ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવી શક્યતા

0
804

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવો સતત વધી રહ્યા હોવાથી ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ધરખમ વધારો થતો રહ્યો છે ત્યારે અત્યારના સમયમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડો નોંધાયો છે ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

આ વર્ષે આશરે 20 ટકા મોંઘુ થયા બાદ આજે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓપેક દેશો બાદ રશીયા દ્વારા પ્રોડક્શન વધારવાના સંકેતો બાદ કાચા તેલના ભાવો 2.36 ટકા ટૂટીને 77 ડોલર પ્રતિ બેરલ સુધી નીચા આવી ગયા છે. કાચા તેલના ભાવોમાં ઘટાડો થવાની સાથે જ રૂપીયામાં પણ 61 પૈસા જેટલી મજબૂતી આવી છે અને રૂપીયો 67.74 ડોલરના ભાવ પર મજબૂત બનીને વ્યાપાર કરી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે ગત એક વર્ષથી કાચા તેલના ભાવોમાં સતત તેજી જોવા મળી હતી. ગત એક વર્ષમાં કાચુ તેલ આશરે 45 ટકા જેટલુ મોંઘુ થયું હતું આ વર્ષે પણ 20 ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો હતો. જૂન 2017 બાદથી વાત કરવામાં આવે તો ક્રૂડ ઓઈલ અત્યાર સુધી 78 ટકા જેટલુ મોંઘુ થઈ ચૂક્યું છે. કાચા તેલની વધી રહેલી કિંમતો વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો પણ આસમાન પર પહોંચી ગઈ છે અને દિલ્હીમાં પેટ્રોલ 77.83 રૂપીયા પ્રતિ લીટર અને ડીઝલ 68.75 રૂપીયા પ્રતિ લીટરના ભાવ પર પહોંચી ગયું છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ઈન્ટરનેશનલ લેવલ પર કાચા તેલના ભાવોમાં સતત વધારો થતો હોવાના કારણે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચી રહ્યા હતા. પરંતુ હવે જ્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચુ તેલ સસ્તુ થયું છે ત્યારે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.