રસોઈઘરની વ્યવસ્થા કેવી જોઇએ?

“અમે આ ઘરમાં આવ્યા ત્યારથી કોઈને કોઈ બીમારી તો આવી જ રહી છે. એક દિવસ ખાલી નથી ગયો.” આવું સાંભળીએ ત્યારે વિચાર આવે કે આવું તો ઘર હોય? જયારે નકારાત્મક ઊર્જા હોય ત્યારે વિવિધ બીમારીઓ આવતી હોય છે. આવા ઘરમાં રહેનારને સતત સંજીવનીની શોધ હોય છે.

મારા રીસર્ચમાં મેં જોયું છે કે નકારાત્મકતાની શરૂઆત થાય ત્યારે સાંધાનો દુખાવો થાય છે. સામાન્ય રીતે પેટની બીમારી અને સાંધાનો દુખાવો કોઈને બીમારીનો ભાગ નથી લાગતા. જયારે રસોઈ ઘર અને પ્લેટફોર્મના સ્થાન યોગ્ય ન હોય ત્યારે પગનો દુખાવો થતો હોય છે. જેમ કે ઇશાનમાં રસોડું હોય અને દક્ષિણ તરફ કાળા રંગનું પ્લેટફોર્મ હોય તો પાની વધારે દુખે. જો ઉત્તર તરફ પ્લેટફોર્મ હોય તો પગ કળે. જયારે ઉત્તરમાં ઉત્તર તરફ મુખ રાખીને આરસના  પ્લેટફોર્મ પર રસોઈ થતી હોય ત્યારે નારીને સતત અસંતોષ રહે. તેની અસર તેના શરીર પર આવે. ગોઠણ, પીડી અને પાનીની તકલીફ રહે. અગ્નિમાં દક્ષિણ તરફ મુખ રાખીને આરસના પ્લેટફોર્મ પર રસોઈ થતી હોય તો તજા ગરમીના લીધે શરીરમાં કળતર થાય. પગમાં દુખાવો રહે. અહી ઉત્તર તરફ મુખ રાખીને રસોઈ થાયતો ગોઠણથી નીચેનો પગનો ભાગ વખતોવખત દુખે તેવું બને.એક ઘરમાં કાયમ રસોઈનો સ્વાદ બદલાઈ જાય અને ઘરની નારીના સ્વભાવના કારણે દર અમુક નિશ્ચિત સમયે ઘરનું વાતાવરણ ડહોળાય. પાછું એ બહેનને પણ પગ બહુ જ દુખે. રાત્રે તો એવી વેદના થાય કે પગ દબાવવા પડે. આ ઘરમાં પશ્ચિમમાં પશ્ચિમ તરફ મુખ રાખીને કાળા રંગના પ્લેટફોર્મ પર રસોઈ થતી હતી. કોઈના કહેવાથી આજ જગ્યાએ તેમણે પૂર્વ તરફ પ્લેટફોર્મ કર્યું પણ કોઈ જ ફરક નહીં. હકીકતમાં રસોડાનું સ્થાન પ્લેટફોર્મની દિશા, મટીરીયલ, માપ પ્રમાણ વગેરેની યોગ્ય જાણકારી યોગ્ય ઊર્જાના સંપાદનમાં મદદરૂપ થાય છે. માત્ર પૂર્વ તરફ મુખ રાખીને રસોઈ કરાય કે અગ્નિમાં જ રસોડું હોવું જોઈએ તે વાતો અધૂરી છે. ઘરની નારીનું સ્વાસ્થ્ય સારું ન હોય એટલે સમગ્ર ઘરના વાતાવરણ પર તેની અસર આવે જ. નૈઋત્યમાં રસોઈઘર હોય તો શરીર દુખે અને સ્વભાવ ચીડચિઢયો બની જાય છે. જો કે ઘરની અન્ય જગ્યાની ઊર્જાના આધારે આ સમસ્યાનું પ્રમાણ નક્કી કરી શકાય.

દક્ષિણમાં રસોઈઘર આવે અને આરસનું પ્લેટફોર્મ દક્ષિણ તરફ મુખ રાખીને રસોઈ થાય તેવું હોય તો નારીને વારંવાર પગ દુખે યા તો ઢીલાં પડી ગયાની લાગણી થાય. આજ જગ્યાએ ઉત્તર તરફ મુખ રાખીને રસોઈ થતી હોય તો દુખાવાની સાથે ફરિયાદ પણ હોય. યુ પીમાં એક ભાઈની ફરિયાદ હતી કે તેમનાં પત્ની બહાના કાઢીને રસોઈ કરવાનું ટાળે છે. હકીકત માં તેમનું રસોઈઘર યોગ્ય ન હતું તેથી આ સમસ્યા હતી. જો ઇશાનના રસોઈઘરમાં પૂર્વની દીવાલ પર લાલ કે ભૂરો રંગ હોય ત્યારે પણ શરીર દુખે. આવી જ રીતે ઉત્તરના રસોઈઘરમાં ઉત્તરની દીવાલ પર કેસરી રંગ ન કરવો જોઈએ અને વાયવ્યના રસોઈઘરમાં પશ્ચિમની દીવાલ પર પીળો રંગ ન લગાડવો જોઈએ. આરસનું પ્લેટફોર્મ અથવા રસોડાનું ફલોરિંગ ન રાખવું. પ્લેટફોર્મ પર કાળો પત્થર ન રાખવાની સલાહ છે. વિટ્રીફાઈડ ફલોરિંગ માટે પણ મારો મત આવો જ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]