આશિષે સ્મિતાની આંખોમાં આંખો પરોવતાં કહ્યું, ‘પાસ્ટ ઇઝ પાસ્ટ’

સ્મિતા પોતાના પતિ સાથે રવિવારે સાંજે મોલમાં પહોંચી. આજે તેણે પોતાના અને આશિષના શોપિંગ માટે લાંબી લિસ્ટ તૈયાર કરી હતી. કેમેય કરીને બે કલાક પહેલા શોપિંગ પૂરું થાય તેવું લાગતું નહોતું અને ત્યારબાદ ડીનર કરીને જ ઘરે પાછા ફરવાનો પ્લાન હતો.

તેમના લગ્નને છ વર્ષ થયા હતા પરંતુ પતિ-પત્ની બંને પોતપોતાની નોકરીમાં બીઝી રહેતા. અરેન્જ્ડ મેરેજમાં અને વ્યસ્ત જીવનમાં તેમને બહાર ફરવાનો સમય ઓછો મળતો એટલે જ આજે પણ સ્મિતાએ જરૂરી વસ્તુઓની યાદી બનાવી લીધી હતી જેથી કરીને કોઈ જરૂરી વસ્તુ છૂટી ન જાય.

મોલમાં એક કપડાના શો રૂમમાં સ્મિતાએ પીળા રંગનો કુર્તો પોતાના પર કેવો લાગે છે તે જોવા ખભે લગાવ્યો અને પૂછ્યું, ‘આશિષ, જો ને, કેવો લાગે છે આ કુર્તો મારા પર?’

‘યેલ્લો કલર તો તારા પર હંમેશા જ ખીલે છે.’ કોઈ પરિચિત પરંતુ છતાંય અજાણ્યો અજાવ સ્મિતાના કાને પડ્યો. સ્મિતાએ બોલનાર સામે જોયું તો ચોંકી ગઈ અને તે કઈ બોલી શકી નહિ.

‘સારો લાગે છે.’ તે યુવાન ફરીથી બોલ્યો ત્યાં તો આશિષ આવી પહોંચ્યો. તેની પત્નીને કુર્તો કેવો લાગે છે તે કહેનાર આ યુવાન કોણ છે તે સવાલ તેના ચેહરા પર સ્પષ્ટ દેખાતો હતો.

‘હેલો, આઈ એમ અપૂર્વ. અપૂર્વ ચોક્સી. હું અને સ્મિતા કોલેજમાં સાથે હતા. પછી હું અમેરિકા ચાલ્યો ગયો અને ત્યાં જ સેટલ છું. થોડા દિવસ માટે ઇન્ડિયા આવેલો અને આજે મોલમાં આવ્યો છું પત્ની સાથે શોપિંગ કરવા તો અચાનક સ્મિતાને જોઈ સો આઈ થોટ કે હેલો કરી લઉં.’ અપૂર્વએ આશિષ સામે હાથ લંબાવતા પોતાની ઓળખાણ આપી.

‘ઓહ અપૂર્વ. નાઇસ ટુ મીટ યુ. હું સ્મિતાનો પતિ આશિષ છું.’ આશિષે અપૂર્વનો લંબાવેલો હાથ પકડી હસ્તધનૂન કરતા કહ્યું.

સ્મિતાને તે પરિસ્થિતિમાં શું બોલવું તે સમજાયું નહિ પરંતુ આશિષ અને અપૂર્વએ એકબીજાને પોતપોતાનો પરિચય લગભગ આપી જ દીધો હતો. સ્મિતાએ કુર્તો પાછો સ્ટેન્ડ પર મૂકી દીધો હતો અને હવે કુર્તા કરતા તે પરિસ્થિતિને સાંભળવી વધારે જરૂરી હતી.

‘નાઇસ ટુ મીટ યુ ટૂ આશિષ. મારા યુ.એસ. ગયા પછી સ્મિતા સાથે સંપર્ક લગભગ તૂટી જ ગયા અને પછી જીવનમાં વ્યસ્ત થતા ગયા. અચાનક આજે તમને બંનેને મળવાનું થયું તો સારું લાગ્યું. મારી પત્ની ચેંજિંગ રૂમમાં ગઈ છે, આવે તો મળાવું.’ અપૂર્વએ ચેંજિંગ રૂમ તરફ નજર કરતા કહ્યું.

‘સ્યોર. સ્મિતાએ મને તારા વિશે કહેલું એટલે હું નામથી તો પરિચિત હતો. આજે મળવાનું પણ થયું.’ આશિષ સ્મિતાના ખભે હાથ મૂકતા બોલ્યો.

