દારુ અને ડીપ્રેશનના લીધે મરનારાંનો મૃત્યુદર કેટલો છે?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ ૨૧મી સપ્ટેમ્બરે કહ્યું કે દારૂના કારણે દુનિયાભરમાં પ્રતિ વર્ષ ૩૦ લાખ લોકોનું મૃત્યુ થાય છે. તે એઇડ્સ, હિંસા અને માર્ગ અકસ્માતોમાં થતાં મૃત્યુના આંકડાથી વધુ છે. ખાસ કરીને પુરુષો માટે આ જોખમ વધુ રહે છે. દારૂ અને સ્વાસ્થ્ય પર સંયુક્ત રાષ્ટ્રોની સ્વાસ્થ્ય એજન્સીનો આ નવીનતમ અહેવાલ કહે છે કે દુનિયાભરમાં દર વર્ષે થતાં ૨૦ મૃત્યુમાંથી એક મૃત્યુ દારૂના કારણે થાય છે. તેમાં દારૂ પીને ગાડી ચલાવવી, દારૂ પીને હિંસા કરવી, બીમારી અને તેની સાથે જોડાયેલી બીજી વિકૃતિઓના કારણે થનારાં મૃત્યુ સમાવિષ્ટ છે.

લગભગ ૫૦૦ પૃષ્ઠોના આ અહેવાલમાં કહેવાયું છે કે દારૂના કારણે થતાં મૃત્યુમાંથી ત્રણ ચતુર્થાંશથી વધુના શિકાર પુરુષો હોય છે. ડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ એધાનૉમ ગેબ્રેયેસસે એક નિવેદનમાં કહ્યું કે ઘણા લોકો માટે દારૂનાં હાનિકારક પરિણામોની અસર તેમના પરિવારજનો અને સમાજના લોકો પર હિંસા, ઈજા, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને કેન્સર અને હૃદયાઘાત જેવી બીમારીઓના રૂપે પડે છે.

તેમણે કહ્યું કે સ્વસ્થ સમાજ વિકસિત કરવાની દિશામાં આ ગંભીર જોખમને રોકવા માટે કાર્યવાહી ઝડપી બનાવવાનો સમય છે. દારૂ પીવાના કારણે લીવર સૉરાયસિસ અને કેટલાંક કેન્સર સહિત ૨૦૦થી વધુ સ્વાસ્થ્ય વિકાર થાય છે. વૈશ્વિક રીતે વર્ષ ૨૦૧૬માં દારૂ સાથે સંકળાયેલાં મૃત્યુનો આંકડો લગભગ ૩૦ લાખ હતો. તે આ સંબંધમાં અત્યાર સુધીનો સૌથી નવીનતમ આંકડો છે.

આ સિવાય ડબ્લ્યુએચઓના તાજા અહેવાલ પ્રમાણે, ભારતનો દર ચોથો કિશોર ડિપ્રેશનનો શિકાર છે. ડબલ્યુએચઓએ કહ્યું કે ૧૦ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં સર્વાધિક આત્મહત્યા દર ભારતમાં છે. તેણે ‘દક્ષિણ પૂર્વ એશિયામાં કિશોરોના માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ: કાર્યવાહીના પુરાવા’ નામનો અહેવાલ જાહેર કર્યો જે કહે છે કે વર્ષ ૨૦૧૨માં ભારતમાં ૧૫-૨૯ વર્ષની ઉંમરના વર્ગના પ્રતિ એક લાખ વ્યક્તિ પર આત્મહત્યા દર ૩૫.૫ હતો.

આ ઉંમરવર્ગમાં પ્રતિ એક લાખ લોકો પર અનુમાન મુજબ આત્મહત્યા દર ઇન્ડોનેશિયામાં ૩.૬થી લઈ નેપાળમાં ૨૫.૮ છે. ડબ્લ્યુએચઓના દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રના નિર્દેશક પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું કે અવસાદ આત્મહત્યાનું કારણ બની શકે છે અને આ ક્ષેત્રમાં ૧૫થી ૨૯ વર્ષની ઉંમરના લોકોની વચ્ચે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ આત્મહત્યા છે. અવસાદ સાથે સંબંધિત સ્વાસ્થ્ય સેવાઓને એવી બનાવવી જોઈએ જે સરળતાથી લોકો મેળવી શકે અને ઉચ્ચ ગુણવત્તાની પણ હોય.