ભારતીય અર્થવ્યવસ્થા એક હાથી છે, જે હવે દોડી રહ્યો છેઃIMF

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ IMFએ જણાવ્યું છે કે ભારત દુનિયામાં સૌથી તેજ ગતિથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા સ્વરૂપે સાબિત થવાની રાહ પર છે કારણ કે દેશમાં આવેલા સુધારાઓનો ફાયદો દેખાવા લાગ્યો છે. IMFએ જણાવ્યું કે ભારતીય મિશન ચીફ રાનિલ સાલગાદોએ 2.6 ટ્રિલીયન ડોલરની ભારતીય અર્થવ્યવસ્થાને એવો હાથી ગણાવ્યો કે જેણે દોડવાનું શરુ કરી દીધું છે. IMF દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ભારત માર્ચ 2019 સુધીમાં 7.3 ટકા અને ત્યારબાદ 7.5 ટકા જેટલો વિકાસ કરશે. ગ્લોબલ ગ્રોથમાં ભારતની ભાગીદારી 15 ટકા હશે.

એક વાર્ષિક રિપોર્ટ રજૂ કરતા સાલગાદોએ જણાવ્યું કે પીપીપીના મામલે કુલ વૈશ્વિક ગ્રોથનો 15 ટકા જેટલો ભાગ ભારતનો હશે. જો કે સાથે જ એ પણ સ્પષ્ટતા કરી કે તે ચીનના ટ્રેડિંગ સ્તરનું નહી હોય. તેમણે જણાવ્યું કે IMF ભારતને લાંબા સમય સુધી ગ્લોબલ ગ્રોથના સોર્સ રૂપે જોવે છે.

સાલગાદોએ જણાવ્યું કે ભારતીય કાર્યબળ જનસંખ્યામાં ઘટાડો આવવામાં હજી ત્રણ દશક જેટલો સમય છે. અને આ સમયગાળો એક લાંબો સમયગાળો છે. આ એશિયામાં ભારત માટે એક શ્રેષ્ઠ તક છે. થોડાક જ એશિયાઈ દેશો પાસે આ પ્રકારની તક રહેલી છે. આવનારા ત્રણ દશક અથવા તેનાથી પણ લાંબા સમય માટે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાના ગ્રોથનો સોર્સ રહેશે. ત્રણ દશકમાં ભારત એ જગ્યા પર હશે જ્યાં થોડા સમય પહેલા ચીન હતું.