સ્ટેટ બેંકે કર્મચારીઓ પાસેથી ઓવર ટાઈમ પે પાછુ માંગ્યું

0
680

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ પોતાના 70 હજાર કર્મચારીઓને એ રકમ પાછી આપવા જણાવ્યું છે કે જે નોટબંધી વખતે ઓવરટાઈમ સર્વિસ આપવા માટે આપવામાં આવી હતી. આ 70 હજાર કર્મચારીઓ એ પાંચ સહાયક બેંકોના છે જેમનું જોડાણ હવે એસબીઆઈમાં થઈ ગયું છે. જો કે એસબીઆઈનું કહેવું છે કે જ્યારે અમે ઓવરટાઈમ પેમેન્ટનો નિર્ણય લીધો ત્યારે આ બેંકોનું અમારી સાથે જોડાણ નહોતું થયું.

પ્રાપ્ત માહિતી અનુસાર એસબીઆઈએ પોતાના આંતરિક સર્ક્યુલરમાં કહ્યું છે કે એ કર્મચારિઓને ઓવરટાઈમ નક્કી થયું હતું કે જેઓ નોટબંધી સમયે એસબીઆઈની શાખાઓમાં કાર્યરત હતા. ઉલ્લેખનીય છે કે સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુરનું એસબીઆઈ સાથે જોડાણ 1 એપ્રિલ 2017ના રોજ થયું હતું જ્યારે નોટબંધીની જાહેરાત 8 નવેમ્બર 2016ના રોજ થઈ હતી.

એસબીઆઈએ 14 નવેમ્બર થી 30 ડિસેમ્બર 2016ના સમયગાળામાં સાંજે સાત વાગ્યા બાદ પણ કામ કરનારા બેંક કર્મચારીઓને તેમના પદ અનુસાર માર્ચથી મે 2017 વચ્ચે ઓવરટાઈમ કોમ્પનસેશન જાહેર કર્યું હતું. અત્યારે જ્યારે પૂર્વ એસોસિએટ બેંકોના કર્મચારીઓ પાસેથી પૈસા પાછા લેવાનું કહેવામાં આવ્યું છે ત્યારે તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.