આજના સમયમાં માનસિક તણાવ એક સામાન્ય બાબત બની ગઈ છે. માનસિક તણાવ દરેક ઉંમરે થાય તે સ્વાભાવિક છે. વિદ્યાર્થીકાળમાં માર્ક્સ લાવવાની, લોકોને બતાવી આપવાની તાણ હોય છે. યુવાનીકાળમાં નોકરી ધંધામાં વધારે ઊંચા ધ્યેય નક્કી કર્યા પછી પૂરા કરવાની તાણ હોય છે. પ્રૌઢ અવસ્થામાં જવાબદારીઓ વધારી દીધા પછી નિભાવવા માટેની તાણ અનુભવાતી હોય છે, અને વડીલોને શક્તિ હોવા છતાં નિવૃત્તિને સ્વીકારવાની મથામણ હોય છે. હું હવે કામ વિનાનો કે વિનાની થઈ ગઈ એવી લાગણી પ્રવર્તતી હોય છે.
તાણ બે પ્રકારની હોય એક પોતે ઊભી કરેલી પરિસ્થિતિથી અને બીજી બીજા દ્વારા સોંપવામાં આવેલી પરિસ્થિતિથી તાણ પેદા થાય છે. તણાવગ્રસ્ત સ્થિતિ ધનિકને પણ હોય અને ગરીબને પણ હોય. હવે આ તણાવ કેમ થાય છે એના પર એક “વાર્તા” કહું.
એક નગર, એક રાજા પોતાના પ્રધાનોને લઇને નગરમાં નગરની બહાર ફરવા નીકળ્યા. નગરની બહાર એક નાનુ ખેતર હતું જેમાં નાની ઝુપડી. એ નાની ઝૂંપડીની બહાર એક દંપતી બેઠેલું, ખુશખુશાલ દેખાતું હતું. બે બાળકો ખેતરમાં દોડાદોડ કરી રહ્યાં હતા. આ દ્રશ્ય જોઈ રાજાને નવાઈ લાગી કે, આ લોકો પાસે નથી મોટું ખેતર, નથી મોટું ઘર, નથી સગવડો તો પણ કેવી રીતે ખુશ છે? તપાસ કરો, પ્રધાને કીધું કે મને ખબર છે. રાજાને નવાઈ લાગી પૂછ્યું કેવી રીતે? શું કારણ છે? પ્રધાને ઉત્તર આપ્યો એ લોકો ક્લબ99ના મેમ્બર નથી ને એટલે. મને એક મહિનાનો સમય અને 99 સોના મહોર આપો. હું તમને એનો જવાબ એક મહિના પછી આપીશ. રાજાને નવાઈ લાગી પણ 99 સોનામહોર આપી પ્રધાને બીજા દિવસની રાત્રે આ 99 સોનામહોરની થેલી ધીમે રહીને પેલા ખેડૂતની ઝૂંપડીની બહાર મૂકી દીધી. સવાર થઈ, ખેડૂતનું ધ્યાન પડ્યું, સોના મહોરો જોઈ ખુશ ખુશહાલ થઈ ગયો. પત્નીને ઉઠાડી કે જો ભગવાને આપણા દુઃખ દૂર કરવા આ સોનામહોરો આપી. બધા જોઈને ખુશ થઈ ગયા.
ખેડૂતને વિચાર આવ્યો કે કેમ 99 જ સોનામહોર હશે 100 પુરી કેમ નહીં? અને એટલે સો પૂરી કરવા માટે એણે નક્કી કર્યું કે હું મહેનત કરીશ, કાળી મજૂરી કરીશ. અને સોનામહોરમાં એક મૂકી દઈશ. હવે ખાવા-પીવાનો, હસવાનો સમય જ ન રહ્યો. થોડા દિવસ પછી સોનામહોરો ગણી તો 97 હતી. બે ઓછી કેમ? પત્નીને પૂછ્યું આવું કેમ થયું ? તો પત્નીએ કીધું મેં લીધી છે. ઘરમાં અનાજ નોતું, કપડાં નહોતા અને બાળકો માટે રમકડાં લાવવા મેં બે સોનામહોરો લીધી. ખેડૂત દુઃખી થઈ ગયો, કેમ એવું? મારે એકસો સોનામહોર પૂરી કરવી હતી. આમ કરતા કરતા એક મહિનો પસાર થઈ ગયો. રાજા અને પ્રધાન ફરી પાછા આવ્યા. ન તો કોઈ ખડખડાટ હસવાનો અવાજ, ન તો કોઈ સુખી દેખાયું. રાજાને નવાઈ લાગી પ્રધાનને પુછ્યું આ શું થયું ? પ્રધાને કીધું તમને મેં કીધું હતું ને કે આ લોકો ક્લબ99 સભ્યો નથી એટલે ખુશ છે. પણ હવે એ લોકો સભ્ય થઈ ગયા છે. અને એટલે હવે ખુશી એમની પાસે નથી રહી.
