લખનઉ: સીએમ યોગી પાસે પહોંચ્યા ‘માયા’ના દૂત…

લખનઉ- પૂર્વ મુખ્યપ્રધાનો માટે સરકારી આવાસ ખાલી કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ લખનઉમાં પોતાનો સરકારી બંગલો બચાવવા દરેક પ્રકારની કવાયત શરુ કરી દીધી છે. પહેલાx તો માયાવતીએ તેના 13-એ, મોલ એવન્યૂ સરકારી આવાસ બહાર કાંશીરામ મેમોરિયલ વિશ્રામ સ્થળનું બોર્ડ લગાવ્યું હતું. હવે તેના વિશ્વાસુ સતીશચંદ્ર મિશ્રાએ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે.BSPના મહાસચિવ સતીશચંદ્ર મિશ્રએ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ પરત ફરેલા સતીશચંદ્ર મિશ્રએ જણાવ્યું કે, સીએમ યોગી આદિત્યનાથ સાથેની તેમની બેઠક સકારાત્મક રહી. સતીશચંદ્રએ તેમને 13-એ, મોલ એવન્યુ કાંશીરામ મેમોરિયલ સાઈટ અંગે પણ વાત કરી હતી. આ બેઠક દરમિયાન સતીશચંદ્રની સાથે BSP ધારાસભ્ય લાલજી વર્મા પણ હાજર રહ્યા હતાં.

આપને જણાવી દઈએ કે, જ્યારે માયાવતી ઉત્તરપ્રદેશના સીએમ હતા ત્યારે તેના બંગલાની પાસે જ કાંશીરામ વિશ્રામ સ્થળ આવેલું હતું. બાદમાં માયાવતીએ આ જગ્યાનો સમાવેશ પોતાના બંગલામાં કરી લીધો હતો. આમ કરવા પાછળનું કારણ એ હતું કે, તે સમયે કાંશીરામ વિશ્રામ સ્થળનું માસિક ભાડું આશરે 72 હજાર રુપિયા હતું. જ્યારે માયાવતીના બંગલાનું માસિક ભાડું 4212 રુપિયા હતું.

કથિત રુપે ભાડું બચાવવા માટે માયાવતીએ બન્ને સ્થળને (બંગલો અને કાંશીરામ વિશ્રામ સ્થળ) એક કર્યા હતા. હવે જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બંગલો ખાલી કરવા માટે કવાયત ચાલી રહી છે તો માયાવતીએ 13-એ, મોલ એવન્યુની બહાર કાંશીરામ વિશ્રામ સ્થળનું બોર્ડ લગાવી દીધું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે, જો આ બંગલાને કાંશીરામ વિશ્રામ સ્થળ નામ આપવામાં આવશે તો માયાવતીને તે ખાલી કરવાની જરુર નહીં પડે. જોકે, આ સ્થિતિમાં માયાવતીએ કાંશીરામ વિશ્રામ સ્થળનું સંપૂર્ણ ભાડું ચૂકવવું પડશે.