શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કર એવોર્ડ જીતનાર રેમી મલિક બનશે જેમ્સ બોન્ડ ફિલ્મના નવા વિલન

લોસ એન્જલીસ – હોલીવૂડની જેમ્સ બોન્ડ સીરિઝની જે નવી ફિલ્મ આવી રહી છે એ 25મી આવૃત્તિ હશે. એમાં મુખ્ય ખલનાયકની ભૂમિકા માટે ઓસ્કર એવોર્ડવિજેતા અભિનેતા રેમી મલિક સાથે વાટાઘાટ ચાલી રહી છે અને તે અંતિમ તબક્કામાં પહોંચી છે.

અહેવાલ અનુસાર, બોહેમિયન રેપ્સોડી ફિલ્મના અભિનેતા મલિકને જેમ્સ બોન્ડ ફિલ્મના વિલન તરીકે ડાયરેક્ટર કેરી જોજી ફુકુનાગાએ પસંદ કર્યા છે.

નવી બોન્ડ ફિલ્મનું ટાઈટલ રાખવામાં આવ્યું છે ‘બોન્ડ 25’. અગાઉ આ ફિલ્મનું ટાઈટલ ‘શેટરહેન્ડ’ પસંદ કરવામાં આવ્યું હતું. નવી ફિલ્મનું શૂટિંગ આવતી 6 એપ્રિલે બ્રિટનના પાઈનવૂડ સ્ટુડિયોમાં શરૂ થશે. ત્યારબાદ ઈટાલીમાં પણ એનું શૂટિંગ કરાશે. ફિલ્મ 2020ની 8 એપ્રિલે રિલીઝ કરાય એવી ધારણા છે.

‘બોન્ડ 25’ના હિરો છે ડેનિયલ ક્રેગ. ક્રેગ આ પાંચમી અને આખરી વાર બોન્ડનું પાત્ર ભજવશે.

ઓસ્કર એવોર્ડ વિજેતા અભિનેત્રી લુપિતા એનયોન્ગોને ‘બોન્ડ 25’ની મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી છે. લુપિતાએ ’12 યર્સ અ સ્લાવ’ ફિલ્મની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કર એવોર્ડ જીત્યો હતો.

વિલન તરીકે રેમી મલિકની પસંદગી કરી લેવાઈ હોવા વિશે હજી સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી.

મલિક હાલ ટીવી શો મિસ્ટર રોબોટના શૂટિંગમાં વ્યસ્ત છે.

મલિકના પ્રતિનિધિઓએ જેમ્સ બોન્ડ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક સાથે વાટાઘાટ કરી છે અને એ ફળદાયી રહી હોવાના અહેવાલો છે.

રેમી મલિક મૂળ ઈજિપ્તના છે.

ક્રેગ અત્યાર સુધીમાં જે ચાર ફિલ્મમાં જેમ્સ બોન્ડનું પાત્ર ભજવ્યું છે એના નામ છેઃ કસિનો રોયાલ, ક્વાન્ટમ ઓફ સોલાસ, સ્કાયફોલ અને સ્પેક્ટર.