પહેલું સુખ તે જાતે નર્યા આ કહેવત ખૂબ જાણીતી છે. તો આ કહેવત અનુસાર આપણે સુખ કોને કહીશું? બંગ્લાને?, મોંઘી ગાડીને?, પરદેશ ફરવા જવાને? તો આ બધાનો જવાબ છે ના. કારણ કે તંદુરસ્તીથી મોટું કોઈ સુખ નથી. ખાલી તંદુરસ્તી નહીં પણ તન અને મન બંને સ્વસ્થ હોવા ખૂબ જરૂરી છે. સોના ચાંદીના ટૂકડા એ સાચી સંપત્તિ નથી પણ સાચી સંપત્તિ છે આરોગ્ય.
મનમાં એક નકારાત્મક વિચાર આવ્યા પછી મનમાં વિચારોની હારમાળા સર્જાય છે. નકારાત્મક વિચારો એક સાથે એક પછી એક આવ્યા જ કરે છે. જેથી આપણે કેવું વિચારવું જોઈએ એ ખૂબ અગત્યનું છે.
મન નબળું ન પડે એના માટે શું કરીશું?
સૌથી પહેલા ઊંડા શ્વાસ લઈશું. જે લોકો ઊંડો નથી લઈ શકતા તે લોકોએ શ્વાસ વધારે બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો. ઊંડો શ્વાસ લેવાની અસર તમારા મન પર સીધી પડશે અને તમે રિલેક્શેસનનો અનુભવ કરશો. ઊંડા શ્વાસ લેવાની ક્રિયાથી મન મજબૂત થાય છે. Short Breathing મનને ચંચળ કરે છે અને ચિંતા અને સ્ટ્રેસ વધારે છે માટે ઊંડા શ્વાસ લેવા જરૂરી છે.
બીજું એ કે આગળ પાછળ તાલી પાડવી. આ પ્રેકટીસ કરવાથી Cervical અને Thoracic Region ને મસાજ મળે છે, જે આપણો મૂડ સારો કરે છે. આજે આપણે ખાલી મન અંગે જ વાત કરવાના છીએ. તાલી પાડવાની પ્રેક્ટીસ 20 થી 30 વખત કરી શકો છો.
મન વિચારનું સાધન છે માટે તે કેવી રીતે કાર્ય કરે છે તે બરાબર સમજવું જરૂરી છે. મનની અવસ્થાના જો ભાગ પાડીશું તો વિગતે સમજી શકાશે. તેના પાંચ ભાગ પાડવામાં આવે છે.
મનની પહેલી સ્થિતિ એ ક્ષિપ્ત મન. મન છિન્નભિન્ન હોય છે મન અસ્થિર અને વેરવિખેર રહે છે. મન હંમેશા ઈન્દ્રિય સુખના વિષયોમાં જ રસ ધરાવે છે. મન એક જગ્યાએ સ્થિર રહેતું નથી. ક્યારેક એક કામ ગમે તો ક્યારેક બીજું કામ ગમે. મનની આ સ્થિતિમાં રજોગુણનું પ્રાધાન્ય હોય છે.
બીજી અવસ્થા છે વિક્ષિપ્ત: આ સ્થિતિમાં ઈચ્છાઓ સયંમમાં રહેતી નથી. ઉત્તેજના અનુભવે છે. આ સ્થિતિમાં વ્યક્તિ પોતાના પ્રયત્નોના ફળ ભોગવી શકે છે. પરંતુ વિચલિત પણ રહે છે.
ત્રીજી સ્થિતિ છે મૂઢ: આ સ્થિતિમાં વ્યક્તિ બેહોશીમાં જીવે છે. તમને થશે કે બેહોશી કેવી રીત? તો આ વ્યક્તિ કામ કરે છે-નોકરી,ધંધો અને ઘર બધુ સંભાળે છે, પરંતુ બેહોશીમાં!! એટલે કે હોશમાં આવીને નહીં. એ યંત્રવત્ત જીવન જીવે છે, જાગૃતિ સાથે નહીં. મન જડ અને શુષ્ક હોય છે. આમાં તમોગુણનું પ્રાધાન્ય વધારે હોય છે.
ચોથી અવસ્થા છે એકાગ્ર: આ સ્થિતિમાં મન એકાગ્રતામાં વધારે હોય છે. મનની સઘળી શક્તિ એક લક્ષ્ય પર કેન્દ્રીત હોય છે. આ અવસ્થામાં વ્યક્તિની બુદ્ધિ અતિ તેજસ્વી હોય છે. મનમાં સ્પષ્ટતા હોય છે- કે શું કરવું અને શું ન કરવું માટે આમાં સત્વગુણનો પ્રાધાન્ય વધારે હોય છે.
મનની છેલ્લી અવસ્થા નિરુદ્ધ: આમાં મન, બુદ્ધિ, અહંકાર પર કાબુ મેળવી સઘળી શક્તિ ઈશ્વરને ચરણે ધરી દેવામાં આવે છે. જેમાં હું અને મારું, એવા અહમ્ ભાવ રહેતો નથી. અહંકારને ઈશ્વરને ચરણે સમર્પિત કરે છે. જે કરે છે, જે થઈ રહ્યું છે, જે થશે. તે સૌ ઈશ્વરના કારણે છે એમાં વ્યક્તિ પોતાને શ્રેય આપતો નથી. આ સ્થિતિમાં આવવા માટે યોગ મદદરૂપ થાય છે. યોગમાં કહે છે યોગ: કર્મસુ કૌશલમ્ વ્યક્તિએ કામ કરવું એમાં કુશળતા મેળવવી પરિણામની આશા કે અપેક્ષા ન રાખવી.
આ બધી વાત મનની થઈ, પરંતુ મનને ખુશ રાખવા, મજબૂત કરવા તેમજ મનનું સ્વાસ્થ્ય સાચવવા યોગ (આસન-પ્રાણાયામ) કરવા પડશે. આસનો કરી શરીર પર કામ કરીશું ત્યારે મન પર અસર થશે. દાખલા તરીકે તમને બહુ આળસ આવે છે, કે તમને કંટાળો આવે છે, તમને જીવનમાં ઉત્તેજના એક્સાઈટમેન્ટ નથી, કશું જ કરવાની ઈચ્છા થતી નથી. ત્યારે આ ખાસ યોગાસન તમારામાં એનર્જી, ઉત્સાહ જોશ-જોમ લાવશે. ને પછી તમે ખરા અર્થમાં સ્વસ્થ કહેવાશો, જેમાં મનનું સ્વાસ્થ્ય પણ સારું છે ને તનનું સ્વાસ્થ્ય પણ સારું છે.
जीवन चलने का नाम, चलते रहो सुबह शाम
के रास्ता कट जाए मित्रा, के बादल कट जाए मित्रा
के दुख से झुकना ना मित्रा, एक पल रुकना ना मित्रा…
(હેતલ દેસાઇ)
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)