બેકાબૂ બસે લોકોને લીધા અડફેટેઃ છનાં મોત, 49 ઘાયલ

મુંબઇઃ કુર્લા વિસ્તારમાં LBS રોડ પર એક બેસ્ટની બસે બજારમાં ભીડને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં છ લોકોનાં મોત થયાં છે અને 49થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત વખતે થોડી જ વારમાં રસ્તા પર લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી.

કુર્લામાં બેકાબૂ બનેલી બસે પહેલાં ઓક રિક્ષાને ટક્કર મારી અને એ પછી ત્રણ કારને ટક્કર મારતી ગઈ હતી. આ બસે અને પદયાત્રીઓ અને ફેરિયાઓને અડફેટે લીધા હતી. નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે કેવી રીતે થોડી જ વારમાં રસ્તો લોહીથી લાલ થયો હતો. આ બસ કુર્લા રેલવે સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. બેસ્ટ બસના ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં છ લોકોનાં મોત થયાં છે અને 49થી વધુ લોકો ઘાયલ થયા છે.

બેસ્ટની બસ અડફેટે રીક્ષા, ટુ- વ્હીલર, પોલીસ વાન સહિતના વાહનોને નુકસાન થયું છે. અકસ્માત સમયે બસમાં 60થી વધુ લોકો સવાર હોવાનું પ્રાથમિક તારણ છે. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તોમાં 3 પોલીસ કર્મી અને 1 PSIનો પણ સમાવેશ છે. અકસ્માત બાદ પોલીસે બસ ચાલક સંજય મોરેની અટકાયત  કરી છે.

અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે રસ્તા પર લોકોની ભીડ હતી. એવા સમયે બેસ્ટની એક બસ પૂરઝડપે આવી હતી અને તેણે નાગરિકો અને વાહનોને ઉડાવી દીધા હતા. બસે એક રિક્ષા અને અન્ય વાહનો સાથે ત્રણ કારને ઉડાવી દીધી હતી. મારી આંખો સામે કેટલાક મૃતદેહો પડ્યા હતા. ક્ષણવાર માટે તો હું થીજી જ ગયો. શું થયું, કેવી રીતે થયું એ કંઇ સમજું તે પહેલાં તો લોકોની ચિચિયારી અને આક્રંદથી વાતાવરણ ભરાઈ ગયું હતું. હું પણ એ તરફ ભાગ્યો. નજીક ઊભેલા લોકોની મદદથી અમે મુસાફરોને અકસ્માતગ્રસ્ત રિક્ષામાંથી બહાર કાઢ્યા હતા. તેમને બીજી રિક્ષામાં ભાભા હોસ્પિટલમાં લઈ ગયા હતા.