નિર્માતા રાજકુમાર બડજાત્યાનું નિધન; બોલીવૂડમાં શોક

0
1328

મુંબઈ – હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા રાજકુમાર બડજાત્યાનાં આજે સવારે અહીં દક્ષિણ મુંબઈસ્થિત સર હરકિસનદાસ હોસ્પિટલમાં નિધન થયાનાં સમાચાર સોશિયલ મિડિયા પર જાહેર થયા બાદ માધુરી દીક્ષિત-નેને અને સોનમ કપૂર-આહુજા સહિત અનેક કલાકારોએ ટ્વીટ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું છે કે બડજાત્યા માયાળુ અને ઉદાર દિલના વ્યક્તિ હતા.

રાજકુમાર બડજાત્યાએ ‘હમ આપ કે હૈં કૌન’ (1994) અને ‘હમ સાથ સાથ હૈં’ (1999) જેવી લોકપ્રિય ફિલ્મો બનાવી હતી.

સ્વ. તારાચંદ બડજાત્યાએ 1947માં ‘રાજશ્રી પ્રોડક્શન્સ કંપની’ની સ્થાપના કરી હતી. આ ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીએ ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’, ‘વિવાહ’, ‘પ્રેમ રતન ધન પાયો’ (2015) જેવી ફિલ્મોનું પણ નિર્માણ કર્યું હતું.

રાજકુમારના પુત્ર સૂરજ બડજાત્યાએ જ્યારે કંપનીનો કારભાર સંભાળ્યો હતો ત્યારે કંપની બંધ થવાને આરે આવી ગઈ હતી, પણ ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મની સફળતાએ કંપનીને ઉગારી લીધી હતી.

રાજકુમાર બડજાત્યાનું મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. બાદમાં વરલી વિસ્તારસ્થિત સ્મશાનભૂમિ ખાતે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.