સફર મેં ધૂપ તો હોગી જો ચલ શકો તો ચલો,
સભી હૈ ભીડમે નિકલ શકો તો ચલો
શાયર નિદા ફાજલીનું લખેલું ગીત જીવનની હકીકત રજૂ કરે છે. અને એમાં મનોબળ મજબૂત રાખીને જીવશું તો જ જીવાશે, બાકી જીવનમાં તડકા-છાયા, હરીફાઈ, હુંસાતુંસી, તારા કરતા હું ચડિયાતો એ પુરવાર કરવાની ખેંચતાણ અને બીજાને નીચા પાડવાની રમતો તો રહેવાની જ છે. આ બધાની વચ્ચે જળ-કમળ વત્ રહીને સંચિત કર્મો પૂરા કરી જીવનરૂપી સફર પૂરી કરવાની હોય છે.
આપણો લેખ યોગશાસ્ત્ર, યોગવિજ્ઞાન ઉપર હોય છે. એટલે જો જીવનમાં આટલી બધી તકલીફો હોય એમાં કેવી રીતે ટકવું તે યોગ શીખવાડે છે. યોગ નિર્ભય બનતા શીખવાડે છે. નિર્ભય બનવા જીવનના દ્રષ્ટિબિંદુમાં પરિવર્તન લાવવાની જરૂર છે. એના માટે મનનું નવઘડતર કરવું જોઈએ. અજ્ઞાન અને શંકાને બદલે માનવી વાસ્તવિક પરિસ્થિતિ સમજે તો ઘણી બધી માનસિક તકલીફો ઓછી થાય. બધા જીવોને પોતાના જેટલોજ જીવવાનો અધિકાર છે. યોગી એમ પણ માને છે કે બીજાઓને મદદરૂપ થવા જન્મ થયો છે. યોગ કરનાર વ્યક્તિ એટલી સક્ષમ હોવી જોઈએ, જે કોઈના સંપર્કમાં એ આવે તેને એ આનંદ આપે છે. પિતા તેનો પુત્ર ચાલતો થઈ શકે તે માટે તેને પગલાં ભરવામાં પ્રોત્સાહન આપે છે ને મદદ કરે છે, કેવી રીતે યોગી વધુ જરૂરિયાતવાળી વ્યક્તિઓને પ્રેરણા આપે, તેને મદદ કરે છે ને તેઓ જીવનરૂપી નૈયામાં ટકી રહે તે માટે તેમને સહાય પણ કરે છે.
નિર્ભય બનવું, આત્મવિશ્વાસ વધારવો અને જે પરિસ્થિતિ છે તેને સ્વીકારવાનો સ્વભાવ કેળવવા કયા આસન કરવા પડે તે જોઈએ.
વીરભદ્રાસરન-1, વીરભદ્રાસરન-2, વીરભદ્રાસરન-3
આ આસન જેમ નંબર આપ્યા છે એ જ પ્રમાણે અભ્યાસ કરવાનો હોય છે. પહેલા ત્રણ નંબરનું આસન કરવું જોઈએ. નામ પ્રમાણે ગુણ છે. આ આસનથી વીરત્વની ભાવના ઉદભવે છે. આવી પડેલ મુશ્કેલીને આત્મવિશ્વાસ સાથે પાર પાડી શકીએ છીએ. કેવી રીતે આ બધું બને છે?
આસનમાં ખભા પાછળ રાખીએ, છાતી ને આગળ લાવીએ, કરોડરજ્જુને ટટ્ટાર રાખીએ છીએ એટલે ઊંડા શ્વાસ લઈ શકાય છે. (THORACIC) કરોડરજ્જુના મણકાને મસાજ મળે છે, જેનાથી મણકામાં થતાં સ્ત્રાવ સારા થાય છે અને ડર, ફોબિયા દૂર થાય છે. હવે વારો આવે છે પ્રાણાયમનો, ઊંડા શ્વાસ સાથે કુંભક કરીએ (શ્વાસ રોકવો), ત્યારે મનોબળ મજબૂત કરી શકાય છે.
પહેલાં આ લેખમાં એક વાક્ય લખેલું કે, પહેલવાન જેવું શરીર હોય પરંતુ મને ખૂબ નબળું હોય તો એ શરીરનું શું કરવું? અને એટલે જ, યોગ આપણને મનોબળ મજબૂત કરતા શીખવાડે છે.
કિસી કે વાસ્તે રાહે કહા બદલતી હૈ
તુમ અપને આપ કો ખુદ હી બદલ શકો તો ચલો
સફર મૈ ધૂપ તો હોગી જો ચલ શકો તો ચલો.
(હેતલ દેસાઇ)
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)