અરવિંદ ત્રિવેદી (લંકેશ)ની લંકાથી લોકસભાની યાત્રા

અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના અભિનેતા તરીકે જાણીતા બન્યા છે. એમણે મુખ્ય નાયક તરીકે, ખલનાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જોકે રામાનંદ સાગરની ટીવી સિરિયલ ‘રામાયણ’માં એમણે લંકાપતિ રાવણનું જે પાત્ર ભજવ્યું હતું એને કારણે તેઓ માત્ર ગુજરાતી સમાજ જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ઘેરઘેર જાણીતા થયા. અરવિંદભાઈ હાલ આયુષ્યના 80મા દાયકામાં છે. આજે દશેરા નિમિત્તે નાના પડદાના રાવણની યાદ આવી ગઈ. ‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬-૩૦ નવેંબર, ૧૯૯૮ના અંકમાં વ્રજ શાહ લિખિત અરવિંદ ત્રિવેદીના લેખને અહીં પુનઃ પ્રસ્તુત કરીએ છીએ.

(રંગભૂમિ, રૂપેરી પડદો, રામાયણ સિરિયલ, રાજકારણ અને સમાજસેવાના વિવિધ ક્ષેત્રો ગજવનાર, પડછંદ દેહ, પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ અને ગર્જનાસમી વાણીના સ્વામી અરવિંદ ત્રિવેદી આજે ય એટલી જ ધગશ, પ્રચંડ પરિશ્રમ અને મક્કમ મનોબળથી અઢીસોથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યા પછી પણ પોતાની નિર્માણ સંસ્થા અન્નપૂર્ણા પ્રોડક્શનના પ્રથમ નજરાણા રુપે પ્રસ્તુત કરવાની હામ ભીડી રહ્યા છે. અહીં ‘દાદાને વ્હાલી દીકરી’ નિખાલસતા, નિડરતા અને નમ્રતાપૂર્વક હૈયાની વાત ‘જી’ના વાંચકો સમક્ષ નિરાંતે કરે છે. કાંદિવલીના ચારકોપ વિસ્તાર ખાતેની એમની ‘અફલાતૂન પ્રોડક્શન’ ઑફિસ પ્રવૃત્તિ વડે ધમધમી રહી છે. મુલાકાતીઓ, કલાકાર-કસબીઓની અવરજવર વચ્ચે ખૂબ જ સ્વસ્થતાપૂર્વક સ્વકંઠે ગાયેલા ‘શિવતાંડવ સ્તોત્ર’ના સથવારે આ મુલાકાત આપે છે.)

ઉજ્જૈનના મહાબળેશ્વરના સમીપે ઈંદોરમાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા અરવિંદ ત્રિવેદીએ ગળથૂંથીમાં જ ધાર્મિક સંસ્કારો મેળવ્યા છે. પિતા ઈંદોરની અગ્રગણ્ય મિલના મૅનેજર પદેથી નિવૃત્ત થયા એટલે મોટાભાઈ ભાલચંદ્રના સાથ સહકારથી ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈ મુંબઈ આવ્યા. ભવન્સ કૉલેજમાં ભણતા ભણતા ‘વિજય મિત્ર મંડળ’ અને ઈન્ટર કૉલેજિયેટ નાટ્ય સ્પર્ધામાં અભિનયના શ્રીગણેશ કર્યા. અને અભિનય પ્રત્યેની નિષ્ઠાએ ક. મા. મુન્શીના ભારતીય વિદ્યાભવનમાં ૧૯૬૦માં માસિક સો રૂપિયાના વેતને મૅનેજર તરીકે જોડાયા. એટલે ભવન્સની સાંસ્કૃતિક અને નાટ્ય પ્રવૃત્તિને વેગ આપવા તનતોડ પરિશ્રમ અને નિષ્ઠાપૂર્વક આગળ વધતા વધતા એક-બે નહીં પણ સત્તર વર્ષ સુધી મૅનેજર પદે રહીને છૂટા થયા ત્યારે દસ હજારનું વેતન મેળવવા હતા.

