રાષ્ટ્રીય…

તીન તલાક બિલે મચાવ્યો ખળભળાટ

વર્ષના આરંભે જ, જાન્યુઆરીની ત્રીજી તારીખે રાજ્યસભામાં તીન તલાક વિરોધી વિધેયક ‘ધ મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઈન મેરેજ એક્ટ’ રજૂ થયું હતું. આ બિલ રાજ્યસભામાં રજૂ થતાં દેશભરમાં દેકારો મચી ગયો હતો અને મુસ્લિમ સમુદાય દ્વારા કેન્દ્ર સરકારનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.


લાલુપ્રસાદ યાદવને જેલની સજા

સીબીઆઈ સ્પેશિઅલ કોર્ટે જાન્યુઆરીની છ તારીખે લાલુપ્રસાદ યાદવ સહિત 16 આરોપીઓને સજા સંભળાવી હતી. જેમાં લાલુ પ્રસાદને 3.5 વર્ષની જેલની સજા અને રૂપિયા 5 લાખનો દંડ કરાયો હતો. સરકારી કોષાગારમાંથી 89.27 લાખ રૂપિયાના ગેરકાયદે ઉપાડ મામલે લાલુપ્રસાદ યાદવને સજા થઈ હતી.


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ઐતિહાસિક બની પત્રકાર પરિષદ

સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં આ એક અસામાન્ય ઘટના બની હતી. જાન્યુઆરીની 12 તારીખે સુપ્રીમ કોર્ટના 4 સીટિંગ જજ દ્વારા બાકાયદા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા-સીજેઆઈ પછીના સૌથી સીનિયર જજ ચેલમેશ્વર, જજ રંજન ગોગોઇ, જજ મદન લોકુર અને જજ કુરિયન જૉસેફે સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત જાહેરમાં મીડિયા સમક્ષ આવ્યા હતાં. આ ઘટના સામે સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા અને દેશના લોકતંત્ર પર સવાલો ખડા કરાયાં હતાં.


અગ્નિ-1 મિસાઈલે કંપાવ્યા દુશ્મનના કાળજા

ભારતની સૈન્ય તાકાતમાં વધારો કરતી અગ્નિ-1 મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. ઓડિશાના બાલાસોરમાં અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતે અગ્નિ-1 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ આ મિસાઈલ 700 કિમીની મારક ક્ષમતા સાથે જમીનથી જમીન પર પ્રહાર કરવા સક્ષમ છે.


ભારતે ચીન સામે 8 વોરશિપ ખડકી દીધાં

હિંદ મહાસાગરમાં ચીનની દાદાગીરી સામે ભારતે 8 વૉરશિપ ઊતારી દીધાં હતાં. ચીન સાથે તણાવપૂર્ણ બનેલાં સંબંધોને લઈ રાજકીય અને સંરક્ષણ એજન્સીઓમાં ભારે હલચલ જોવા મળી હતી. ડોકલામનો મુદ્દો પમ બંને દેશો વચ્ચે વર્ષમાં અવારનવાર તણાવ વધારતો રહ્યો છે.


મહાકૌભાંડી નીરવ મોદી વિદેશ ભાગી ગયો

પંજાબ નેશનલ બેન્ક સાથે સાડા અગિયાર હજાર કરોડ રુપિયાની ઠગાઈ કરી નીરવ મોદી વિદેશ ભાગી ગયો. નીરવ મોદીની પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસેડર હોવાને કારણે અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પણ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.


માઓવાદીઓ સામે મોટું ઓપરેશન

તેલંગણામાં ભીષણ એન્કાઉન્ટરમાં 6 મહિલા સહિત 12 બળવાખોર માઓવાદીઓ ઠાર. તેલંગણા રાજ્યના જયશંકર ભૂપાલાપલ્લી જિલ્લામાં પોલીસ સાથેના ગોળીબારમાં ઓછામાં ઓછા 12 માઓવાદીઓ ઠાર મરાયા હતાં. જ્યારે એક પોલીસ જવાન શહીદ થયો હતો. તેલંગાણા અને છત્તીસગઢ બંને રાજ્યની પોલીસે સાથે મળીને કામગીરી હાથ ધરતાં માઓવાદીઓના પક્ષે મોટી ખુવારી થઈ હતી. 


સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો…

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, ઈચ્છા મૃત્યુને સશર્ત આપી માન્યતા. બંધારણની દ્રષ્ટિએ મૂળભૂત હકો પૈકી એક જીવન જીવવાના હકની કલમ 21ને લગતો આ ચૂકાદો અસાધ્ય રોગના દર્દીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, ‘જે રીતે લોકોને સમ્માનથી જીવવાનો અધિકાર છે તેમ સમ્માનથી મરવાનો પણ હકક છે. અસાધ્ય રોગથી પીડાતાં વ્યક્તિ કે જેના સારા થવાની કોઈ આશા જ નથી તે નક્કી કરી શકશે કે પોતાને મૃત્યુ ક્યારે જોઈએ છે. 


UPના કુશીનગરમાં ટ્રેન-સ્કૂલવાનની ટક્કર, 13 બાળકોના મોત…

એપ્રિલ 2018માં ઉત્તરપ્રદેશના કુશીનગરમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. દુદહી રેલવે ક્રોંસિંગ પર સ્કૂલવાન ટ્રેનની ઝપટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં સ્કૂલના 13 બાળકોના મોત થયાં હતાં. અને 5 બાળકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટના પછી ઉત્તરપ્રદેશના સીએમ યોદી આદિત્યનાથે દરેક મૃતકો બાળકો અને ઘાયલ બાળકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. 


દલિતોનું ‘ભારત બંધ’ 7 રાજ્યોમાં હિંસક બન્યું: 9નાં મરણ…

અનુસૂચિત જાતિ તથા જનજાતિઓ (SC/ST)નાં લોકો પર અત્યાચાર રોકવા માટે ઘડવામાં આવેલા (એટ્રોસિટી) એક્ટમાં ફેરફાર કરવા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાના વિરોધમાં દલિત સંગઠનોએ કરેલા ‘ભારત બંધ’ એલાને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. દેખાવકારો અને પોલીસ જવાનો વચ્ચેની અથડામણ સંબંધિત ઘટનાઓમાં મધ્ય પ્રદેશમાં 6 જણનાં મરણ નીપજ્યા હતાં. જ્યારે ઉત્તરપ્રદેશમાં બે તથા રાજસ્થાનમાં એક જણનું મરણ નીપજ્યું હતું. સાત રાજ્યોમાં હિંસાની ઘટનાઓ થઈ હતી. એમાંય ભાજપશાસિત ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પરિસ્થિતિ વધારે ખરાબ હતી. કેન્દ્ર સરકારે બે રાજ્યમાં RAFના 800 જવાનોને મોકલ્યા હતાં. 


4 રાજ્યમાં કુદરતી આપત્તિથી વ્યાપક વિનાશ; 134નાં મરણ…

ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધૂળની ડમરી ઉડવાથી અને વીજળીના કડાકા ભડાકા અને ભારે વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાંએ ઓછામાં ઓછા 41 જણનો ભોગ લીધો હતો. વાવાઝોડાંને પગલે ઠેર ઠેર ભારે વિનાશ સર્જાયો હતો. ધૂળના વાવાઝોડાની આફતે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, તેલંગાણામાં હાહાકાર મચાવ્યો હતો અને 134 જણના ભોગ લીધાં હતાં, તથા 400થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. માર્ગ, રેલવે અને વિમાનસેવાને માઠી અસર પહોંચી હતી. 


મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ…

મહારાષ્ટ્ર સરકારે જૂન મહિનામાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ડિસ્પોઝેબલ અથવા સિંગલ યૂઝવાળી પ્લાસ્ટિકની થેલીઓ સહિત પ્લાસ્ટિકના ડબ્બા, ચમચી, ડિશ, ગ્લાસ, થર્મોકોલની પ્લેટ્સ, થર્મોકોલના ઉપયોગવાળી સજાવટની ચીજવસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો. નિયમનો પહેલી વાર ભંગ કરનારને રૂ. 5,000નો દંડ કરવાની જોગવાઈ, બીજી વારના ગુના માટે રૂ. 10 હજાર, ત્રીજી વારના ગુના માટે રૂ. 25 હજાર દંડ અને ત્રણ મહિનાની જેલની જોગવાઈ.


 મુંબઈમાં ઉત્સવોમાં ડીજે, ડોલ્બી સ્પીકર્સ વગાડવા પર પ્રતિબંધ…

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી અને નવરાત્રી જેવા તહેવારો વખતે ડિસ્ક જોકી અને ભારે અવાજ કરતી સાઉન્ડ સિસ્ટમ (ડોલ્બી સિસ્ટમ)ના ઉપયોગ પર મહારાષ્ટ્ર સરકારે મૂકેલા પ્રતિબંધને મુંબઈ હાઈકોર્ટે સપ્ટેંબરમાં માન્ય રાખ્યો.


