ ગુનેગારોને મળતો હતો અને તેઓને ભાગી છુટવા માટે સરળતા રહેતી હતી. પરંતુ હવે સ્માર્ટ મોબાઈલમાં આ એપ્લીકેશન ઉપલબ્ધ થતાં જે-તે સ્થળ પર જ ઈગુજ્કોપના આધારે ડેટા મેળવીને વાહનની ઓળખ કરી શકાશે.