આલાપ,
ક્યારેક વિચાર આવે કે જીવાઈ ગયેલા જીવન દરમ્યાન સમયનો કોઈ ટુકડો તો એવો હોય છે જેને આપણી જિંદગીમાંથી કાઢી નાખીએ તો પાછળ કશુંજ નથી બચતુ. એવું કહી શકાય કે એ એક ટુકડો જ આપણું સમગ્ર જીવન છે.
તને એ કહેવું જરૂરી નથી લાગતું કે મારા જીવાઈ ગયેલા જીવનનો એ એક ટુકડો તું છે-આપણે સાથે જીવ્યા એ સમય છે. સતત બદલાતા રહેતા સમય અને સંજોગો ઘણું નવું શીખવે છે, ઘણું જૂનું જે નથી સમજાયું હોતું એ સમજાવે છે અને ઘણા એવા સંબંધો જે ભૂતકાળ બનીને મનમાં દફન થઈ ગયા છે એને પુનર્જીવિત કરે છે. તો શું થયું કે આજે આપણે પાસે નથી, એકસાથે નથી પણ બદલાતો સમય અને સંજોગોએ મને ક્યારેય તારાથી દૂર થવા જ નથી દીધી. દરેક વખતે મારો બદલાતો સમય મને તારી વધુ નજીક લાવ્યો છે. તારા તરફનો એક સમયનો રોષ મારી ઓછી સમજણ સાબિત કરી ગયો એ હદે મને સમયે શીખવ્યું છે.
આલાપ, તને યાદ છે? એક સવારે એમ જ આપણે બન્ને નીકળી પડેલા ગામથી બહાર આવેલા નિર્જન રસ્તા પર. સવાર સવારમાં પણ એ રસ્તો તદ્દન નિર્જન અને થોડો ભેંકાર લાગતો હતો. મારાથી બોલાઈ ગયું, “આલાપ, તું મારી સાથે ન હોય તો મારી જિંદગી પણ આવીજ નિર્જન અને ભેંકાર બની જાય.” તેં તરતજ મારો હાથ પકડી લઈ મને બહુજ પ્રેમથી સમજાવેલી, “સારું, એવું ન વિચાર. ભાવિના ગર્ભમાં શુ છુપાયું છે એ આપણે નથી જાણતા પણ હું તને એક વચન આપું છું કે જીવનના કોઈપણ તબક્કે કદાચ હું તારી પાસે નહિ રહી શકું તો પણ તારી સાથે જ છું. તારા મનમાં, તારા હ્ર્દયમાં, તારા વિચારોમાં અને તારા શ્વાસમાં.” મને આ સાંભળીને રાહત તો થઈ પણ ડર પણ લાગ્યો કે જો આ હાથ છૂટી જશે તો? અને જો તું મારી ‘પાસે‘ નહિ હોય તો પછી તું કદી પણ મારી ‘સાથે‘ નહિ જ હોય.
સમયે એનો રંગ બતાવ્યો. મારી ઇસ્ટમૅન કલર જેવી જિંદગી એકાએક બ્લેક એન્ડ વ્હાઇટ કરીને તું જતો રહ્યો. મનને બહુ સમજાવ્યું કે હવે એ જતો રહ્યો છે. હવે એ તારો નથી. હવે તું એને નફરત કર, ધિક્કાર અને ભૂલી જા. સખત રોષ હતો તારા પ્રત્યે અને તને ભૂલી જઈશ એવા દ્રઢ નિર્ધાર સાથે તને ધિક્કારવાનું પણ શરૂ કરેલું પરંતુ ક્યાં ખબર હતી કે તું જીવનનો એવો ટુકડો છે કે તને બાદ કરતાં જીવનમાં કશુંજ નહિ વધે. એક દિવસ અચાનક મારી સામે તારા મને છોડીને જતા રહેવાનું રહસ્ય ખુલ્યું. મારો તમામ રોષ પળવારમાં વરાળ માફક ઉડી ગયો. હવે તારા પ્રત્યે મારો પ્રેમ ખૂબ વધી ગયો. પ્રેમ નહિ, પૂજા સમજ. હવે હું તને પૂજવા લાગી. હા આલાપ આજે સમજાય છે કે…
….ધારોકે તેં ત્યારે મારો હાથ ન છોડ્યો હોત તો? તો કદાચ આજે આપણો સાથ છૂટી ગયો હોત. એકલતાની ભીંતો પર રાત-દિવસ ઉમ્મીદોનાં ટહુકાઓ ચિતરાતા હોત અને એ ટહુકાઓમાં સંભળાતી હોત મારી ચીસો. હાથ છૂટ્યો છતાં યાદોના ટુકડામાં જીવી જવાયું પણ પાસે રહેવાની જીદમાં સાથ છૂટી જાત તો જીવન દોહ્યલું થઈ ગયું હોત એ સત્ય આજે સમજાય છે. અને સાથે સાથે તારા કહેલા એ શબ્દો પણ, “સારું, આમતો હું કવિ જીવ નથી પણ હમણાં જ એક પુસ્તકમાં કવિ હિતેન આનંદપરા નો શે‘ર વાંચ્યો હતો.
“તું ફક્ત નિર્ભર તર્ક પર ને જ્ઞાન પર !
થોડીક શ્રદ્ધા જોઈએ ભગવાન પર.“
વાહ, તારી વાતો, યાદો, સમજણ, અને આ સાથ આજે પણ મને જીવવાનું બળ આપે છે.
–સારંગી.
(નીતા સોજીત્રા)