શેરબજારમાં બે તરફી કામકાજે સેન્સેક્સ 61 પોઈન્ટ માઈનસ, નિફટી 5 પ્લસ

અમદાવાદ- શેરબજારમાં આજે બે તરફી વધઘટ વચ્ચે મિશ્ર ટોન રહ્યો હતો. નીચા મથાળે નવી લેવાલી તો ઊંચા મથાળે વેચવાલી પણ આવી હતી. ગ્લોબલ માર્કેટના અહેવાલો પોઝિટિવ હતા. રીટેઈલ મોંઘવારીનો દર ઘટીને આવ્યો છે, અને ઔદ્યોગિક ઉત્પાદન પણ વઘીને આવ્યું છે, જે પોઝિટિવ સમાચાર પાછળ બ્લુચિપ શેરોમાં નવી લેવાલીનો ટેકો હતો. પણ સામે કેટલાક તેજીવાળા ખેલાડીઓએ ઉપરમાં નફારુપી વેચવાલી કાઢી હતી, પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 61.16(0.18 ટકા) ઘટી 33,856.78 બંધ રહ્યો હતો, જ્યારે નિફટી ઈન્ડેક્સ 5.45(0.05 ટકા) વધી 10,426.85 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટ મજબૂત હોવા છતાં સવારે ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ માઈનસમાં ખુલ્યા હતા. જો કે ગઈકાલે સેન્સેક્સ 610 પોઈન્ટ ઉછળ્યો હતો, તેમ છતાં આજે કેટલાક તેજીવાળા ઓપરેટરોએ બ્લુચિપ શેરોમાં નવી લેવાલી કાઢી હતી. સંસ્થાની પણ લેવાલી હતી. જેથી માર્કેટ ઘટ્યા મથાળેથી ઊંચકાયું હતું. સરકારી-પીએસયુ બેંકના શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનું આકર્ષણ જોવાયું હતું. પણ એફઆઈઆઈની વેચવાલીના ઓર્ડર નીકળ્યા હોવાના સમાચાર આવ્યા હતા, જેથી તેજીવાળાઓએ નફો બુક કરવા વેચવાલી કાઢી હતી, જેથી મજબૂતી ઝાઝી ટકી ન હતી.

  • ટીસીએસમાં સ્ટેક વેચવાના સમાચાર હતા, જેથી ટીસીએસમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી, શેરનો ભાવ 5.42 ટકા તૂટ્યો હતો.
  • ટાટા સન્સ ટીસીએસમાં અંદાજે 1.50 ટકા હિસ્સો વેચ્યો છે. ટાટા સન્સે બ્લોકડીલ દ્વારા 10 હજાર કરોડથી વધુ હિસ્સો વેચ્યો છે. ટાટા સન્સ આ રકમનો ઉપયોગ દેવું ચુકવવા અને ભુષણ સ્ટીલને ખરીદવા માટે કરશે.
  • પીએનબી કૌભાંડ બહાર આવ્યું પછી બેંક શેરોમાં ભારે વેચવાલીથી શેરોના ભાવમાં સતત ગાબડા પડ્યા હતા, જેથી આજે આ બેંક શેરોમાં નીચા મથાળે નવી લેવાલીથી મજબૂતી જોવાઈ હતી.
  • આજે આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં નફારુપી વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરુપી લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 160.98 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 199.07 ઉછળ્યો હતો.