રાજકોટ: માત્ર સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાતભરમાં છેલ્લાં થોડાં દિવસોથી જુનાગઢના ભવનાથ મંદિરની ગાદી અને સેવાની ધૂણી એવા સતાધારની જગ્યાનો વિવાદ ચર્ચામાં છે. આ વિવાદની સાથે એક સાધુ પણ ચર્ચામાં આવ્યા છે અને તે છે જુનાગઢના ભૂતનાથ મહાદેવની જગ્યાના મહંત મહેશગિરી. સૌરાષ્ટ્રમાં ધાર્મિક જગ્યાના વિવાદો અગાઉ પણ બહાર આવ્યા છે. પરંતુ આ વખતે વિવાદની સાથે મહેશગિરીનું નામ પહેલીવાર સાધુ – સંતો જ નહીં ભાવિકોમાં કેન્દ્ર સ્થાને આવ્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે મહેશગિરી દિલ્હી પૂર્વની બેઠક ઉપર લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેઓ ફરી જુનાગઢ આવીને હળ સાધુ જીવન વિતાવે છે. આવો જાણીએ મહેશગિરીની આધ્યાત્મિક અને રાજકીય – સામાજિક જીવન સફરને.નાસિકમાં જન્મ, ૧૭ વર્ષની વયે ગિરનાર આવ્યા
સાધુ–સન્યાસી રાજકારણમાં આવીને ધારાસભ્ય કે સાંસદ બન્યા હોય એ કોઈ નવી વાત નથી. પરંતુ રાષ્ટ્રીય રાજધાનીની દિલ્હી–પૂર્વની બેઠક ઉપર વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનીને એક સાધુએ રાજમોહન ગાંધીને 1.90 લાખ જેટલા ભારે મતોની લીડ સાથે હરાવ્યા હોય તે નેતા રાજકીય ક્ષેત્રમાં નિષ્ક્રિય બનીને ફરી સાધુ જીવનમાં પરત ફરે એ વાત નવાઈ જરૂર પમાડે છે. બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા મહંત મહેશગિરીના વર્તમાન વિશે જાણીએ એ પહેલા તેમના ભૂતકાળ પર નજર કરીએ. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિકમાં થયો અને માત્ર ૧૭ વર્ષની વયે તેઓ ગિરનાર આવ્યા અને સાધુ જીવન શરૂ કર્યું. ગિરનારની કમંડ્ળ કુંડની જગ્યાના અમૃતગિરી બાપુ પાસે દીક્ષા લીધી. સાતેક વર્ષ સુધી ગિરનારમાં રહ્યા એ સમયે તેઓ આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકરજીના પણ સંપર્કમાં આવ્યા અને વર્ષ ૨૦૦૭માં તેઓ દિલ્હી ગયા.
સ્વચ્છ દિલ્હી અભિયાન છેડ્યું
દિલ્હીમાં મહેશગિરીએ 2009માં ભ્રષ્ટાચાર અને આતંકવાદમુક્ત આંદોલન છેડ્યું હતું. બાદમાં આર્ટ ઓફ લિવિંગના વડા શ્રી શ્રી રવિશંકરના સંપર્કમાં આવ્યા. આ સંસ્થામાં તેઓ ઇન્ટનેશનલ નિર્દેશક પણ બન્યા. વર્ષ 2010માં ‘મેરી દિલ્હી, મેરી યમુના’ યમુના નદીને સ્વચ્છ બનાવવાનું અભિયાન છેડ્યું. દિલ્હીની ઝુંપડપટ્ટીમાં મેડિકલ કેમ્પો શરૂ કર્યા. આમ તેઓ એક સામાજિક આગેવાન તરીકે ઊભરી રહ્યા હતા એ સમયમાં અરવિંદ કેજરીવાલના ‘ઈન્ડિયા અગેઇન્સ કરપ્શન’ મૂવમેન્ટમાં સક્રિય ભાગ લીધો. એ વખતે કેજરીવાલની રાજકીય સફર શરૂ થઈ ન હતી.
દિલ્હીની લોકસભા બેઠકમાં રાજમોહન ગાંધીને હરાવ્યા
અરવિંદ કેજરીવાલ સાથે કેટલાંક મુદાઓ ઉપર તેમને મતભેદો થયા એટલે સાથ છોડી દીધો. દરમિયાન વર્ષ 2014માં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. એક–એક સીટ પર પાર્ટીની નજર હતી. દિલ્હી પૂર્વની બેઠક ઉપર ભાજપે મહેશગિરીને ઉમેદવાર બનાવ્યા. આમ આદમી પાર્ટીએ તેમની સામે રાજ મોહન ગાંધીને અને કોંગ્રેસે સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા હતા. હાઇ પ્રોફાઇલ જંગમાં પરિણામ એ આવ્યું કે મહેશગિરી આશરે 1.90 લાખની લીડથી ચૂંટણી જીતી ગયા. આમ હવે ભાજપ સાથે મહેશગિરીની એક સાંસદના રૂપમાં સફર શરૂ થઈ. સાંસદ બન્યા બાદ મહેશગિરી સાધુના વેશમાં ફરતા ન હતા પણ પેન્ટ–શર્ટ નોર્મલ ડ્રેસમાં જોવા મળતા હતા.
દિલ્હીની પૂર્વ બેઠકની વર્ષ ૨૦૧૯માં ચૂંટણી આવી ત્યારે ભાજપે ક્રિકેટર ગૌતમ ગંભીરને ટિકિટ આપી અને ત્યાર બાદ વર્ષ 2020માં મહેશગિરી ફરી જુનાગઢ આવી ગયા. રાજકારણ છોડી ફરી સાધુ જીવનમાં કેમ પરત ફર્યા? આ સવાલના જવાબમાં મહેશગિરી કહે છે “બન્યું એવું કે 2020માં કોરોના સમયે મેં ગિરનારની જગ્યા જે શિષ્ય મુક્તાનંદને ગાદી સોંપી હતી, તેમનું અવસાન થયું. જગ્યામાં એક 80 વર્ષની વયના સાધુ જ રહ્યા હતા. જગ્યા સંભાળે તેવું કોઈ રહ્યું ન હતું એટલે મારે દિલ્હીથી પરત જુનાગઢ આવવું પડ્યું.”
(દેવેન્દ્ર જાની – રાજકોટ)