રંગભૂમિ જૂથના ચાંપશીભાઈ નાગડા, વિષ્ણુકુમાર વ્યાસ, લાલુ શાહ, ચંદ્રિકા શાહ, પ્રતાપ ઓઝા, લીલા જરીવાળા અને વિજય દત્તના સથવારે એ જમાનાના અવેતન નાટકોમાં પ્રતિભા દાખવીને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઝવેરચંદ મેઘાણીની વિખ્યાત નવલકથા ‘વેવિશાળ’ના નાટ્યરૂપાંતર ‘વેવિશાળ’ નાટકના ૭૫ પ્રયોગો કર્યા. વસંત કાનેટકરના ગુજરાતી રૂપાંતર ‘પારિજાત’માં ખુંધિયા ખલનાયક તરીકે ઉપેન્દ્રભાઈ સામે આબાદ ટક્કર ઝીલીને વાહવાહ મેળવી. મો. ગ. રાંગણેકરના તો ‘મી નવ્હેચ’ના ૫૦૦ પ્રયોગી વિક્રમસર્જક ગુજરાતી નાટ્યરૂપાંતર ‘અભિનય સમ્રાટ’માં પોલીસ ઈન્સ્પેક્ટર બન્યા. ‘દર્શક’ની ઉત્કૃષ્ટ નવલકથા ‘ઝેર તો પીધા જાણી જાણી’માં અનોખી ભૂમિકા અદા કરી. આ ઉપરાંત એમના મનગમતા બીજાં બે નાટકો રવીન્દ્રનાથ ટાગોરના બંગાળી પરથી ગુજરાતીમાં અવતરેલા ‘નૌકા ડૂબી’ અને ‘પરિવાર’માં અરવિંદભાઈના અભિનયની પ્રતિભા દર્શકો અને વિવેચકોને ડોલાવી ગઈ.

ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગના એક સર્જક મનહર રસકપૂરે ૧૯૫૯માં ઝવેરચંદ મેઘાણીની લોકકથા પર આધારિત ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’માં માત્ર એક જ લાઈનનો સંવાદ આપીને અરવિંદ ત્રિવેદીનો ફિલ્મમાં શુભારંભ કરાવ્યો.
એ જ ફિલ્મનું ૧૯૭૪માં ફરી રિમેક થયું ત્યારે અરવિંદ ત્રિવેદીએ જોગીદાસની મુખ્ય ભૂમિકા ભજવીને પ્રતિભાની પ્રતીતિ કરાવી દીધી હતી.

અત્યાર સુધી કેટલા નાટકો કર્યાં અને કઈ યાદગાર ભૂમિકા ગણાય એ પ્રશ્નના જવાબરૂપે તેઓ કહે છે: ‘શાહજહાં’માં ઔરંગઝેબની ભૂમિકા પડકારરુપ હતી. જો નેગેટિવ રોલ કરીશ તો એમાં જ ધરબાઈ રહીશ એવી કોઈ દહેશતે મને ડગમગાવ્યો નહીં. મારે મન રોલ નેગેટિવ હોય કે પોઝિટિવ, સળંગ હોય કે નજીવો એનું મહત્ત્વ નથી. પરંતુ પડકારરુપ હોવો જોઈએ અને માહ્યલા કલાકારને આત્મસંતુષ્ટિ આપે એવો હોવો જરૂરી છે.’

