ચાય પે ખર્ચાઃ ટ્રેનોમાં હવે ચા-કોફી મોંઘી…

ભારતીય રેલવેએ ટ્રેનોમાં પ્રવાસીઓને આપવામાં આવતી ચા-કોફીની કિંમતમાં તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે વધારો કરી દીધો છે.

રેલવે વહીવટીતંત્રએ ટીબેગ સાથે ચાના 150 મી.લી. કપ અને ઈન્સ્ટન્ટ પાવડર મિક્સ ઉપયોગવાળી કોફીના 150 મી.લી. કપની કિંમત હાલના રૂ. 7થી વધારીને રૂ. 10 કરી છે.

રેલવે તંત્રે તમામ ઝોનને આ વિશેનો સર્ક્યૂલર મોકલી દીધો છે.

પાંચ રૂપિયે કપ મળતી સ્ટાન્ડર્ડ રેડીમેડ ચાના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.

એવી જ રીતે, રાજધાની તથા શતાબ્દી ટ્રેનો માટે ચા-કોફીની કિંમતમાં કોઈ વધારો કરાયો નથી, કારણ કે આ ટ્રેનોમાં ફૂડ પેકેજ પ્રીપેઈડ હોય છે.

નવા ભાવમાં જીએસટીનો સમાવેશ કરાયો છે.

આ વર્ષના જૂન મહિનામાં રેલવેએ ‘મેનુ ઓન રેલ’ યોજના લોન્ચ કરી હતી. તે અનુસાર, હમસફર ટ્રેન, રાજધાની, શતાબ્દી, દુરન્તો, ગતિમાન એક્સપ્રેસ અને તેજસ એક્સપ્રેસ સહિતની મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકોને મેનુ ડિસ્પ્લે કરવામાં આવે છે.

પ્રવાસીઓ રેલવેની ફૂડ એન્ડ કેટરિંગ સેવાને લગતી કંપની IRCTCની નવી લોન્ચ કરાયેલી ‘મેનુ ઓન રેલ’ એપ્લિકેશન ઉપર ખાદ્યપદાર્થોની મેક્ઝિમમ રીટેલ પ્રાઈસ (MRP) ચેક કરી શકે છે. તેથી લાઈસન્સ મેળવનારા કે સર્વિસ પ્રોવાઈડર્સ ફિક્સ કરાયેલી કિંમતથી વધારે ચાર્જ લઈ શકતા નથી.

ખાદ્યપદાર્થોને ચાર કેટેગરીમાં વહેંચી દેવામાં આવ્યા છે – પીણા, બ્રેકફાસ્ટ, ભોજન અને અ-લા-કાર્ટ.

અ-લા-કાર્ટમાં એવી 96 આઈટમ્સની યાદીનો સમાવેશ કરાયો છે જે બ્રેકફાસ્ટ, હળવા ભોજન, કોમ્બો ભોજન, માંસાહાર, જૈન ભોજન, મીઠાઈ, ડાયાબિટીક ફૂડ કેટેગરીમાં ઉપલબ્ધ હોય છે.