દૂધ પીવો પણ સાવધાની સાથે!

દૂધ પીવું એ આરોગ્ય માટે સૌથી ફાયદાકારક મનાય છે. દૂધ એ સંપૂર્ણ આહાર છે. તે આરોગ્યની દૃષ્ટિએ અમૃત પણ મનાય છે. પરંતુ આયુર્વેદમાં કહેવાય છે કે કોઈ પણ ચીજનું સમજ્યા વગર જો આડેધડ રીતે પાલન કરવામાં આવે તો તેના ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે. જેમ કે, મધ એ સારું પણ જો ગરમ કરીને મધ લેવામાં આવે તો ઝાડા થઈ શકે છે. એટલે જેની જેવી પ્રકૃતિ (વાત, પિત્ત, કફ) અને જેને જેવી બીમારી અથવા આરોગ્યની સ્થિતિ તે મુજબ, તેણે કોઈ પણ દવા, ઔષધિ કે ઘરેલુ ઉપચાર કરવો જોઈએ. દૂધની બાબતમાં પણ આવું જ છે. જો દૂધનું સેવન યોગ્ય રીતે કરવામાં ન આવે તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ કે દૂધ પીતી વખતે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

૧. અનેક લોકોની ટેવ હોય છે, ભોજન પછી દૂધ પીવાની. પરંતુ જમી લીધા પછી તરત જ ક્યારેય દૂધ પીવું ન જોઈએ. તેને પચવામાં સમય લાગે છે અને તમને પેટ ભારેભારે લાગશે.

૨. પરંતુ જો તમને જમીને દૂધ પીવાની ટેવ હોય જ તો શું કરવું? આનો રસ્તો એ છે કે અડધું ભોજન જ કરવું. નહીંતર પાચનની તકલીફથી તમે હેરાન થઈ શકો છો. ખાસ કરીને રાત્રે તેનું ધ્યાન રાખવું.

૩. ખાટી કે ચટપટી ચીજો દૂધ પીવાના અડધા કે એક કલાક પહેલાં જ ખાઈ લો અવા દૂધ પીધાના અડધા કલાક કે એક કલાક પછી ખાઈ લો. જેમ દૂધમાં ખટાશ પડે તો તે ફાટી શકે છે, તે જ રીતે જો દૂધ સાથે ખટાશ લેશો તો પેટમાં જઈને દૂધ ફાટીને એસિડ થઈ શકે છે. તેનાથી તમને વાયુના ઓડકારની સમસ્યા થઈ શકે છે.

૪. ડુંગળી, લસણ અને રીંગણાં સાથે ક્યારેય દૂધ ન પીવું જોઈએ. તેને આયુર્વેદમાં વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ ચીજોમાં રહેલાં રસાયણો પરસ્પર ક્રિયા કરીને ત્વચા સંબંધી રોગ પેદા કરી શકે છે. આથી જો તેમને ખાવી કે પીવી જ હોય તો તેમના વચ્ચે કેટલાક સમયનું અંતર રાખો.

૫. આ જ રીતે માછલી કે માંસ સાથે દૂધ ક્યારેય ન પીવું જોઈએ. તેના કારણે ત્વચા પર સફેદ ડાઘા કે લ્યૂકૉડર્માની તકલીફ થઈ શકે છે. તે ઉપરાંત તે બંનેમાં પ્રૉટિન હોય છે જેનાથી પાચનમાં વધુ સમય લાગે છે.

૬. જો તમે તાકાત અને પોષણ માટે દૂધ પી રહ્યા હો તો ગાયનું દૂધ પીવો. જો વજન વધારવા માગતા હો તો ભેંસનું દૂધ પીવો. પરંતુ ભેંસનું દૂધ કફ વધારવાનું કામ કરે છે તે પણ ધ્યાન રાખવું જોઈએ.

ક્યારેય ઠંડું દૂધ ન પીવું જોઈએ. તેમાં ખાંડ પણ ન નાખવી જોઈએ. ઠંડું દૂધ ધીમેધીમે પચે છે અને તેનાથી પેટમાં ગેસ થાય છે. ખાંડ પોષક તત્ત્વોનો નાશ કરે છે. પાચનમાં પણ સમસ્યા પેદા કરે છે.