દુ:ખ વસંતરાયને અંદરથી કોરી ખાઈ રહ્યું હતું…

વસંતરાયને સિત્તેર પૂરા થયા ત્યારથી તેના પુત્રએ કહેવા માંડેલું, ‘પપ્પા, હવે તમારી ઉંમર થઇ. ઘરમાં બેસો. બહાર જતા તમને કંઈ લાગી-બાગી જશે તો નાહકની ઉપાધિ થઇ પડશે.’

‘બેટા, ઘરમાં બેસીને માણસ શું કરે? શરીર ચાલે છે ત્યાં સુધી કામ કરવું જોઈએ. જયારે બેસી જાઓ ત્યારે જીવનને જાકારો આપ્યો કહેવાય.’ વસંતરાય તેમની ફિલોસોફી અનુસાર ક્યારેય નિવૃત્ત થવામાં નહોતા માનતા. તેમને લાગતું કે ઘરે બેસવું અને કાર્યવિહોણું થવું એટલે પોતાના મનમાં ખાલીપો સર્જવો. એકવાર મનમાં ખાલીપો સર્જાય ત્યારે વ્યાકુળતા, વૃદ્ધત્વ, ચિંતા, નિરાશા અને ભય તેને ભરી દે છે.

‘પરંતુ પપ્પા, તમારે ક્યાં કાંઈ કામ કરવાની જરૂર છે? પેન્શન આવે છે ને? અને તમારો ક્યાં કંઈ ખર્ચ પણ છે? વળી, અમે આટલું સારું કમાઈએ છીએ તે તમારી તાલીમ અને પરવરિશને કારણે જ ને?’ પિસ્તાલીસના થયેલા પુત્રએ જીવનમાં ખૂબ પ્રગતિ કરેલી અને તેનું મુખ્ય કારણ હતું કે વસંતરાયે પુત્રની ક્ષમતાને ઓળખીને તેને સારી રીતે ભણાવ્યો હતો. પિતાનો મહેનતુ સ્વભાવ પુત્ર માટે હંમેશા પ્રેરક બની રહેલો.

‘હું ક્યાં પૈસા માટે કામ કરું છું? તને તો ખબર છે કે હું કમાયેલા એકેય પૈસે મારા પર ખર્ચ કરતો નથી. મારા માટે તો કામ એ વ્યસ્ત રહેવાનું એક માધ્યમ છે અને તેનાથી મને પ્રવૃત્તિ મળી રહે છે.’ કહીને વસંતરાય પોતાનો ખાદીનો બગલથેલો લઈને ઓફિસ જવા નીકળી ગયેલા. વર્ષોથી તેઓ ખાદીના કપડાં જ પહેરતા અને તેમાં એકેય કરચલી ન હોવી જોઈએ તે તેમનો નિયમ હતો. સાદગી તેમને પહેલાથી પસંદ હતી, પરંતુ ઘરમાંથી કરચલીવાળા કપડાં પહેરીને નીકળો તે તમારી બેદરકારી બતાવે તેવું વસંતરાય કહેતા.

પિતાની ધારદાર દલીલો અને તીવ્ર બુદ્ધિમત્તા સામે પુત્ર આખરે હારતો અને તેમને ઓફિસ જવા દેતો. ઓફિસ એટલે આમ તો વસંતરાયનું બેસવાનું સ્થળ જ્યાં તે મિત્રોને અને પરિચિતોને મળે અને વાતો કરે. તેમનું વીમાનું કામ તો માત્ર નામનું જ હતું.

આજે સવારે ઓફિસે જવા નીકળ્યા ત્યારે વસંતરાયને થોડું માથું દુખતું હોય અને શરીર તૂટતું હોય તેવું લાગેલું, પરંતુ ગરમ ગરમ ચાનો કપ ગટગટાવીને તેઓ જલ્દીથી પોતાની રોજિંદી આદત મુજબ છાપું વાંચવા ઓસરીમાં ખુરસી પર બેસી ગયેલા. અડધી કલાકનો છાપું વાંચવાનો તેમનો નિત્યક્રમ પત્યો ત્યાં સુધીમાં તેમનું શરીર વધારે શિથિલ થયેલું લાગ્યું. મનમાં તેમને વિચાર આવ્યો કે આજે ઘરે રહીને આરામ કરી લે પરંતુ પછી એવું વિચારીને ઓફિસે જવા નીકળી ગયા કે જો ઘરે બેસી રહીશ તો બીમાર થઇ જઈશ. તેના કરતા મિત્રોને મળીશ તો થોડું સારું લાગશે.

