શેરબજાર નિરાશઃ સેન્સેક્સ ઊંચા મથાળેથી 756 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ– નાણાંપ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલ બજેટથી પ્રાથમિક દ્રષ્ટfએ નિરાશા સાંપડી છે, શેરબજાર નારાજ થયું છે, લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ પર 10 ટકા ટેક્સ, મ્યુચ્યુઅલ ફંડસ પર 10 ટકા ટેક્સ લાદ્યો છે, તેમ જ કોર્પોરેટ ટેક્સમાં કોઈ ઘટાડો કરાયો નથી. જેથી શેરબજારમાં ઊંંચા મથાળે ભારે વેચવાલી ફરી વળી હતી. અને શેરબજાર ગબડ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 58.36(0.16 ટકા) ઘટી 35,906.66 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 10.80 ઘટી 11,016.90 બંધ થયો હતો.

બજેટ મૂડીબજારલક્ષી અને કોર્પોરેટલક્ષી આવવાના આશાવાદ પાછળ શેરબજારમાં શરૂમાં નવી લેવાલી આવી હતી. અને એક તબક્કે સેન્સેક્સ ઉછળીને 36,256.83 થયો હતો. તેમજ નિફટી વધીને 11,117.35 થયો હતો. પણ બજેટમાં શેરબજાર અને કોર્પોરેટ સેકટરના નિરાશા જ સાંપડી છે, લોંર્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકા આવતાં શેરોની જાતે-જાતમાં ભારે વેચવાલી ફરી વળી હતી, અને સેન્સેક્સ ઈન્ટ્રા-ડેમાં તૂટીને 35,501.74 થયો હતો, આમ ઊંચા મથાળેથી સેન્સેક્સમાં 756 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. તેવી જ રીતે નિફટી ઈન્ટ્રા-ડેમાં 10,878.80 થયો હતો.