અંબાજીમાં પ્લાસ્ટિક પ્રતિબંધ સામે વેપારીઓનો વિરોધ

અંબાજી– આ વર્ષે યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પુનમનો મેળો પ્લાસ્ટિક મુક્ત મેળાની થીમ ઉપર યોજવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જેના પગલે જિલ્લા કલેકટરે પ્લાસ્ટિક પ્રતિબંધને લઈ પ્રસિદ્ધ કરેલા જાહેરનામાં સંદર્ભે તાલુકાના મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને અંબાજી પોલીસ સહીતની 4 જેટલી ટીમો દ્વારા આજે અંબાજીમાં પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં પ્લાસ્ટિની થેલીઓ જપ્ત કરવાની સાથે વેપારીઓ સામે જાહેર નામનો ભંગ કરવા બદલ સ્થળ ઉપર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 50 કિલોથી વધુનો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ મેળાના સમયે જ અધિકારીઓ દ્વારા ચેકિંગ શરૂ કરાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે.

જો અધિકારો દ્વારા વેપારીઓને હેરાન કરવાનું બંધ કરવામાં નહીં આવે તો અંબાજીના તમામ બજારો અચોક્કસ મુદત સુધી બંધ કરવાની ફરજ પડશે તેમ વેપારીઓના અગ્રણી ગૌતમ જૈનએ જણાવ્યું હતું.