27 નવેમ્બર બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ

ગાંધીનગરગુજરાતમાં આગામી ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકોની ઉમેદવારીપત્રોની તમામ કામગીરી પૂર્ણ થઇ ગઈ છે, હવે બીજા તબક્કાના ઉમેદવારીપત્રો ભરવાની તા-27 નવેમ્બર ને સોમવાર અંતિમ દિવસ છે. હજુ બે મુખ્ય રાજકીય પક્ષમાં ભાજપ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં આગળ છે. તો કોંગ્રેસના 93 ઉમેદવારો સોમવારે પોતાના ઉમેદવારીપત્રો ભરશે તો બીજી તરફ ભાજપના બાકી ઉમેદવારો પણ સોમવારે અંતિમ દિવસે પોતાના ઉમેદવારોપત્રો ભરશે.
બીજા તબક્કાની 93 બેઠકો ઉપર સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી પર ભારે ઘસારો જોવા મળશે. જિલ્લા કલેક્ટરોએ આ ઘસારો પાર પાડવા માટે ઉમેદવારીપત્રો ભરવા આવનાર દરેક ઉમેદવારોને ટોકન આપવામાં આવશે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વહીવટીય પ્રકિયા ખુબ જ સરળતાથી થઇ શકે. સોમવારના રોજ 93 બેઠકો માટે જિલ્લા કલેક્ટર કચેરી તેમજ ઉમેદવારોના કાર્યાલયથી ઉમેદવારીપત્રો ભરવા જતા કાર્યકરો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી આસપાસ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો ભાજપ કે કોંગ્રેસ પક્ષમાંથી એકપણ ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું નથી. આમ ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પૈકી આજની ઘડીએ માણસા બેઠક ઉપર અમિત ચૌધરીને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તે તાજેતરમાં રાજ્ય સભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા. આ જોડાણને પ્રજા સ્વીકારે છે કે કેમ તે જોવાનું રહેશે અને દહેગામ બેઠકમાંથી બલરાજસિંહ ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો માટે અપક્ષો અને અન્ય નાના રાજકીય પક્ષો દ્રારા કુલ 26 જેટલા ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર ઉત્તરના બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો પટેલ ગુણવંતકુમાર અને પટેલ અલકાબેન દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. આ બંને ઉમેદવારો પાટીદાર સમાજના છે.
રાજ્યમાં બે મુખ્ય રાજ્કોય પક્ષોમાં હજુ ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાયો નથી, ત્યાં ઉમેદવારી કરનાર મુરતિયા અને કાર્યકરો દ્રારા પોતપોતાના પક્ષના મોવડીમંડળ ઉપર સીધા અને આડકતરા દબાણો કરવાની પ્રક્રિયા જોરશોરથી કરી રહ્યા છે. ઇચ્છુક ઉમેદવાર પોતાની તમામ તાકાતનો ઉપયોગ મોવડીમંડળ ઉપર કરી રહ્યા છે. સત્તાધારી ભાજપ પક્ષ દ્રારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં થોડા થોડા અંતરે ઉમેદવારોના નામની જાહેરાત કરે છે. અને ચકાસણી કરે છે કે પ્રથમ યાદી બહાર પાડી તો તેમાં કેટલી જગ્યાએ પક્ષમાં અંદરોઅંદર વિરોધ થાય છે. તે જોયા પછી બીજી યાદીમાં આ ભૂલો સુધારી જાહેર કરવામાં આવેલી બીજી યાદી માં ભૂલો સુધારી ગઈકાલે 13 સભ્યોની નવી યાદી જાહેર કરી આમ ભાજપ પોતાની નક્કી કરેલી  સિસ્ટમ મુજબ આગળ વધે છે. પક્ષમાં વિરોધ વંટોળ કોઈ મોટું સ્વરૂપ ન લે તેની કાળજી રાખી આગળ વધી રહ્યા છે.