પ્રધાને માંડીને વાત કરી. રાજાને સમજાઈ ગયું કે જે છે તેને સ્વીકારીએ નહીં તો તણાવ ઊભો થાય. જે છે તેનાથી વિશેષ મેળવવાની મહૈચ્છા, આકાંક્ષા માનવીમાં તણાવ પેદા કરે છે. હવે વિચારવાનું એ છે કે આનો ઉપાય શું? તો જવાબમાં આવશે યોગાસન. હું વારંવાર કહું છું કે યોગ માત્ર આસન, પ્રાણાયમ નથી. યોગ યમ, નિયમ, પ્રત્યાહાર માંથી ઘણું બધું શીખવાડે છે. સ્વભાવ બદલી શકાય છે. નિયમિત આસન, પ્રાણાયામ, ધ્યાન, પ્રત્યાહાર અને યય-નિયમનો અભ્યાસથી તણાવથી બચી શકાય.
હવે વૈજ્ઞાનિક કારણો સાથે સમજીએ: શરીરમાં જ્યારે નિયમિત યોગ કરીએ ત્યારે શરીરનું તાપમાન વધે છે. લોહીનું પરિભ્રમણ સારું થાય છે. ફેફસાંની કાર્યક્ષમતા વધે છે. હૃદય વધુ મજબૂત બને છે. શ્વસનતંત્ર એક્ટિવ થાય છે. જે પ્રાણવાયુ લોહીમાં ભળી શરીરના દરેક સેલમાં જાય છે, એટલે દરેક અવયવની કાર્યક્ષમતા વધારે છે. બ્લડ પ્રેશર સમાન રાખે છે. યાદશક્તિ વધે છે. એકાગ્રતામાં વધારો થાય છે. મગજમાં એન્ડોર્ફિનનો સ્ત્રાવ વધતા શરીરના દુખાવા ઓછા કરી વ્યક્તિને હકારાત્મકતાની લાગણી ઉત્પન્ન કરાવે છે. તણાવના ગુણને ઘટાડે છે. એન્ઝાઈટી દૂર કરે છે.
તેના માટેના આસનો જોઈએ: સુપ્ત બદ્ધકોણાસન એ સર્વ શ્રેષ્ઠ આસન છે. આ ઉપરાંત ત્રિકોણાસન 10 સેકન્ડ, ઉત્થીત પાશ્ર્વકોણાસન 10 સેકન્ડ, આના પાંચ રાઉન્ડ કરવા. વીરભદ્રાસન-૧ 10 સેકન્ડ, ચંદ્રાસન 10 સેકન્ડ આના પણ પાંચ રાઉન્ડ કરવા. આસનો કરવા અને ચોકસાઈથી કરવામાં ફરક હોય છે. એમ ફાયદા મળવામાં પણ ફરક હોય છે. આમ આસનો શરૂ કર્યા પછી શરીર અને મનને રિલેક્સ કરવું ખૂબ જરૂરી હોય છે. અને રોજ આમ કરવાથી સ્વભાવ સુધરે છે, એકાગ્રતા વધે છે અને જીવનમાં જે પરિસ્થિતિ છે તેને સ્વીકારતા થઈ શકીએ છીએ. પરિણામે તણાવ ઓછો થાય છે.
યોગ અભ્યાસનો વિડિયો જુઓ અહીં…
(હેતલ દેસાઇ)
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)