તને પહેલી વાર મળ્યા પછી… : અલ્પેશ સોલંકી

પ્રિય જ્યોતિ,

મારા રુદિયાના સ્પંદનમાં ન જાણે કેવું બાણ વાગ્યું તું ,

મોજાઓના વમળ ઊઠી હૈયામાં એવું તુફાન જાગ્યું તું,
હા, તને પહેલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું …

નહોતી ખબર મને કઈ ઘડી ખેંચાયો તારી બાજુ,
બધું જ કરતા પણ કોઈ પણ કાબુ નહોતો મારી બાજુ,
ક્યાંથી ખબર કે કહેવાય છે જેને પ્રેમ, તે આવી બલા છે,
પોતાનાથી પોતાને દૂર કરતી આ તો એવી જાદુની કળા છે,
મને તો મારું ધરતી ને આકાશ ત્યારે સૌથી સુનહેરું લાગ્યું તું,
હા, તને પહેલીવાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું …

રોજ તું ક્યારે આવે બસ તે જ વાટ હતી મારા મનને,
ઝણઝણાટી વ્યાપી જાય જો કોઈ વાર સ્પર્શી જાય તું તનને,
તારી સાથે જ વાતો કર્યા કરું એવું મનમાં થયા કરે,
તું પાસે જ બેસી રહે એવું મન ચાહ્યા કરે,
તારી સાથે જિંદગીનો હર ક્ષણ વીતાવું એવું મનમાં અરમાન આવ્યું તું,

હા, તને પહેલીવાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું …

પામવાની હતી તને ચાહ પણ કહેતા લાગતો’તો ડર,
તને ગુમાવી દઈશ જો તને મંજુર ના હો અગર,
તને મેળવવાના રસ્તા પણ ક્યાં હતા આસાન,
ચારે બાજુ હતા બસ કંટકોના જ મેદાન,
તો પણ તને પોતાની બનાવું એવું સ્વપ્ન તો આંખોમાં જાગ્યું તું,
હા, તને પહેલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું …

પીળા પાનખરમાં પાન ખરી વસંતની લહેર આવી,
મારી જિંદગીની દરેક ઋતુમાં તું અનેરી મહેક લાવી,
પહેલા વરસાદની ભીની ફોરમ જેવી પ્યારી છે તું,
સૂરજની પહેલી કિરણ, સાંજની મધમાતી લાલી છે તું,
મેં હંમેશાં આવા જ જીવનસાથી માટે વિચાર્યું તું,
હા, તને પહેલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું …

તું જો આજે મારી સંગ છે,
તો મારી જિંદગીમાં પ્રેમનો રંગ છે,
તારા વિના એક ક્ષણની કલ્પના પણ મુશ્કિલ છે,
મને તો તારી ખુશીમાં જ બધી ખુશી હાંસિલ છે,
તેં તો મને એથીય વિશેષ આપ્યું જેનું મેં કદી મનમાં કોડ રાખ્યું તું,
હા, તને પહેલીવાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ..

– તારો અલ્પેશ