દિવસ દરમિયાન વસંતરાય ઓફિસે બેઠા અને રસ્તામાં આવતા જતા લોકોને નિહાળવા લાગ્યા. તેમના મિત્ર મગનલાલ આજે ઓફિસે આવ્યા નહિ એટલે એકાદ કલાક રહીને તેમને ફોન કરીને હાલચાલ પૂછ્યા તો જાણવા મળ્યું કે તેમની તબિયત નાજુક હોવાથી આરામ કરતા હતા. પોતાના ત્રણ મિત્રો તો છેલ્લા બે વર્ષમાં સ્વર્ગલોક સિધારી ગયેલા અને તેમના જવાનું દુઃખ વસંતરાયને અંદરથી કોરી ખાઈ રહ્યું હતું. હવે મગનલાલની તબિયત પણ નાજુક સાંભળી એટલે તેમના પેટમાં ધ્રાસ્કો પડ્યો. પોતાને પણ સવારથી શરીર તૂટતું હોય તેવું લાગી રહ્યું હતું. વસંતરાયે પોતાનું મન કોઈ કામમાં પરોવવા પ્રયત્ન કર્યો પરંતુ કંઈ ખાસ મજા ન આવી.

રોજ સાંજે વસંતરાય છ વાગ્યે ઓફિસ બંધ કરતા પરંતુ આજે પાંચ વાગ્યે જ તેઓ ઘરે જવા રવાના થયા. રસ્તામાં તેઓ શહેરની બદલાયેલી દુનિયા જોઈ રહ્યા. પોતે મોટા એજ શહેરમાં થયેલા અને આ સાત દાયકામાં પોતાના કરતા શહેરે વધારે રંગ બદલ્યા હતા તેમાં કોઈ શંકા નહોતી. જો કાંઈ બદલાયું નહોતું તો તે હતું એ પીપળાનું ઝાડ. પરંતુ તે પણ ક્યાં પહેલા જેવું રહ્યું હતું? પહેલા તો કેવું લીલુંછમ દેખાતું, જુવાનિયા જેવું. હવે તો તેના થળ પર પણ જેમ વૃદ્ધની ચામડીમાં કરચલી આવે તેમ છાલો ચિરાઈ હતી. એવું વિચારતા અનાયાસે જ વસંતરાયની નજર પોતાના હાથની કરચલીઓ પર પડી.

ઘરે જઈને પરિવાર સાથે ડિનર કર્યું અને રોજની જેમ વાતો કરી. ઓસરીમાં બેઠા બેઠા રાત્રે જૂના ગીતો સાંભળ્યા અને પછી ઊંઘવા પોતાના રૂમમાં જતા રહ્યા.

બીજા દિવસે સવારે તેમને પથારીમાંથી ઉઠવાનું મન ન થયું. શરીર દુખતું હોવાની હકીકતથી આજે તેઓ ઇન્કાર કરી શકે તેમ નહોતા. પુત્રએ દરવાજો ખખડાવ્યો અને પૂછ્યું, ‘તબિયત સારી છે?’

વસંતરાયે જવાબ આપેલો, ‘હા સારું છે. આંખ ખૂલવામાં થોડું મોડું થઇ ગયું.’

ઘરના લોકોને ચિંતા થશે તેવું વિચારીને વસંતરાય મહેનત કરીને ઉઠ્યા પરંતુ તેમની તૈયાર થવાની સ્ફૂર્તિ ગાયબ હતી. ઓફિસે જવાની ઈચ્છા નથી તેવું તેમણે મન બનાવી લીધું અને છાપું વાંચતા મોડે સુધી બેઠા રહ્યા. પુત્ર પોતાના કામે જતો રહ્યો અને પુત્રવધૂએ પણ એક-બે વાર તબિયત વિશે પૂછી લીધું. ‘સારું છે’ તેવું કહ્યા કર્યું પરંતુ વસંતરાયને અંદરથી ખૂબ કમજોરી જેવું લાગતું હતું.

અગિયાર વાગ્યે તેના મિત્ર મગનલાલનો ફોન આવ્યો, ‘વસંત, આજે ઓફિસે નથી આવ્યો? હું તો તારા માટે ખાંડવો લાવ્યો હતો. અહીં આવીને જોઉં છું તો તાળું છે.’

‘અરે ના, ના. આવું જ છું. આ તો ઘરનું કઈંક કામ આવી ગયેલું તો મને થયું હું પૂરું કરીને નીકળું.’ વસંતરાયના અવાજમાં સ્ફૂર્તિ આવી અને તેઓએ તરત બહાર જવાના ચપ્પલ પહેર્યા.

(રોહિત વઢવાણા) 

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)