અમેરિકા: પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને 4 કરોડ કરતાં વધારે લોકો મતદાન પણ કરી ચૂક્યા છે. 5 નવેમ્બર સુધી ચાલનારા મતદાનના અંતે મતગણતરી હાથ ધરાશે ત્યારે હાલનાં વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટની રેસમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ જીતશે કે પછી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર એવા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તેની ખબર પડશે પણ છેલ્લા સર્વે પ્રમાણે, જોરદાર ટક્કર થશે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ/સિએના કોલેજ દ્વારા 20 અને 23 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવેલા છેલ્લા રાષ્ટ્રીય સર્વેમાં બંને ઉમેદવારોને 48-48 ટકા મતદારોનું સમર્થન મળશે એવી આગાહી કરાઈ છે. બાકીના 4 ટકા મતદારોએ હજુ કોને મત આપવો એ નક્કી કર્યું નથી એ જોતાં આ કમલા અને ટ્રમ્પ વચ્ચે છેલ્લી ઘડી સુધી મુકાબલો થવાનાં એંધાણ છે. સીએનએનએ ચૂંટણી અંગે રાષ્ટ્રીય સ્તરે કરેલા પોતાના છેલ્લા સર્વે પ્રમાણે પણ કમલા અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડી છે. 47 ટકા મતદારો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને સમર્થન આપે છે અને 47 ટકા મતદારો ટ્રમ્પને સમર્થન આપે છે. સર્વેમાં કમલા અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડતાં આ મુકાબલો રસપ્રદ બની ગયા છે.
ટ્રમ્પે છેલ્લે છેલ્લે કેટલાંક રાજ્યોમાં કરેલી જોરદાર મહેનતના કારણે ચૂંટણીના માત્ર 10 દિવસ પહેલા જ બાજી પલટાઈ ગઈ હોવાનું મનાય છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને અત્યંત હરીફાઈવાળા રાજ્યોમાં ‘લોકપ્રિય મત’ જીતવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તેમાં ટ્રમ્પ આગળ નિકળીને લીડ કાપી ગયાનું મનાય છે.
આ તમામ ચૂંટણીનાં પરિણામ 10 નવેમ્બર, 2024ના રોજ આવી જશે. જાન્યુઆરીમાં અમેરિકાની સંસદ તેના પર મંજૂરીની મહોર મારે પછી 20 જાન્યુઆરી, 2025ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના 47મા પ્રમુખ અને ૫૦મા ઉપપ્રમુખ પોતાનો કાર્યભાર સંભાળશે.