ભગત મુઠીયાનું શાક

ભગત મુઠીયાનું શાક રોટલી, પુરી અથવા ભાત સાથે ખાઈ શકાય છે. પણ, ચોખાના લોટના પૂડલા (સાદા) સાથે આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. ચોખાના લોટના પૂડલાની રીત જાણવા માટેની લિન્કઃ https://chitralekha.com/variety/cooking-tips/rice-flour-pudla/

સામગ્રીઃ 

 • 1 કપ  ચણા દાળ
 • 2 બટેટા
 • 2-3 ટમેટાં
 • 1½ ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
 • 1 ટી.સ્પૂન જીરૂ પાવડર
 • 1 ટી.સ્પૂન ધાણા-જીરૂ પાવડર
 • 1 ટી.સ્પૂન મરચાં પાવડર
 • ¼ ટી.સ્પૂન હળદર પાવડર
 • 1  ટી.સ્પૂન ગરમ મસાલો
 • સ્વાદાનુસાર મીઠું
 • વઘાર તેમજ તળવા માટે તેલ
 • 1  ટી.સ્પૂન જીરૂં
 • 3 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
 • 2 ઝીણાં સમારેલા કાંદા (optional)
 • હિંગ ચપટી

રીતઃ ચણા દાળને ધોઈને 4-5 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે દાળને મિક્સરમાં કરકરી પીસી લો. અને એમાં આદુ-મરચાંની પેસ્ટ, જીરૂ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ચપટી હળદર, ચપટી હીંગ, 1 ઝીણો સમારેલો કાંદો (optional) ઉમેરીને એના ગોલ્ડન બ્રાઉન ભજીયા તળી લો.

વઘાર માટે એક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ઉમેરી ગેસ ઉપર મૂકો. જીરૂં તતડાવીને હિંગ છાંટો. અને 1 ઝીણો સમારેલો કાંદો ઉમેરીને સાંતડવા મૂકો. કાંદો નહીં નાખવો હોય તો ટમેટાં ઝીણા સમારીને વઘારમાં નાખો. થોડીવાર સાંતડીને હળદર, ગરમ મસાલો, ધાણા-જીરૂ તેમજ મરચાં પાવડર ઉમેરીને સાંતડો. બટેટાના ચોરસ ટુકડા કરીને નાખો. ધીમે તાપે વાસણ ઢાંકીને થવા દો. બટેટા થોડા ચઢી જાય એટલે થોડું પાણી ઉમેરો. શાક ઉકળે અને બટેટા ચઢી જાય એટલે ભગત મુઠીયા ઉમેરો. મુઠીયામાંથી 2 થી 3 મુઠીયા તોડીને ગ્રેવીમાં નાખો, એનાથી સ્વાદ વધી જશે. 5-10 મિનિટ શાક ઉકળવા દો. ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને ગેસ બંધ કરીને શાક ઉતારી લો.