‘અભિનય સમ્રાટ’નું બિરુદ મેળવીને લોકપ્રિય થયેલા ઉપેન્દ્રભાઈની સામે ક્યારેય સંકોચ કે લઘુતાગ્રંથિ નથી અનુભવી? જરા પણ નહીં. ઘણીવાર ઉપેન્દ્ર મજાકમાં કહેતા, આ છે તો મારો ભાઈ પણ કસાઈ છે, અભિનય કરતી વખતે સગપણ ભૂલીને પાત્રમય બનીને પરકાયા પ્રવેશ કરીને ભજવવું એ દરેક નાટ્યકર્મીનો ધર્મ છે અને હોવો જોઈએ. અભિનયની જુગલબંધી જ નાટકનો ગ્રાફ ઉત્તરોત્તર ઊંચે લઈ જઈને પરાકાષ્ઠાએ પહોંચાડે છે.

ફિલ્મોમાં કેવી રીતે આવ્યાના પ્રત્યુત્તરમાં અરવિંદ નાટકોનું ઋણ સ્વીકારે છે. ચુનીલાલ મડિયાની નવલકથા પરથી વલ્લભ ચોક્સીએ ‘લીલુડી ધરતી’ બનાવી એ સૌથી પ્રથમ રંગીન અને આર્ટ ફિલ્મ ગણાય. ‘કાશીનો દીકરો’ તો ત્યાર બાદ આવી.

ઉપેન્દ્રનો કરિશ્મા સૌથી વધુ ટક્યો. ગુજરાતી ફિલ્મના સુપર સ્ટારને દિલીપકુમારનું બિરુદ મળ્યું.

અરવિંદ ત્રિવેદીની હીરો તરીકે ‘કુંવરબાઈનું મામેરુ’માં નરસિંહ મહેતા, ભક્ત ગોરા કુંભાર, ગોપીચંદ, ભર્તુહરી છેલભાઈ દવેની જીવની પરથી બનેલી સત્યઘટનાત્મક ‘સૌરાષ્ટ્રનો સિંહ’ યાદગાર ફિલ્મો રહી.

સંસ્મરણો વાગોળતા અરવિંદભાઈ ઉમેરે છે: છેલભાઈ દવેના પુત્ર નરેન્દ્રભાઈએ મારી ભૂમિકા જોઈને ખાસ ધન્યવાદ આપેલા.

મઝાની વાત તો એ છે કે રામાનંદ સાગરે ‘રામાયણ’ સિરિયલનો વિચાર કર્યો ત્યારે રાવણના શક્તિશાળી રોલ માટે તેઓએ ૪૦૦ કલાકારોના ઈન્ટરવ્યુ લીધા હતા પણ તેમની નજરમાં એકેય ન બેઠો. અચાનક ‘કુંવરબાઈનું મામેરું’ ફિલ્મમાં મેં ભજવેલી નરસિંહ મહેતાની ભૂમિકાથી પ્રભાવિત થઈને મને બોલાવ્યો. સ્ક્રીન ટેસ્ટ લીધો અને અનાયાસ ઉદગાર સરી પડ્યા: મુઝે મેરા રાવણ મિલ ગયા.

એ રીતે મને ‘રામાયણ’ સિરિયલમાં મોકો મળ્યો. અને લંકાપતિ વિદ્વાન રાવણે મને સાચા અર્થમાં શિખરે પહોંચાડી દીધો. પછી ઓફરો તો ઘણી આવી પણ એન.ટી. રામારાવ સાથે સાઉથની પૌરાણિક ‘વિશ્વામિત્ર’માં ત્રિશંકુનો રોલ અદા કર્યા પછી બીજી એકેય સિરિયલ ન કરી.

એવૉર્ડ કેટલા મેળવ્યા?