 મુંબઈ-ગોવા વચ્ચે શરૂ કરાઈ દેશની પહેલી લક્ઝરી ક્રૂઝ સેવા…

લાંબા સમયથી જોવાતી રાહનો અંત ઓક્ટોબરમાં આવી ગયો જ્યારે મુંબઈ-ગોવા વચ્ચે ભારતની પહેલી દરિયાઈ લક્ઝરી ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી. 131-મીટર લાંબા ‘આંગ્રિયા’ નામના પેસેન્જર જહાજમાં 400 પ્રવાસીઓ સફર કરી શકે છે. આ જહાજ દ્વારા મુંબઈથી ગોવા પહોંચતા 14 કલાક લાગે. આ જહાજમાં મોંઘેરાં મુસાફરો માટે સફર દરમિયાન ડ્રિન્ક્સનો આનંદ માણવા માટે બાર, સ્વાદિષ્ટ વાનગીઓ માટે રેસ્ટોરન્ટ્સ, ડાન્સ માટે ડિસ્કોથેક, સ્વિમિંગ પૂલ અને સ્પા જેવી સુવિધાઓ છે. આ સેવા મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને આંગ્રિયા સી ઈગલ પ્રા.લિ. વચ્ચેનું સંયુક્ત સાહસ છે.


 

મરાઠા સમાજને મહારાષ્ટ્રમાં 16 ટકા અનામત મંજૂર…

નવેંબરમાં મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય જાહેર કર્યો. રાજ્યમાં સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ટકા બેઠકો અનામત રાખવાની મરાઠા સમાજની માગણીનો દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભાજપ-શિવસેના સરકારે સ્વીકાર કર્યો અને એ પ્રસ્તાવને મહારાષ્ટ્ર વિધાનસભાએ સર્વાનુમતે પાસ પણ કરી દીધો. સરકારે OBC ક્વોટામાં કોઈ ફેરફાર વગર મરાઠા સમાજને પણ અનામતનો લાભ આપી દીધો છે. મહારાષ્ટ્રની કુલ વસ્તીમાં મરાઠા સમાજનો હિસ્સો 30 ટકા છે.


 મુંબઈ એરપોર્ટનો વર્લ્ડ રેકોર્ડ…

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે ડિસેંબરની 8મીએ એક જ દિવસમાં 1,007 ફ્લાઈટ્સ ઓપરેટ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. એણે આ ક્ષેત્રે પોતાનો જ રેકોર્ડ તોડ્યો. અગાઉ જૂન મહિનામાં એણે એક જ દિવસમાં 1,003 ફ્લાઈટ્સ ઓપરેટ કરીને રેકોર્ડ નોંધાવ્યો હતો. 


5 રાજ્યોની ચૂંટણીમાં મોદી લહર ખતમ, કોંગ્રેસને પુનર્જીવન

ડીસેમ્બરની 11 તારીખે રાજસ્થાન, મધ્યપ્રદેશ. છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણા વિધાનસભા ચૂંટણીના પરિણામો ધ્યાનપાત્ર રહ્યાં. નરેન્દ્ર મોદી-અમિત શાહના ચૂંટણીઓ જીતવાના ચાલી રહેલા અશ્વમેઘની લગામ આ પરિણામોએ તાણી બાંધી. ભાજપને પડેલો આ ફટકો આગામી લોકસભા ચૂંટણી 2019ને લઈને ભારે ચિંતામાં મૂકનારો તો કોંગ્રેસ માટે પુર્નજીવન મેળવી નવા ઉત્સાહનો સંચાર કરી ગયો છે.


ભારતરત્ન અટલબિહારી વાજપેયીનું નિધન, યુગ આથમ્યો…

ભારતના રાજકીય ઈતિહાસમાં એ દિવસ અલગ સ્થાન ધરાવશે કારણ કે દેશે મોટાગજાના વ્યક્તિત્વની ખોટ પડી હતી. 16 ઓગસ્ટના રોજ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ અંતિમ શ્વાસ લીધાં. તેમની સાથે એક અજાતશત્રુ રાજકારણીની ભાજપને જ નહીં, દુનિયાને ન પૂરી શકાય તેવી ખોટનો અહેસાસ થયો છે. અટલ બિહારી વાજપેયી કવિસહજ ઋજુહૃદયી એવા રાજકારણી હતા જેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવૃત્ત હોવા છતાં પોતાની સંવેદનશીલતા જાળવી રાખી હતી. એક રાજકારણી ત્યારે જ કવિ બની શકે જ્યારે તેની અંદરનો સહાનુભૂતિવાળો માણસ જાગૃત હોય.


httpss://youtu.be/3qVTCZV1mOM

httpss://youtu.be/p3U55AYSlU4