શું વોટ્સએપ હવે કમાણી કરશે?

નવી દિલ્હી – ખર્ચાળ એસએમએસની સામે 2009માં વોટ્સએપ એક એવી મેસેજિંગ સર્વિસ લઈ આવ્યું. જેમાં યુઝર પોતાના કોન્ટેક્ટ્સ અપલોડ કરીને સામેવાળી વ્યક્તિ કે જે પોતે પણ પોતાના ફોનમાં વોટ્સએપ ધરાવતી હોય એને મેસેજ ફ્રીમાં પહોંચાડી શકે. આ સર્વિસ આઈફોન, એન્ડ્રોઈડ, બ્લેકબેરીસ્, વિન્ડોઝ, નોકીયા આદિ દરેક મોબાઈલમાં એપ્લિકેબલ છે. જે હાલમાં ડેસ્કટોપ ઉપર પણ ઉપલબ્ધ થઈ છે. વોટ્સએપ એપ્લિકેશનના સ્થાપક હતા બ્રાયન એક્ટન અને જોન કૌમ.

ફેસબુકે 2014માં 19 અબજ ડોલરમાં વોટ્સએપ ખરીદી લીધું. ફેસબુકને વોટ્સએપ થકી કોઈ ખાસ આવક નહોતી મળતી. પરંતુ ફેસબુક યુઝરના ડેટા લીક થવાનો મામલો સામે આવવાને લીધે ફેસબુકે તેના નફા તેમજ શેરોમાં મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. અને આ નુકસાન ભરપાઈ કરી લેવા અત્યાર સુધી ફ્રીમાં સેવા આપતાં વોટ્સએપ થકી જ કમાણી કરવાનો ફેસબુકે નિર્ધાર કરી લીધો છે.

ફેસબુકનો કમાણી માટેનો કીમિયો એ છે કે યુઝર્સના સ્ટેટસ અપડેટ્સમાં એડ બતાવવી. કંપનીઓ તેમના કસ્ટમર્સને મેસેજ મોકલે તે ચાર્જ કંપનીઓ પાસેથી ફેસબુક વસૂલી લેશે. આ ચાર્જ ભલે એ નજીવો રાખે. પણ દુનિયામાં વોટ્સએપના યુઝર્સની સંખ્યા જોતાં તો કમાણી અધધધ્ મળી રહેવાની! છોગામાં દરેક દેશ પ્રમાણે એડનો ચાર્જ પણ તો અલગ હોવાનો!

આ ફીચરની ટ્રાયલની શરૂઆત ઘણી ખરી કંપનીઓના એકાઉન્ટ્સમાં કરી દેવાઈ છે. જેમાં સિંગાપોર એરલાઈન્સ અને ઉબરનો સમાવેશ થાય છે. વોટ્સએપે વોલ સ્ટ્રીટ જર્નલને આ માહિતી આપતાં જણાવ્યું છે. આની ટ્રાયલ મેક્સિકો, બ્રાઝિલ તેમજ ભારતમાં ચાલી રહી છે.