ભાવનગર: લોકસભાની ચૂંટણી અગાઉ આવતા વર્ષે 10થી 12 જાન્યુઆરી સુધીના ત્રણ દિવસ માટે ગાંધીનગર મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જેને વૈશ્વિક કક્ષાની બનાવવા માટે ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર દિવસ-રાત એક કરી રહ્યું છે.
ભાવનગર શહેરમાં આગામી બે દિવસ વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.ભાવનગર શહેરમાં ૧૩-૧૪ ઓક્ટોબરે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ યોજાશે. ૧૩ ઓક્ટોબર સવારે ૧૦ વાગ્યે ટાઉન હોલ, મોતીબાગમાં ભાવનગરના પ્રભારી મંત્રી પ્રારંભ કરાવશે.
રાજ્યમાં ગ્લોબલ સમિટ અન્વયે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભાવનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ભાવનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશન બંને દિવસ સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી શરૂ રહેશે. જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર અન્વયે થયેલી કામગીરીની સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી.