પ્રેમના ન ચૂકવા જેવા નુસ્ખા ને રસપ્રદ રેસિપી : હાર્દિકા નિમાવત

(એક પ્રેમપત્ર રેસિપીસ્વરૂપે બધાને સંબોધી મળ્યો છે એ પણ માણવા જેવો છે.)

નમસ્તે મિત્રો! હું છું તમારી મદદગાર શેફ…

દરેક ઋતુને અનુસાર વાનગીઓ તમારી સમક્ષ રાખવાનો હું હંમેશા પ્રયત્ન કરું છું, ત્યારે હાલમાં ચાલી રહેલી વેલેન્ટાઈનની સીઝનમાં હું મારા પ્રિય વાચકમિત્રો માટે લઈને આવી છું, ‘પ્રેમની રેસિપી’. અહીં થોડાક નુસ્ખા સાથે આપણે જાણીશું કે કઈ રીતે બને છે પરફેક્ટ પ્રેમ અથવા તો પરફેક્ટ પ્રેમ સંબંધ…

સૌ પ્રથમ તો જરૂરી સામગ્રી પર નજર નાખીએ…

  1. બે ચોખ્ખા અને સાફ હોય તેવા હૃદય (દિલ)
  2. એક ચપટી ગુસ્સો (તરત ઉતારી જાય તેવો)
  3. એક ચપટી આંશુ (માત્ર અને માત્ર ખુશીના જ)
  4. અઢળક પ્રમાણમાં વિશ્વાસ
  5. અઢળક પ્રમાણમાં રોમાન્સ (શારીરિક ઈચ્છાઓથી પરે)
  6. જરૂરિયાત મુજબ સહવાસ
  7. અન્ય લાગણી જરૂરિયાત મુજબ
  8. ઔપચારિક વાતચીત

સુશોભન માટે જરૂરી સામગ્રી…

  1. સમયાંતરે એક આલિંગન
  2. સમયાંતરે એક મુલાકાત
  3. ચોખ્ખી સ્માઈલ
  4. સમયાંતરે હાથમાં હાથ નાખીને ટહેલવું

હવે પ્રેમની રેસિપીની રીત જોઈએ જે નીચે મુજબ છે…

સૌ પ્રથમ તો બંને ચોખ્ખા હ્યદયને એક સાથે રાખો, જેમાં એક હ્યદય તમારું અને બીજું તમારા પ્રિયપાત્રનું હ્યદય જોશે. ત્યાર બાદ બંને વચ્ચે ઔપચારિક વાતચીતનો દોર શરૂ કરો. ધીમે ધીમે જ્યારે વાતચીતની વરાળ બંને હ્યદય સુધી પહોંચે ત્યારે તેમાં અઢળક પ્રમાણમાં વિશ્વાસ ઉમેરી દો. વિશ્વાસ ઉમેર્યા બાદ પ્રેમને શંકા-પરીક્ષાના ચૂલા ઉપરથી નીચે ઉતારી લો. આટલું કર્યા બાદ પ્રેમમાં જોઈએ તેવી સુવાસ ભળી ગઈ હશે, તો ધીમે ધીમે તેમાં ઉપર દર્શાવ્યા મુજબનો એક ચપટી ગુસ્સો અને એક ચપટી આંશુ નાખીને થોડી વાર રહેવા દો. હવે તેમાં અઢળક પ્રમાણમાં રોમાન્સ ઉમેરવાથી પ્રેમનો સ્વાદ વધુ ને વધુ મીઠો થતો જણાશે.

પ્રેમ તૈયાર થઈ ગયા બાદ તેને શણગારવા માટે અને તેને તરોતાજા રાખવા માટે તેમાં સમયાંતરે આલિંગન ઉમેરી એકાદ મુલાકાત લેતી રહેવી, તેમજ અમુક સમયે બંને પાત્રોએ હાથમાં હાથ નાખીને ટહેલવાથી પણ પ્રેમ સુશોભિત અને તરોતાજા રહે છે.

તો મિત્રો આ છે પ્રેમની રેસિપી. આશા છે કે આ પદ્ધતિથી જો કોઈ પ્રેમ કરશે તે તેનો પ્રેમ સદાને માટે હર્યોભર્યો રહેશે. ભવિષ્યમાં પણ આવી જ બીજી વાનગી શીખવવામાં માટે હાજર હોઇશ આપના માટે.

– હાર્દિકા નિમાવત