આજથી બજેટ સત્રનો બીજો તબક્કો: વિપક્ષે સરકારને ઘેરવાનો પ્લાન બનાવ્યો

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઈ રહ્યો છે, જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દે ઘર્ષણ થવાની સંભાવના છે. આ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે મતદાર યાદીઓમાં હેરાફેરી, વકફ સુધારા બિલ, સીમાંકન, ત્રણ ભાષા ફોર્મ્યુલા નીતિથી લઈને અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ સહિત અનેક મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થવાની શક્યતાઓ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા સંમત થઈ ગયું હોવાનો દાવો કરીને મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષને મોટો મુદ્દો આપી દીધો છે.આ ઉપરાંત, ગૃહમંત્રી અમિત શાહ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા માટે સંસદની મંજૂરી માટે એક વૈધાનિક પ્રસ્તાવ રજૂ કરી શકે છે. તે જ સમયે, નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે મણિપુરનું બજેટ પણ રજૂ કરશે. કારણ કે મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ, 13 ફેબ્રુઆરીથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

બજેટ સત્રના બીજા તબક્કામાં સરકાર ગ્રાન્ટ્સની માગણીઓ માટે સંસદની મંજૂરી મેળવવા, બજેટની પ્રક્રિયા પૂરી કરવા, મણિપુર બજેટ માટે ગ્રાન્ટ્સ મેળવવા અને વકફ સુધારા બિલને પસાર કરવા પર ભાર મૂકશે. જ્યારે વિપક્ષે મતદાર યાદીઓમાં કથિત હેરાફેરી, મણિપુરમાં ફરી ફાટી નીકળેલી હિંસા અને ટ્રમ્પ તંત્ર દ્વારા ભારત પર દબાણ, સીમાંકન અને ત્રણ ભાષા ફોર્મ્યુલા નીતિ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની યોજના બનાવી છે.

વિપક્ષે દાવો કર્યો છે કે તે ડુપ્લીકેટ મતદાર ફોટો ઓળખ કાર્ડ (ઈ.પી.આઈ.સી.)ના નંબરના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરશે. તૃણમૂલ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તૃણમૂલે વિવાદ ઉઠાવ્યા પછી ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે તે આગામી ત્રણ મહિનાની અંદર સુધારાત્મક પગલાં લેશે. જોકે, ચૂંટણી પંચે તૃણમૂલના એ દાવાને નકારી કાઢ્યો હતો કે અન્ય રાજ્યોના મતદારોને પશ્ચિમ બંગાળમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે મતદાર યાદીઓમાં હેરાફેરી કરાઈ હતી. મતદાર યાદીઓમાં હેરાફેરીનો મુદ્દો સંસદમાં ઉઠાવવા માટે તૃણમૂલે કોંગ્રેસ, ડીએમકે, શિવસેના-યુબીટી સહિત અન્ય વિરોધ પક્ષોને પણ તૈયાર કર્યા છે.સરકારે આ સત્રમાં વકફ સુધારા બિલને પાસ કરાવવાને પ્રાથમિક્તા આપી છે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે, સરકાર વકફ સુધારા બિલને વહેલી તકે રજૂ કરાવવા માગે છે, કારણ કે તેનાથી મુસ્લિમ સમાજના અનેક મુદ્દાઓનો ઉકેલ આવશે. વકફ સુધારા બિલ મુદ્દે મોદી સરકારને સાથી પક્ષોનો પણ સાથ છે. સંસદની સંયુક્ત સમિતિએ વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે પણ આ બિલ પર પોતાનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરી દીધો છે. આ રિપોર્ટ મુજબ કેટલાક સુધારા સાથે વકફ સુધારા બિલને કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે. હવે આ બિલ સંસદમાં રજૂ કરાશે.

આ સિવાય અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા માટે તૈયાર થઈ ગયું હોવાનો દાવો કર્યો છે જ્યારે મોદી સરકારે આ મુદ્દે મૌન સેવ્યું છે, જેના પગલે વિપક્ષે કેન્દ્ર સરકારને ટ્રમ્પના નિવેદન મુદ્દે સંસદને વિશ્વાસમાં લેવા કહ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ મુદ્દે સરકાર પર સવાલ કર્યો કે શું ટેરિફ ઘટાડીને સરકાર ભારતના ખેડૂતો અને નાના ઉદ્યોગોના હિતો સાથે સમાધાન કરી રહી છે?