સાત એવૉર્ડ મળ્યા. ‘સંતુ રંગીલી’માં સંતુના પિતાના રોલ માટે, ‘ભર્તુહરી’માં ગોરખનાથ માટે, ‘કુંવરબાઈનું મામેરું’માં નરસિંહ મહેતા, ‘જેસલ તોરલ’માં જેસલ જાડેજા, ‘મચ્છુ તારા વહેતા પાણી’માં ખલનાયક ભક્ત ગોરાકુંભાર માટે અને હરકિસનભાઈની મારી સૌથી મનગમતી નવલકથા પર આધારિત ‘જોગ સંજોગ’માં રાજા બાબુએ મને એવૉર્ડ અપાવ્યો. રાજાબાબુ ભાવનગરમાં આજેય એ જ નામે ઓળખાય છે. મને ઘરે બોલાવીને મારો વાંસો થાબડીને શાબાશી આપી હતી. મારે મન આ સાત એવૉર્ડ્સ કરતા હજારો લોકોએ આપેલા રિવોર્ડ્સનું મહત્ત્વ અદકેરું છે.

નાટક અને ફિલ્મના માધ્યમમાં વધુ શું ગમે?

અલબત્ત નાટકો જ. તમારા પરિશ્રમની તાત્કાલિક પાવતી દર્શકોની દાદરુપે મળી જ જાય.

અભિનેતા નેતા કેમ બન્યો?

એ માટે જવાબદાર લંકેશ છે. એણે જ મને લંકાથી લોકસભા પહોંચાડી દીધો. નાનપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતો. ભાજપ એક જ પક્ષ શરૂઆતથી અત્યાર સુધી હૈયે વસ્યો છે. સાબરકાંઠાની કર્મભૂમિમાંથી લોકોની ચાહનાએ જીતાડી દીધો. પણ રાજકારણ ન ગોઠ્યું, ન રુચ્યું, પરિવાર છોડીને દિલ્હીમાં જ વસવાટ કરવાનો. ઉપરાંત ફિલ્મો પણ છૂટી ગઈ. અભિનેતાને નેતાનો સ્વાંગ રુચ્યો નહીં.

પાંચ વર્ષમાં લોક સેવા કરી. સાબરકાંઠા જિલ્લાના કોઈનાંયે અસ્થિ ગંગાજીમાં પધરાવવાની ટહેલ મેં નાંખી. હરિદ્વારની ગંગાજીમાં અસ્થિ પધરાવવાની કામગીરી પાર પાડતો રહ્યો.

સમાજ સેવાના એક હિસ્સારુપ વિસામાની યોજના આકાર આપી. દર ભાદરવાની પૂનમે માતાજીનો મેળો ભરાય. લાખ્ખો યાત્રિકો પગપાળા પંચોતેર કિલોમીટરની યાત્રા આસ્થાપૂર્વક કરે, પત્નીની પ્રેરણા અને માતાજીના આદેશથી ૧૯૫૩માં વિસામો અભિયાન શરૂ કર્યું. સવારના ચા-દૂધ, કૉફીથી માંડીને ગાંઠિયા-બૂંદી અને ભોજન તથા રાતવાસાનો પ્રબંધ કરવાનો વગેરે… માતાજીની શ્રદ્ધા બળવત્તર નિવડી. માત્ર ૧૯૯૭માં અમેરિકા શિવ તાંડવ સ્તોત્રના કાર્યક્રમ અંગે જવાનું થયું ત્યારે સુશ્રુષા લેતી પત્નીએ અર્ધાંગિનીનો ધર્મ અદા કર્યો. શુક્રવારે સારવાર-લાઈટ લઈને ફલાઈટમાં એ પહોંચી ગઈ. વિસામો ’૯૭નો પ્રબંધ કરીને તાબડતોબ પાછી આવીને સુશ્રુષા માટે હૉસ્પિટલમાં ભરતી થઈ ગઈ. આમ અવિરત સેવાકાર્ય માતાજીની કૃપા અને પત્નીના સહકારથી ચાલુ જ રહી. છ મહિના પહેલા એના અવસાન પછી મને અને મારી ત્રણ પુત્રીઓને ખાલીપો કઠવા લાગ્યો. અત્યાર સુધી લોકોને ગમ્યું તે કર્યું હવે મનને ગમે એ કરવું છે.

ગુજરાતી ફિલ્મોની પડતી કેમ થઈ?

