અનિલ અંબાણીની કંપની રીલાયન્સ કમ્યુનિકેશન્સને મોટો ફટકો

નવી દિલ્હીઃ દેવામાં ફસાયેલી અનિલ અંબાણીના નેતૃત્વ વાળી કંપની રીલાયન્સ કમ્યૂનિકેશન્સને એક મોટો ઝાટકો લાગ્યો છે. હકીકતમાં ભારત સરકારના ટેલીકોમ ડિપાર્ટમેન્ટે રીલાયન્સ કમ્યૂનિકેશન્સ અને રીલાયન્સ જિઓ ઈન્ફોકોમ વચ્ચે થનારી સ્પેક્ટ્રમ ડીલને મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે. આપને જણાવી દઈએ કે આ સ્પેક્ટ્રમ ડીલથી રીલાયન્સ કમ્યૂનિકેશન્સને 18000 કરોડ રુપિયા મળવાના હતા. 46000 કરોડ રુપિયાના દેવા તળે દબાયેલી રીલાયન્સ કમ્યૂનિકેશન્સને રીલાયન્સ જિઓ ઈન્ફોકોમ સાથે થનારી આ ડીલથી મોટી આશાઓ હતી. પરંતુ હવે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમે આ સોદાને નિયમો મુજબનો ન હોવાથી મંજૂરી આપવાથી ઈનકાર કર્યો છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા સ્પેક્ટ્રમ ડીલને મંજૂરી ન આપવા પાછળ મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ જિયો દ્વારા વિભાગને લખવામાં આવેલા એક પત્રની ભૂમિકા મહત્વપૂર્ણ મનાઈ રહી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ પત્રમાં રિલાયન્સ જિયોએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે તે રિલાયન્સ કમ્યૂનિકેશન્સની સ્પેક્ટ્રમ સંબંધિત પાછળની કોઈપણ બાકી રકમ આપવા માટે જવાબદાર નહી હોય. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમના અધિકારીઓ અનુસાર શરત સરકારના સ્પેક્ટ્રમ સંબંધી નિયમોને અનુરુપ નથી.

સ્પેક્ટ્રમ ડીલના સરકારી નિયમો અનુસાર સ્પેક્ટ્રમનો ખરીદદાર જ વિક્રેતાના દેવા માટે જવાબદાર હોય છે. રિલાયન્સ જિયોએ રિલાયન્સ કમ્યૂનિકેશન્સના જૂના બાકી પૈસા આપવાનો ઈનકાર કરી દીધો છે અને આ જ કારણ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે આ સોદાને મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ અધિકારીઓનું કહેવું છે કે હવે બંન્ને કંપનીઓ આ મામલે વિચાર કરીને અમારી પાસે આવે અને ત્યારબાદ જ આ ડીલ થઈ શકશે.

આપને જણાવી દઈએ કે બંન્ને કંપનીઓ વચ્ચે થનારી ડીલ અંતર્ગત રિલાયન્સ કમ્યૂનિકેશન્સ 18000 કરોડ રુપિયામાં પોતાનું વાયરલેસ સ્પેક્ટ્રમ, ટાવર, ફાઈબર અને એમસીએનને રિલાયન્સ જિયો ઈન્ફોકોમને વેચવાની છે. આ ડિલમાં રિલાયન્સ જિયોને 122.4 MHZ ના 4જી સ્પેક્ટ્રમ, 43000 ટેલીકોમ ટાવર, 178000 કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું ફાઈબર નેટવર્ક અને 248 મીડિયા કન્વર્જેંસ નોડ્સ મળવાના છે. પરંતુ અત્યારે આ ડીલ વચ્ચે લટકી ગઈ છે. જેને લઈને રિલાયન્સ કમ્યૂનિકેશન્સ દ્વારા એરિક્સન કંપનીના બાકી રહેતા 550 કરોડ રુપિયા ચૂકવવાનો વાયદો પણ બાકી રહી શકે છે.

બાકી રકમ પાછી આપવા પર રિલાયન્સ કમ્યૂનિકેશન્સ વિરુદ્ધ દેવાળીયા જાહેર કરવાની પ્રક્રિયા પણ શરુ થઈ શકે છે. તો આ સાથે જ નક્કી સમય મર્યાદામાં પૈસા પાછા ન આપવાને લઈને અનિલ અંબાણી વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો મામલો પણ ચલાવાઈ શકે છે. રિલાયન્સ ઈન્ફ્રાટેલ પર પણ પોતાના શેરહોલ્ડર્સને 232 કરોડ રુપિયા પાછા આપવાનું દબાણ છે.