માત્ર શિયાળો જ નહીં, બારેમાસ પીઓ ગરમ પાણી

પણાં શાસ્ત્રોમાં જે વાત ધર્મરૂપે કરવાની લખાઈ છે તે વૈજ્ઞાનિક અને આરોગ્યને ફાયદારૂપ જ છે. આનું વધુ એક ઉદાહરણ છે પાણી ગરમ કરીને પીવું. આજે પણ ધર્મને ચુસ્ત રીતે અનુસરતા લોકો પાણી ગરમ કરીને પીવે છે અને પોતાની તબિયત તરોતાજા રાખે છે. પશ્ચિમી વિજ્ઞાન હૂંફાળા પાણીના કેટલા ફાયદા ગણાવે છે તે તમે વાંચશો તો તમને પણ થશે કે આપણાં શાસ્ત્રો કેટલાં આધુનિક છે અને સમયથી આગળ છે.ગરમ પાણી પીવાથી સૌ પ્રથમ તો નાક ચોખ્ખું થાય છે. ગરમ પાણીમાં વરાળ રહેલી હોય છે. આથી ગરમ પાણી પીવો ત્યારે થોડી વરાળ પણ નીકળે છે જે તમારા નાકમાં જાય છે અને આથી તમારું નાક જો બંધ હોય તો ખૂલે છે. તમને સાઇનસની તકલીફ હોય તો તેમાં પણ રાહત મળે છે. તમારી ડોકમાં પણ જો કોઈ કચરો ભરાયો હોય તો તે સાફ થાય છે. આથી અવાજ બેસી ગયો હોય તો અવાજ પણ ખુલે છે.

હૂંફાળું પાણી પીવાનો બીજો ફાયદો એ છે કે તેનાથી પાચનમાં મદદ મળે છે. પાચનની ક્રિયા સરળ બને છે. તે ઉંજણનું કામ કરે છે. પેટ, આંતરડા, પાચનનાં અવયવો ભીના થાય છે જેનાથી કચરો અથવા મળ દૂર થાય છે. આમ, જેને પાચનની તકલીફ હોય તેમણે હૂંફાળું પાણી પીવું જોઈએ.

ત્રીજો ફાયદો એ છે કે તેનાથી તમારા આંતરડાંને સંકોચાવામાં મદદ મળે છે. જ્યારે તેમ થાય છે ત્યારે તમારા આંતરડાંમાં ફસાયેલો જૂનો મળ તમારા શરીરમાંથી બહાર નીકળે છે. ગરમ પાણી નિયમિત પીવાથી તમે તંદુરસ્ત રહો છો કારણકે કબજિયાત ન રહે અને શરીરમાંથી મળ બહાર નીકળી જાય તો વ્યક્તિ તંદુરસ્ત જ રહે. પરંતુ જો તમે નિયમિત ગરમ પાણી પીવા ન માગતા હો તો જ્યારે કબજિયાત થાય ત્યારે તે પીને કબજિયાત દૂર કરી શકો છો.

આ નુસખાનો ચોથો ફાયદો છે તે કેન્દ્રીય ચેતા પ્રણાલિને શાંત પાડે છે અને શરીરને ઉંજવાનું કામ કરે છે. જ્યારે તમને ગુસ્સો આવ્યો હોય અને તમે ગુસ્સો દેખાડ્યા વગર તંદુરસ્ત અને સંયમિત પ્રતિક્રિયા આપવા માગતા હો તો તમને જણાશે કે તમે કંઈક દુઃખાવો અને દર્દ થાય છે. આખો દિવસ તમારા મગજમાં આ વાત ચાલતી રહે છે. આવી સ્થિતિમાં ઠંડું પાણી નહીં, પણ હૂંફાળું પાણી લાભદાયક છે. જે લોકોને આર્થરાઇટિસ અથવા સાંધાના દુઃખાવાની તકલીફ હોય તેમને પણ ગરમ પાણી પીવાથી ચેતા તંત્ર સુધરે છે અને સાંધાની તકલીફમાં રાહત મળે છે.

દરેક માણસે તેના શરીરને ભીનું રાખવું જરૂરી છે. આથી ગરમ પાણી રૂમ ટેમ્પરેચર કે ઠંડા પાણીની જેમ જ શરીરને ભીનું રાખે છે. તમારે રોજ ૨૩૬ મિલી પાણી લેવું જોઈએ. પરંતુ લોકો માટે કામની ભાગદોડમાં આ અઘરું છે. જો ઉઠતાંની સાથે તમે ગરમ પાણી પી લો અને સૂતી વખતે પણ ગરમ પાણી પી લો તો તમારું શરીર પૂરતું હાઇડ્રેટેડ થઈ જશે.

ગરમ પાણી પીવાથી તમારા શરીરની તાપમાન નિયંત્રણ પ્રણાલિ જાગૃત થાય છે. તમારું શરીર પાણીના તાપમાન સાથે અનુકૂળ થવા જાય છે જેનાથી તમારું આંતરિક તાપમાન ઘટે છે. તમારી ચયાપચયની ક્રિયા સક્રિય થાય છે. તમારા શરીરમાંથી મળ દૂર થાય છે. પરિણામે તમારું વજન પણ ઘટે છે.

ગરમ પાણી તમારા શરીરની પરિવહન પ્રણાલિને મદદ કરે છે. તમારી નસો અને ધમનીઓ વિસ્તરે છે અને આથી તમારા સમગ્ર શરીરની અંદર લોહી અસરકારક રીતે પહોંચે છે. આમ, લોહીના પરિભ્રમણમાં સુધારાથી  તમને કાર્ડિયૉવાસ્ક્યુલર રોગથી મુક્તિ મળે છે અને રક્તચાપ (બ્લડપ્રૅશર)માં પણ રાહત થાય છે. વધારામાં રાતના સમયે ગરમ પાણી પીવાથી તણાવ ઘટે છે અને તમને નિરાંતની ઊંઘ આવે છે. આથી જેમને તણાવ રહેતો હોય કે જેમને અનિદ્રાની તકલીફ હોય તેમણે પણ ગરમ પાણી પી શકાય.