– કારણ હિંદી ફિલ્મોની આબેહૂબ નકલ થવા માંડી. આપણા મૂળ લોક સાહિત્ય અને સંવેદના છે. ફૉક અને ઈમોશન પર આધારિત બધી જ ફિલ્મો ચાલી છે.

આ પરિસ્થિતિ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’એ સુધારી?

– હા, ગોવિંદભાઈ પટેલની સૂઝબૂઝને દાદ દેવી જ પડે. પરદેશમાં વસતા ગુજરાતીઓનો તલસાટ, વતન પરસ્તી અને આપણા મૂળની વાત એમણે કરી. અને એ ફિલ્મે સાચે જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તારી દીધી. આ ફિલ્મે માત્ર ઑડિયો કેસેટના વેચાણમાંથી અઢી કરોડ મેળવ્યા અને વીસ કરોડનો ધંધો કર્યો. રામાનંદ સાગર અને બી.આર. ચોપરાએ ફિલ્મ જોઈને શાબાશી આપી. નાભિ શ્વાસ લેતા ઉદ્યોગને જીવતદાન દીધું.

પહેલીવાર નિર્માતા બન્યા છો ત્યારે નવું શું કરવાના છો?

– એજ થિયરી ઈમોશનવાળી કામે લગાડી છે. દાદાને હંમેશ પુત્ર, પુત્રવધુ કે દીકરી-જમાઈ કરતા પૌત્રી-દોહિત્રી અર્થાત દીકરી જ વ્હાલી હોય છે. એ જ વાત મારી ફિલ્મનું શીર્ષક પોકારીને કહે છે.

‘દાદાને વ્હાલી દીકરી’ શીર્ષક પરથી જ મેં અડધો જંગ જીતી લીધો છે. બીજું નવોદિતોને લીધાં છે, નિર્માણ અને સર્જનના દરેક વિભાગમાં ચંચુપાત કરું છું. માત્ર નિર્માતા નહીં હું કાર્યકારી નિર્માતા છું. કથા-પટકથા-સંવાદ કેશવ રાઠોડ (માહેરની ચૂંદડી ફેમ) પાસે મેં મારા દ્રષ્ટિકોણ મુજબ લખાવડાવ્યાં છે.

પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં સંસ્કૃતમાં શિવ તાંડવ સ્તોત્ર મેં જાતે ગાયું છે. મારી ફિલ્મનો મોનોગ્રામ એ સ્તોત્રનો છે, ફિલ્મમાં મહત્ત્વના વળાંકો વખતે બેકગ્રાઉન્ડમાં એ સ્તોત્ર સંભળાય છે. એક દ્રશ્યની વાત કરું. દાદા પૂજામાં બેઠા છે, દીકરીને સાસરિયા દુ:ખ આપે છે એવું કોઠાસૂઝથી તેઓ કળી જાય છે. બસ ત્રિશૂળ ધારણ કરીને તેઓ આગળ વધે છે, બેકગ્રાઉન્ડમાં તાંડવ સ્તોત્ર ઉગ્ર સ્વરે સંભળાય છે. બીજું એક કરુણ દ્રશ્ય છે એમાં રાજ કપૂરનો પ્રિય રાગ શિવરંજની (જાને કહાં ગયે વો દિન) મેં સ્તોત્રમાં વાપર્યો છે. કઠણ કાળજાનેય ગદગદ બનાવી દે એવું એ દ્રશ્ય આ સ્તોત્રની ઈફેક્ટને લીધે બનશે.

ગમતાનો ગુલાલ કરવાની મોજ પડે છે. સાચા સર્જનનો-ક્રિએશનનો આનંદ છે. રાજકારણમાં તો રેક્રીએશન હતું અહીં સાચો આનંદ છે.

ઑલ ધ બેસ્ટ કહીને બહાર નીકળ્યા ત્યારે પેલું શિવતાંડવ સ્તોત્ર ગુંજ્યા કરતું હતું.