આલાપ,
ક્યારેક એવો વિચાર આવે કે જીવન શું છે? ને પછી એ જ સવાલમાં ગૂંચવાઈ જવાય છે. કોઈ નક્કર જવાબ ન મળે ત્યારે થાય કે બસ,આજ જીવન છે. જે બનાવ આજે હસાવે છે એ જ બનાવની યાદો ભવિષ્યમાં રડાવી પણ શકે એ જીવન.
ભૂતકાળમાં મનગમતી વ્યક્તિ તરફથી મળતી મનગમતી વસ્તુને આપણે ઘરના કોઈ અતિ ગમતા ખૂણામાં કેટલા જતનથી સાચવતા હોઈએ છીએ, બિલકુલ એમજ જેમ હ્ર્દયનાં કોઈ ખૂણામાં એ યાદોને રાખીએ છીએ. ક્યારેક એકાંતની પળોમાં હ્ર્દયનાં ખૂણાને ફંફોસીએ ત્યારે નીકળી પડે જૂની યાદોના પોટલાં ને પછી એમાંથી નીકળે એક એક રંગબેરંગી ક્ષણ. હા, એના રંગો થોડા ઝાંખા થયા હોય, ક્યાંક એ રંગોની પોપડી પણ ખરી ગઈ હોય પણ છતાં એ વર્ષો પછી પણ એટલા આકર્ષક અને મોહક લાગે કે ફરી એકવાર એને વળગીને બેસી રહેવાનું મન થાય.
આલાપ, આજે આ ગમગીન વાતાવરણમાં મને પણ મારા હ્ર્દયનાં એ ગમતીલા ખૂણાની મુલાકાત લેવાનું મન થયું ને હું જઈને ઉભી રહી ગઈ એ ખૂણામાં મુકેલ ક્ષણોના પોટલાં પાસે. હળવેથી પોટલું ખોલ્યું ત્યાં તો સાથે જીવાયેલી ક્ષણોના રંગો ચમકી રહ્યા હતા. મેં એક ક્ષણને નજરમાં ભરી કે તરત જ પગમાં ગતિ પકડાઈ. હું ઝડપથી રૂમ તરફ ગઈ. રૂમમાં રાખેલી મારી એ તિજોરી જેમાં માત્ર મારી જીવાઈ ગયેલી રંગીન ક્ષણોની નિમિત્ત બનેલી વસ્તુઓ સચવાયેલી છે એ ખોલું છું. સામે જ દેખાય છે એક અદભુત પેઇન્ટિંગ. હું બહુ સાચવીને એ ફ્રેમ ઉપાડું છું અને એની આંગળી ઝાલીને મન ભૂતકાળમાં લટાર મારવા પહોંચી જાય છે.
એ દિવસે હું સીધીજ તારા રૂમમાં આવી ચડેલી. તું રંગો, પીંછી અને કેન્વાસની વચ્ચે બેઠેલો. મને અચાનક આવેલી જોઈને તને પણ આશ્ચર્ય થયું પણ તું એકદમ ઝૂમી ઉઠતાં બોલેલો, “સારું, બહુજ સારા સમયે આવી છે, મારા જીવનમાં પણ અને આજે અહીં મારા ઘરમાં પણ.
મારી ખુશીઓ સાતમા આસમાને હતી.
તું બોલી રહ્યો હતો, “સારું, ક્યારનો ય વિચારી રહ્યો છું કે કોઈ ખૂબ જ સુંદર તસ્વીર બનાવું પણ એટલું મોહક કશું સૂઝી નહોતું રહ્યું. જો હવે તું આવીને ..!! ચાલ,સામે બેસી જા.”
ને હું તરતજ સામે ગોઠવાઈ ગઈ. તું મને કેદ કરતો રહ્યો કેન્વાસમાં અને હું તને મારી આંખોમાં. સારો એવો સમય વીત્યો અને અંતે આબેહૂબ તસ્વીર બની. એ તસ્વીર તો મારી હતી પણ એમાં તેં તારી કલ્પનાનાં રંગો પૂરેલા. તેં મને ગિફ્ટ કરતાં કહેલું, ” સારું,આ તસ્વીરમાં છે એનું ધ્યાન રાખવાની જવાબદારી હું તને સોપું છું. મારી ખુશીઓનાં તમામ રંગો એમાં છે એ ઝાંખા ન પડે એ જોજે.” એ સમયે તને કે મને ક્યાં ખબર હતી કે ભગવાન પણ મારી જિંદગીના કેન્વાસ પર કશુંક દોરી રહ્યો છે. તું મારી જિંદગીમાંથી ગયો ત્યારે મને લાગ્યું કે કાળા રંગની આખી બોટલ મારી જિંદગીના કેન્વાસ પર ઊંઘી વળી ગઈ છે.
ધારો કે તેં આ પેઇન્ટિંગ જ ન બનાવ્યું હોત તો? તો કદાચ હું માણસ મટીને પ્રકૃતિ બની હોત. મારા હાસ્યથી, મારા ભીતરના ક્લબલાટથી અને મારા વિચારોના મેઘધનુષ્યથી સમગ્ર વાતાવરણ તાજગીભર્યું હોત. તેં મને તસ્વીરમાં કેદ કરી મારી લાગણી, મારી અભિવ્યક્તિ, મારી વાચા બધું જ ફ્રીઝ કરી દીધું. આજે આ પેઇન્ટિંગ જોઈને ભલે થોડી ક્ષણો માટે પણ ફરીથી જિંદગીના કાળા કેન્વાસ પર સ્મરણોનાં રંગબેરંગી ફૂલો દોરાયા. હવે આખો દિવસ એના પર કલ્પનાનાં પતંગિયા ઉડાઉડ કરશે અને આજનો દિવસ તાજગીસભર જશે.
વધતી ઉંમરની આ જ તો મજા છે. ચંચળતા જ્યારે શાણપણમાં બદલાય ત્યારે દુઃખ પણ સુખની અનુભૂતિ આપવા લાગે.
-સારંગી
(નીતા સોજીત્રા)