પેલી પંચતંત્રની વાર્તા યાદ છે? છ વ્યક્તિઓ, અને એમને કીધું કે ગામમાં હાથી આવેલ છે, તમારે જોવો છે? એ લોકોએ વિચાર્યું કે આજ સુધી હાથી વિશે ઘણું સાંભળ્યું છે. લાવ અડકીને જોઈ લઈએ, સ્પર્શ કરીને અનુભવ કરીએ. બધા એ સ્થાન પર ગયા, જ્યાં હાથી ઊભો હતો. બધાય હાથીને અડકવાનું શરુ કર્યું. પહેલા માણસે પગને સ્પર્શ કર્યો. તેણે કીધું હું સમજી ગયો – હાથી થાંભલા જેવો છે. બીજા એ હાથીની પૂછડીને પકડતા હાથી દોરડા જેવો છે. ત્રીજા માણસે સૂંઢ ઉપર હાથ અડાડતા કહ્યું કે હાથી ઝાડ ના થડ જેવો છે. ચોથા માણસ એ મોટા અવાજે કીધું કે શું બક્વાસ કરો છો! હાથી પંખા જેવો છે કારણકે એ હાથીના કાનને અડ્યો હતા. પાંચમા માણસ એ કીધું કે તમે બધા ખોટા છો હાથી દિવાલ જેવો છે કારણ કે એ પેટ ઉપર સ્પર્શ કરતો હતો. છઠ્ઠી વ્યક્તિતો ગુસ્સે થઈ – ના ના તમે બધા ખોટા છો. હાથી કેવી રીતે જુદો જુદો હોઈ શકે?
એટલામાં એક બુદ્ધિમાન વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો. જોયું કે બધા ઝઘડે છે કારણ પૂછ્યું કે શું વાત છે કેમ ઝગડો છો.? તો બધા પોતાની વાત જ સાચી છે બીજા ખોટા છે એવું કહેતા હતા. બુદ્ધિશાળી વ્યક્તિ એ સમાધાન કરતા કહ્યું કે તમે બધા સાચા છો- પરંતુ બીજી વ્યક્તિ ખોટી છે એવું ન માની શકાય. lessons of life જે યોગશાસ્ત્રમાં લખેલું છે કે ચિત્ત વિક્ષેપના અવરોધો દૂર કરવા ઋષિ પતંજલીએ ચાર ઉપાયો બતાવ્યા છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા આ ચાર જો જીવનમાં ઉતારીએ તો જીવન સરળ રીતે, સરસ રીતે જીવી શકાય.
અધોમુખશ્વાનાસનની વાત કરું તો – આ આસન આપણા શરીર અને મન બંને પર કામ કરે છે. કરોડરજજુના બધા મણકાને મસાજ મળે છે.
અહીં આપેલો અધોમુખશ્વાનાસન તમે જોઈ શકો છો, પગ સીધા છે અને શરીરને બરાબર સીધુ રાખી નીચે નમાવ્યું છે, હાથ જમીન પર છે. અને આ સ્થિતિમાં ત્રીસ સેકંડથી લઈને પાંચ મિનિટ સુધી રોકાઈ શકાય છે. શ્વાસ શરૂઆતમાં ટૂંકા હશે પરંતુ થોડી ક્ષણો પછી ધીમા, લાંબા, ઊંડા શ્વાસ લઇ શકાશે.અને એ જ તમને અસર કરશે મન અને શરીર પર. તેવી જ રીતે દોરડા પર શીર્ષાસન બતાવવામાં આવ્યું છે; અને શલભાસન પણ જોઈ શકો છો.
હવે જ્યારે તમને ખબર છે કે આપણા મનની અસર સીધી શરીર ઉપર પડે છે, એટલે કે મનના ઉધામાં શરીરને હચમચાવી નાખે છે. કારણકે આપણું સમગ્ર તંત્ર સાઈકોસ મેટિકનું શારીરિક છે. તો સતત ઇર્ષા થતી હોય,કે બીજાનું સુખ જોવાતું ન હોય, કે મનમાં ને મનમાં જીવ બળ્યા કરતા હોય તો એસીડીટી, માથાનો દુખાવો થવાની શક્યતા છે. એટલે કરોડરજ્જુને મસાજ આપતા આસનો કરવાના. સાથે સાથે પ્રાણાયામ કરી મનને રિલેક્સ રાખી અને જે પરિસ્થિતિ છે એને સહજ સ્વીકાર કરવાની ક્ષમતા કેળવીએ. સાઈકોસ મેટિકથી આગળ વધીયે આપણું સમગ્ર તંત્ર સાઈકો સ્પિરિચ્યુઅલ પણ કહી શકાય. અષ્ટાંગ યોગમાં એનો પણ ઉલ્લેખ થયો છે.
તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન શું છે? ઇશ્વર પરની અતૂટ શ્રદ્ધા પોતાની ઈચ્છા અને કાર્યો ઈશ્વરને સમર્પિત કરવા, તે ઇશ્વર પ્રણિધાન કહેવાય. જેને ઇશ્વરમાં શ્રદ્ધા છે તે કદી નાસીપાસ થતો નથી. એ તેજસ્વી હોય છે. સમગ્ર વિશ્વનો માલિક ઈશ્વર છે અને તે બધાનો કર્તાહર્તા છે એમ જે જાણે છે તે કદી અભિમાન નથી કરતો. કદી અભિમાનથી ફુલાતો નથી કે નથી તેને સત્તાનો નશો ચડતો.
સ્વનું અધ્યયન – મનુષ્યમાં રહેલી સર્વે શક્તિ પ્રગટ થવા દેવી તે શિક્ષણનું અધ્યયન છે. આ રીતે પોતાની જાતને કેળવવી, તે સ્વાધ્યાય છે. એટલે આ લેખની શરૂઆતમાં જે કહેલું કે નમ્ર રહી બીજાની વાતને સમજવી, બીજાની પરિસ્થિતિને સમજીને લોકો સાથે વ્યવહાર કરવો જોઈએ. પંચતંત્રની વાર્તા મોટા થયા પછી પણ શીખ આપે છે.
(હેતલ દેસાઇ)
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)