‘લો, યામિની આવી ગઈ. યામિની, ધીસ ઇઝ સ્મિતા અને હી ઇઝ આશિષ, હર હસબન્ડ.’ અપૂર્વએ યામિનીને જલ્દીથી બંનેની ઓળખાણ કરાવી દીધી.

‘હેલો આશિષ, હેલો સ્મિતા. આઈ એમ હેપ્પી ટુ મીટ યુ બોથ.’ યામિનીએ હંસતા ચેહરે બંનેનું અભિવાદન કર્યું એટલે જવાબમાં સ્મિતા અને આશિષે પણ તેને હેલો કર્યું.

થોડી ક્ષણો માટે ચારેય ચૂપ રહ્યા. કોણ શું બોલે તે સમજાયું નહિ એટલે બે ક્ષણ પછી આશિષે જ કહ્યું, ‘સો આજે સાંજનો તમારો પ્લાન શું છે?’

‘નથીંગ. શોપિંગ ફિનિશ કરીને અહીં ફૂડ કોર્ટમાં જ કૈંક પિઝા બર્ગર ખાઈને ઘરભેગા થઇ જઈશું.’ યામિનીએ જવાબ આપ્યો.

‘ગુડ. અમારો પણ એવો જ પ્લાન છે. તો ડિનર સાથે કરીએ?’ આશિષે પૂછ્યું. સ્મિતા આશિષના ચેહરા સામે જોઈ રહી કે એ શા માટે પૂછી રહ્યો છે.

‘શું કહે છે અપૂર્વ?’ યામિનીએ પૂછ્યું.

‘યસ, સ્યોર.’ અપૂર્વએ સહમતી દર્શાવી.

‘પણ આપણે તો જલ્દી જવાનું હતું ‘ને?’ સ્મિતાએ સંકોચથી આશિષને પૂછ્યું.

‘કમ ઓન સ્મિતા.’ યામિનીએ સ્મિતાને ખભેથી પકડીને ઝંઝોળી. ‘ચાલ ને હવે, પછી ખબર નહિ ક્યારે મળવાનું થશે આપણું ફરીથી.’

‘બટ યામિની, અમારે… અમારે થોડું….’ સ્મિતાને સમજાયું નહિ કે કેવી રીતે જવાબ આપે.

‘બી કમ્ફર્ટેબલ સ્મિતા.’ આશિષે સ્મિતાની કમરમાં હાથ વીંટાળી પોતાની પાસે ખેંચી.

સ્મિતાએ પ્રશ્નાર્થ દ્રષ્ટિએ આશિષ સામે જોયું અને પછી અપૂર્વ અને યામિની સામે નજર કરી.

‘મને ખબર છે, આઈ મીન મને તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. પાસ્ટ ઇઝ પાસ્ટ.’ આશિષે સ્મિતાની આંખોમાં આંખો પરોવતાં કહ્યું અને તેની કમર પર હાથ મજબુતીથી કસ્યો.

‘ઇવન આઈ ડોન્ટ માઈન્ડ. મને પણ અપૂર્વએ બધું જ કહ્યું છે.’ યામિનીએ સ્મિતા સામે જોઈને ખભા ઉછાળ્યા.

‘ઓકે. તો મને વળી શું વાંધો હોય.’ સ્મિતાએ તેના ચેહરા પર છવાયેલી ચિંતા ફંગોળતા કહ્યું.

‘હા યાર. તમે લોકોએ કોલેજના સમયમાં એક બીજાને ડેટ કરી તે કરી. પરિસ્થિતિ વશ તમારું સાથે રહેવાનું શક્ય ન બન્યું. ઇટ્સ ઓકે.’ આશિષે સ્મિતાને અને અપૂર્વને સંબોધીને કહ્યું.

ચારેય વચ્ચે થોડીવાર ચુપકીદી છવાયેલી રહી પછી આશિષ અને અપૂર્વ પુરુષોના સેક્શનમાં જઈને ટીશર્ટ અને જીન્સ ચેક કરી રહ્યા હતા ત્યારે યામિનીએ સ્મિતાએ મુકેલો યેલ્લો કુર્તો ઉઠાવતા એને કહ્યું, ‘આ કુર્તો ખુબ સરસ છે ‘ને? મારા પર શોભશે. ખરીદી લઉં?’

‘હા, ખરીદી લે. તને શોભશે.’ સ્મિતાએ મર્મયુક્ત સ્મિત સાથે કહ્યું.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)